કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીનું મોરબી અને ટંકારા તાલુકામાં પ્રચાર અભિયાન

- text


મોરબીના શનાળા મંદિરે દર્શન કરી પ્રચાર શરૂ કર્યો : દીકરીઓના દામનને લાંછન લગાવનારને જનતા જડબાતોડ જવાબ આપશેઃ પરેશ ધાનાણી

મોરબી : લોકસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો જ આડે છે ત્યારે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીએ મોરબી જિલ્લામાં પ્રચાર અભિયાન શરૂ કર્યું હતું.

આજે તારીખ 2 મેના રોજ પરેશભાઈ ધાનાણીએ મોરબીના શક્ત શનાળા સ્થિત શક્તિ માતાજીના મંદિરે દર્શન કરીને પ્રચારની શરૂઆત કરી છે. પરેશભાઈ ધાનાણી સહિતના કોંગ્રેસના નેતાઓએ શક્તિ માતાજીના મંદિરે ધ્વજારોહણ કરીને માતાજીના આશીર્વાદ લીધા હતા.

શક્તિ માતાજીના મંદિરેથી પ્રચારની શરૂઆત કરી પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે, ભારતની સંસ્કૃતિ અને સંસ્કારે હંમેશા શક્તિના સ્વરૂપને વંદન કર્યા છે. જ્યારે જ્યારે શક્તિના સ્વરૂપ પર લાંછલ લગાવવાનો પ્રયાસ થયો છે ત્યારે આ દેશની નારી શક્તિ રણચંડી બની આવી આસુરી શક્તિઓનો વિનાશ કર્યો છે. આ વખતે પણ સત્તાના ટૂંકા સ્વાર્થ માટે કોઈ લોકો દીકરીઓના દામનને દાગ લગાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે મા શક્તિ અમને દીકરીઓના દામનના દાગ ભુંસવાની શક્તિ આપશે. દેશની દીકરીઓને નાત-જાતમાં વહેંચનારાઓને લોકો જડબાતોડ જવાબ આપશે.

મહત્વનું છે કે, આજે 2 મેના રોજ કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી શક્ત શનાળા બાદ રાજપર, ચાચાપર, ખાનપર, થોરાળા, પંચાસર, શિવનગર, અમરાપર, મોટી વાવડી, માણેકવાડા, બગથળા, નાની વાવડી, પીપડીયા, લુટાવદર, ખેવારીયા, નારણકા, માનસર અને વનાળીયા ગામનો પ્રવાસ કરશે. ત્યારબાદ સાંજે 6 કલાકે ટંકારા ખાતે ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરશે અને જાહેર સભાને સંબોધશે. સાંજે 7 કલાકે પડધરી ખાતે ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરી જાહેર સભાને સંબોધન કરશે. રાત્રે 8 કલાકે કુવાડવા ખાતે ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂકી જાહેર સભા સંબોધશે.

- text

- text