હળવદ લૂંટનો ભેદ ઉકેલાયો : મોજશોખ માટે લૂંટ કરનાર ત્રિપુટી ઝબ્બે

- text


પંચમુખી ઢોરો વિસ્તારમાં રહેતા લવર મુછિયાઓને દબોચી લેતી હળવદ પોલીસ

હળવદ : હળવદના સરા રોડ ઉપરથી પસાર થઈ રહેલા યુવાનને આંતરી ત્રણ અજાણ્યા શખ્સોએ ગળા ઉપર છરી મૂકી અજાણ્યા સ્થળે લઈ જઈ માર મારી રોકડ ઉપરાંત ફોનમાં ગૂગલ પે વડે રૂપિયા ટ્રાન્સફર કરાવી લઈ કુલ રૂપિયા 14,500ની લૂંટની ઘટનામાં હળવદ પોલીસે ગણતરીની કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલી નાંખી લૂંટને અંજામ આપનાર પંચમુખી ઢોરો વિસ્તારમાં રહેતા ત્રણ લવર મુછિયાઓને દબોચી લીધા હતા. આ ત્રિપુટીએ મોજશોખ માટે લૂંટ કર્યાનું બહાર આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ રાજસ્થાનના પ્રકાશભાઈ ગોપાલભાઈ કુમાવત ઉ.26 નામનો યુવાન ગત તા.10ના રોજ સરા રોડ ઉપર આવેલ કેનાલના રસ્તેથી પસાર થતો હતો ત્યારે રાત્રીના સમયે ત્રણ અજાણ્યા શખ્સોએ આંતરી ગળે છરી મૂકી ખિસ્સામાં રહેલા રોકડા રૂપીયા 4500 તેમજ મોબાઈલ ફોનમાં ગૂગલ પે એકાઉન્ટમાંથી રૂપિયા 10 હજાર ટ્રાન્સફર કરાવી કુલ મળી 14,500ની લૂંટ કરી લાકડી વડે માર મારતા ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે હળવદ પોલીસે ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી.

બીજી તરફ આ ચકચારી લૂંટના બનાવમાં હળવદ પીઆઇ આર.ટી.વ્યાસના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.એન.જેઠવાને મળેલી બાતમીને આધારે પોલીસે હળવદના પંચમુખી ઢોરો વિસ્તારમાં રહેતા આરોપી સચિન ઉર્ફે કાલી ભરતભાઈ ઉર્ફે મુનાભાઇ મિયાત્રા ઉ.19, રવિભાઈ ટીનાભાઇ થરેશા ઉ.24 અને અજયભાઇ વિનાભાઇ સુરેલા ઉ.21ને દબોચી લેતા આરોપીઓએ લૂંટ કર્યાની કબૂલાત આપતા પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલા રોકડા રૂપિયા 14,500, બે બાઈક કિંમત રૂપિયા 20,000 તેમજ ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 6200 સહીત 39,700નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- text

આ સફળ કામગીરી હળવદ પીઆઇ આર.ટી.વ્યાસ, પીએસઆઇ કે.એન.જેઠવા, એએસઆઇ અજીતસિંહ સીસોદીયા, હેડ કોન્સ્ટેબલ સતિષભાઈ સરૈયા, પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ ઝાલા, ગંભીરસિંહ ચૌહાણ, બિપીનભાઈ પરમાર, કમલેશભાઈ પરમાર, સુખદેવભાઈ પરમાર, હિતેષભાઇ તેમજ વિજયસિંહ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- text