ટંકારાના નાના રામપર ગામે દીપડો દેખાયો : ફોરેસ્ટની ટિમ રવાના

- text


મોરબી : મોરબી અને ટંકારા પંથકમાં છેલ્લા થોડા દિવસથી દીપડાના આંટા ફેરા વધી ગયા છે અને ટંકારા અને મોરબીની બોર્ડરના અનેક ગામોમાં દીપડો દેખાયો હતો. ત્યારે આજ મોડી સાંજના સમયે ટંકારાના નાના રામપર ગામે દીપડાએ દેખા દીધી હતી.

ગામના સ્થાનિક ખોડુભા ઝાલા સહિતનાએ દીપડાને નજરે જોતા ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ફોરેસ્ટ વિભાગને જાણ થતા ફોરેસ્ટર કિશાન જાની સહિતની ટીમ નાના રામપર ગામે પહોંચી દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે .

ઉલ્લેખનીય છે કે અગાઉ ગજડી, કાંતિપુર, ગિડચ અને નસીતપરમા પણ દેખાયો હતો, આથી ગ્રામજનોએ ગઈકાલે જ જિલ્લા કલેક્ટરને હિંસક પ્રાણીઓથી રક્ષણ આપવાની માંગ કરી છે. ત્યારે છેલ્લા 15 દિવસથી મોરબી અને ટંકારાના ફોરેસ્ટ વિભાગને હંફાવતો દીપડો પાંજરે પુરાય છે કે કેમ તે જોવું રહ્યું.

નાના રામપર ગામે દીપડો દેખાયો હોવાનો વાયરલ વિડિયો અન્ય જગ્યાનો હોવાનું બહાર આવ્યું

મોરબી : મોરબી જિલ્લામાં હમણાં ગ્રામ્ય વિસ્તારોમાં દીપડા દેખાતા હોવાના વાવડ મળી રહ્યા છે. હમણાં થોડા સમય પેહલા મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એક વ્યક્તિ પર હિંસક પ્રાણીએ હુમલો કર્યાની ઘટના પણ સર્જાઈ હતી. તેવામાં આજે ટંકારાના નાના રામપર ગામે દીપડો દેખાયોનો વિડિયો વાયરલ થયો હતો.

- text

જે બાબતે ફોરેસ્ટ વિભાગ અને ગામના આગેવાનોએ તપાસ હાથ ધરી હતી. પરંતુ ફોરેસ્ટ વિભાગની તપાસમાં આ વિડીઓ બે મહિના જુનો હોવાનું અને આ વિડીઓ અલગ જગ્યાનો હોવાનો બહાર આવ્યું છે.

આ અંગે ગામના આગેવાન જીલેશભાઈ કાલરીયાએ જણાવ્યું હતું કે અહીં તપાસ કરી પરંતુ આવું કાંઈ જોવા મળ્યું નથી. આ વિડીઓ નાના રામપર ગામનો નથી.

જ્યારે આ અંગે ટંકારા ફોરેસ્ટર કિશન જાનીએ જણાવ્યું હતું કે અમે ગામમાં બધે તપાસ કરી, પરંતુ દીપડાના કોઈ નિશાન કે કાંઈ જોવા મળ્યું નથી અને આ વિડિઓ 2 મહિના પહેલાનો જૂનો છે . કોઈએ ભય ફેલાવવા માટે વીડિયો ફરતો કર્યો હોવાનું જણાવ્યું હતું.

 

- text