ક્ષત્રિય સમાજના મહાસમેલનમાં રતનપરનું ગ્રાઉન્ડ ટૂંકું પડ્યું : અગ્રણીઓનો લડી લેવાનો હુંકાર 

ગુજરાતના અનેક શહેરો ઉપરાંત બીજા રાજ્યોમાંથી પણ ક્ષત્રિયો ઉમટી પડ્યા : સાંજે રાજકોટની ભાગોળે ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયા

https://www.facebook.com/share/v/s2Ldmmz2NDLN1f3C/?mibextid=oFDknk 

મોરબી : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ સાથે સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયોનું ચાલી રહેલું આંદોલન હવે નિર્ણાયક તબક્કામાં પહોંચ્યું છે. આજે રાજકોટના મોરબી રોડ પર આવેલા રતનપર ખાતે ક્ષત્રિયોએ મહાસંમેલન યોજાયું છે. જેમાં રતનપરનું વિશાળ ગ્રાઉન્ડ પણ ટૂંકું પડ્યું તેટલી મેદની ઉમટી પડી છે.

આ સંમેલનમાં ભાગ લેવા ગુજરાતના દરેક જિલ્લામાંથી તેમજ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિત રાજ્યોમાંથી પણ ક્ષત્રિયો પહોંચ્યા છે. ક્ષત્રિય સમાજના મહા સંમેલનમાં ગુજરાતના રાજવીઓ સહિત રાજ શેખાવત અને મહિપાલ સિંહ મકરાણા ઉપસ્થિત રહ્યા છે. ક્ષત્રિય સમાજના અનેક આગેવાનોર સભાને સંબોધન કરી લડી લેવાનો હુંકાર કર્યો છે.


હવે 19 એપ્રિલ સુધીનું અલ્ટીમેટમ આપીએ છીએ : કરણસિંહ ચાવડા

રાજપૂત સમાજની કોર કમિટીના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે, સમાજથી કોઈ મોટું નથી. તમને પૂછે કે રતનપરની સભામાં શું નક્કી થયું એમ પૂછશે તો શું કહેશો? ફોટો પડાવવા ગયા હતા? એવું કહેવાય છે કે, યુદ્ધની તૈયારી શાંતિના સમયમાં થાય. સંકલન સમિતિ અને કોર કમિટી તો નિમિત છે. પાર્ટ-1 ભાજપના સત્તાધીશોને કહેવા માગું છું કે, પૂરો થાય છે. આજે લાખોની સંખ્યામાં ઉપસ્થિત ક્ષત્રિયોની હાજરીમાં હું ભાજપના હાઇકમાન્ડને કહેવા માગું છું. હવે પાર્ટ-1 પૂરો થયો અને તમારા ખોળામાં દડો ફેંક્યો એટલે હવે 19 એપ્રિલ સુધીનું અલ્ટીમેટમ આપીએ છીએ, કારણ કે જો 16 એપ્રિલે ફોર્મ ભરેલું હોય તો 19 એપ્રિલે પાછું ખેંચી શકાય.


ક્ષત્રિયાણીઓ જો વટે ચડેને તો કાં મારે અથવા તો મરે : પદ્મિનિબા વાળા

પદ્મિનિબા વાળાએ જણાવ્યું કે, એકતા હશે તો જીત આપણી જ છે. હવે તો રૂપાલાભાઈને એવું થતું હશે કે કોના અડફેટે ચડી ગયા? હવે થાય શું? ઘોબા તો ઉપાડવાના બાકી છે ભાઈ… ક્ષાત્રત્વ જાળવી રાખજો, હિન્દુત્વનું લોહી જે છે એ આપણામાં તો છે જ. ક્ષત્રિયાણીઓ જો વટે ચડેને તો કાં મારે અથવા તો મરે. મને હંમેશા એવું કહેવામાં આવે છે કે, મોળું મોળું બોલજો, ધીમું ધીમું બોલજો. આમા મોળું કેમ બોલવું? પપ્પાજીએ બાળપણથી કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજની દીકરી પર કોઈની નજર પડી જાય તો એની આંખો કાઢી લેજે બાકી અમે પાછળ બેઠા છીએ, એટલે હું એ કૂળની દીકરી છું. મરેંગે કાં તો મારેંગે. રાજશેખાવતભાઈ, મહિપાલસિંહ ભાઈ, કરણીસેના આ બધા સાથ આપજો ભાઈઓ. રાજશેખાવતભાઈની પાઘડીને હાથ લગાવી ગયા હતા એ ધ્યાન રાખજો એની બહેનો હજુ જીવતી છે. પછી ટોપી ઉતરતા પણ વાર નહીં લાગે.


માફી આપવાની સત્તા સમાજને છે, બીજા ભલે બારોબાર ગમે તે વાતો કરે : રમજુભા જાડેજા

ક્ષત્રીય અગ્રણી રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષથી રાજપૂત સમાજ જે કંઈ અનુભવી રહ્યો હતો, જેની લાગણીઓને ઠેસ પહોંચતી હતી, એ બધું ધીમે ધીમે ભેગું થયું અને 23 તારીખે ભૂકંપ જેવો બફાટ થયો. મને એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, જ્યારે જ્યારે ભૂકંપ થાય ત્યારે નવસર્જન થાય છે. સાચી વાત છેને? કચ્છમાં નવસર્જન થયું છે, એટલે આપણે ત્રણ-ચાર વસ્તુઓ સમજવાની છે. ત્રણ-ચાર વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. 23 તારીખે જે કંઈ બનાવ બન્યો અને બનાવ બન્યા પછી જે કંઈ માફીના નાટકો થયા એ હજુ ચાલુ છે. આપણે એ સમજવાનું છે, પ્રશ્ન કોણે ઉભો કર્યો? પ્રશ્નમાં રાજકારણ કોણે કર્યું? પ્રશ્નને વધારે મોટો કોણે બનાવ્યો? આમા અમે ક્યાં? તમે બારોબાર ગમે એટલા સમાધાન કરો. જેના માટે પ્રશ્ન છે એને તમે ક્યાંય વચ્ચે રાખ્યા? એને ક્યાંય પૂછ્યું? માફી આપવાની સત્તા આ સમાજને છે. બીજા બારોબાર ગમે તે વાતો કરે એ સમાજને કેવી રીતે મંજૂર હોય?


આજે આ સમય છે આપણો ગૌરવવંતો ઈતિહાસની રક્ષા કરવાનો : તૃપ્તીબા રાઉલ

તૃપ્તીબા રાઉલે જણાવ્યું કે આપણે જ્યારે લોકશાહી આપી ત્યારે આપણે આપણો ગૌરવવંતો ઈતિહાસ પણ આપ્યો હતો અને આજે લોકશાહીમાં સતાની લાલસામાં 70 વર્ષના વયોવૃદ્ધ આપણા વિશે આવું બોલે છે. આ શબ્દ એટલે કહું છું કે, કારણ કે આપણે આટલા દિવસથી એવુ સમજાવવામાં આવ્યું છે કે, ભૂલ થઈ છે ત્રણ વાર માફી માગી છે પણ આપણે અત્યાર સુધી ઊજળો ઈતિહાસ ગાતા આવ્યા છીએ. છેલ્લે અમારી સંકલન સમિતિની જામનગર મિટિંગ થઈ ત્યારે મારાથી એમ જ બોલાઈ ગયું હતું કે, ક્યા સુધી આપણે આપણા સંતાનોને શિવાજીની વાતો કરીશું? ક્યા સુધી રાણી લક્ષ્મીબાઈ કે જીજાબાઈની વાતો કરીશું? મારી ને તમારી અંદર કોઈ રાણો ઊભો થાય. તમારી અંદર કોઈ લક્ષ્મીબાઈ ઊભી થાય અને આજે આ સમય છે આપણો ગૌરવવંતો ઈતિહાસની રક્ષા કરવાનો. મારી સામે અત્યારે હજારો રાણાઓ બેઠા છે, હજારો લક્ષ્મીબાઈઓ બેઠી છે એને હું વધાવુ છું.