દિવસ વિશેષ : કોઈપણ રાષ્ટ્રની પ્રાચીન સંસ્કૃતિની મહત્વપૂર્ણ પ્રતીક ગણાય છે તેની ઐતિહાસિક ધરોહરો

આજે વિશ્વ વિરાસત દિવસ : વિરાસતના સ્થળો ભૂતકાળ સાથે જોડાયેલી ગૌરવપૂર્ણ વાતોની યાદ અપાવે છે

મોરબી : વર્લ્ડ હેરિટેજ ડે (World Heritage Day) દર વર્ષે ’18 એપ્રિલ’ના રોજ ઉજવાય છે. સંયુક્ત રાષ્ટ્રની એક સંસ્થા યુનેસ્કોએ આપણા પૂર્વજોએ આપેલા વારસાને અમૂલ્ય ગણીને અને તેને સુરક્ષિત અને જાળવી રાખવાના ઉદ્દેશ્યથી વિશ્વ વિરાસત દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું.

કોઈપણ રાષ્ટ્રનો ઈતિહાસ તેના વર્તમાન અને ભવિષ્યનો પાયો હોય છે. જે દેશનો ઈતિહાસ જેટલો ગૌરવશાળી હશે તેટલું જ તેનું સ્થાન વૈશ્વિક સ્તરે ઊંચું ગણવામાં આવશે. એ પણ હકીકત છે કે, ભૂતકાળ ક્યારેય પાછો આવતો નથી. ભૂતકાળમાં બનેલી ઈમારતો અને લખાયેલું સાહિત્ય એને હંમેશ માટે જીવંત રાખે છે. વિશ્વ વિરાસતના સ્થળોને કોઈપણ રાષ્ટ્રની પ્રાચીન સંસ્કૃતિના મહત્વપૂર્ણ પ્રતીક ગણવામાં આવે છે. હાલ ભારતમાં 40થી વધુ સ્થળોને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ તરીકે માન્યતા આપવામાં આવી છે, જેમાં સાત પ્રાકૃતિક, 32 સાંસ્કૃતિક અને એક મિશ્ર હેરિટેજ સાઇટ છે.

ભારતમાં એકથી એક ચડીયાતા કલાના નમુના છે. ભારતમાં અનેક સુંદર ઇમારતો છે, આગ્રામાં આવેલ સુંદર તાજમહેલ, મહારાષ્ટ્રમાં આવેલી અંજતા ઇલોરાની ગુફાઓ, તમિલનાડુમાં આવેલ મહાબલીપુરમ, આગ્રાનો કિલ્લો, કોર્ણાકનું સુર્યમંદિર ખૂબ જ પ્રખ્યાત અને પર્યટકોના મનપસંદ સ્થળો છે.

દરેક દેશનો પોતાનો ભૂતકાળ હોય છે અને તે ભૂતકાળ સાથે જોડાયેલી ઘણી ગૌરવપૂર્ણ વાતો હોય છે. ત્યાં સ્થિતતત્કાલીન સમયના સ્મારકો અને વારસો આ ગૌરવગાથા યાદ અપાવે છે. ઈતિહાસના પાના પર યુદ્ધ, મહાપુરુષો, હાર-જીત, કળા, સંસ્કૃતિ વગેરેની નોંધ કરવાની સાથે આ સ્થળોને તેમના પુરાવા તરીકે હંમેશા માટે જીવંત રાખવા જરૂરી છે.


મોરબીમાં જોવાલાયક સ્થળો

મોરબી એક સમયે શહેરની તથા ઘરોની નમુનેદાર બાંધણીને કારણે “પેરિસ ઓફ ધ ઇસ્ટ” તરીકે પંકાયેલુ હતું. મોરબી જિલ્લામાં મયુર પુલ/પાડા પુલ, મણીમંદિર, વાઘ મહેલ, ગ્રીન ચૉક ટાવર, નહેરુ ગેટ (નગર દરવાજો), ન્યુ પેલેસ, મચ્છૂ માતાજી મંદિર, રફાળેશ્વર મહાદેવ મંદિર, ખોખરા હનુમાનજી મંદિર, શોભેશ્વર મહાદેવ મંદિર અને ભીમનાથ મહાદેવ મંદિર જોવાલાયક સ્થળો છે.


વર્લ્ડ હેરિટેઝ દિવસનો ઈતિહાસ

પ્રથમ વખત 1968માં, એક આંતરરાષ્ટ્રીય સંસ્થાએ વિશ્વભરની પ્રખ્યાત ઇમારતો અને પ્રાકૃતિક સ્થળોની સુરક્ષાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને સ્ટોકહોમમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય પરિષદમાં પસાર કરવામાં આવ્યો. તે પછી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરની સ્થાપના કરવામાં આવી. તે સમય દરમિયાન વિશ્વની માત્ર 12 જગ્યાઓ જ વિશ્વ સ્મારકોની યાદીમાં સામેલ હતી. બાદમાં 18 એપ્રિલ, 1982ના રોજ, ટ્યુનિશિયામાં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સે પ્રથમ વિશ્વ ધરોહર દિવસની ઉજવણી કરી હતી. તેના એક વર્ષ પછી, નવેમ્બર 1983માં, યુનેસ્કોએ મેમોરિયલ ડેને ‘વર્લ્ડ હેરિટેજ ડે’ તરીકે ઉજવવાની જાહેરાત કરી.