તંત્રની જીવલેણ બેદરકારી : મોરબીમાં ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીમાં બાળક પડી ગયું

- text


નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી, સ્થાનિકોએ બાળકને હેમખેમ બહાર કાઢ્યો

મોરબી : મોરબીમાં ધણીધોરી વગરની નગરપાલિકામાં રામના નહીં પરંતુ રેઢા રાજ જેવી સ્થિતિમાં પ્રજા દુઃખી દુઃખી થઇ ગઈ છે ત્યારે ગુરુવારે બનેલા એક ચોંકાવનાર કિસ્સામાં સ્ટેશન રોડ પર ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીમાં બાળક પડી ગયું હતું. જો કે સમય સુચકતા દાખવીને સ્થાનિકોની મદદથી બાળકને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યું હતું.

મોરબીમાં પાલિકા તંત્રના વાંકે શહેરમાં અનેક સ્થળે ગટરની કુંડીના ઢાંકણ ખુલ્લા જોવા મળે છે. આ ખુલ્લી કુંડીમાં અનેક લોકો ખાબકતા હોય છે અને અકસ્માતો પણ સર્જાતા હોય છે. ત્યારે ગુરુવારે મોરબીના સ્ટેશન રોડ પર મેડિકલ કોલેજ પાસે 4 ફૂટ જેટલી ઉંડી ભૂગર્ભ ગટરનું ઢાંકણું જ ના હોય આ કુંડીમાં એક બાળક પડી ગયું હતું. રમતા રમતા બાળક કુંડીમાં પડી જતાં પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા. આ બાબતે સમયસર સ્થાનિક લોકોને જાણ થતાં લોકોની મદદથી બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું.

- text

બીજી તરફ રેલવે સ્ટેશન રોડ ઉપર ભૂગર્ભ ગટરનું ઢાંકણ ન હોવા અંગે મોરબી નગરપાલિકાના ભૂગર્ભ ગટર વિભાગના અધિકારી હિતેશ રવેશીયાનો સંપર્ક સાધતા તેમને જણાવ્યું હતું કે, ભૂગર્ભ ગટરમાં બાળક પડી જવાની ઘટના સામે આવતા જ તુરત જ ભૂગર્ભ ટીમને બનાવ સ્થળે દોડાવી ઢાંકણ ફિટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જો કે, આ પ્રકારે ખુલ્લી કુંડીઓના કારણે સ્થાનિક લોકોમાં પણ પાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક આવી કુંડીઓનું સમારકામ કરાવવામાં આવે તેવી લોકો માંગ પણ કરી રહ્યા છે.

- text