શો મસ્ટ ગો ઓન : સમગ્ર વિશ્વ એક રંગમંચ અને આપણે બધા કઠપૂતળીઓ જેવા..

- text


આજે વિશ્વ રંગમંચ દિવસ : રંગભૂમિ – સંદેશા પહોંચાડવાનું મજબૂત માધ્યમ

મોરબી : દુનિયાભરમાં વિશ્વ રંગમંચ દિવસ 27 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. મોરબીવાસીઓ માટે ગર્વની વાત છે કે મોરબી શહેરને ગુજરાતી રંગભૂમિનું તીર્થધામ ગણવામાં આવે છે. કારણ કે મોરબીના મૂળજી ઓઝા અને વાઘજી ઓઝા આ બન્ને ભાઈઓએ સૌ પ્રથમ 1878મા રાજાભરથરી નાટક ભજવ્યું હતું. આ ઓઝાબંધુનું નાટક સમગ્ર ગુજરાતમાં છવાઈ ગયું હતું.

મોરબી શહેરમાં દેશનું એક માત્ર નાટ્યકલા સંગ્રહાલય આવેલું છે (જોકે હાલમાં બંધ છે) મોરબી શહેરમાં વર્ષ 1965મા નાટ્યકલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નાટ્ય સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં નાટકમાં ઉપયોગમાં લેવામાં આવતા પડદા, પાઘડી, પરંપરાગત સાડી, સિરપાવ, પોશાક, તલવાર, મોજડી, વસ્ત્રો, સુડી, ચશ્મા, ચાખડી, ફોટોફ્રેમ, તાવડી વાજામા વગાડાતા 250 જેટલા રેકોર્ડઝ, 118 સંસ્કૃત હસ્તપ્રતો, 390 નાટકોની હસ્તપ્રતો, સહિત્યકારોના 118 તૈલય ચિત્રો, 489 નાટકોના 780 જેટલા પ્રાચીન સિક્કાઓ, 25 જેટલી ધાતુની મૂર્તિઓ, 60થી 70 વર્ષ પૂર્વેના નાટકોના ચોપાનીયાઓ, જાહેરખબરો વગેરેનું અદભુત કલેક્શન કરવામાં આવ્યું હતું.

વિશ્વ રંગમંચ દિવસ

વર્ષ 1961માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દર વર્ષે 27 માર્ચના રોજ વિશ્વ રંગભૂમિક દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય નાટ્ય પરંપરાને જાળવી રાખવાનો, તેને આગળ વધારવાનો અને નાટ્યકર્મીઓને પ્રેરિત, પ્રોત્સાહિત કરવાનો છે. આજના દિવસે ભારત સહિત દુનિયા ભરમાં ઘણા સ્થળોએ પ્રખ્યાત કલાકારો દ્વારા લોકપ્રિય નાટકો પ્રસ્તુતિ કરવામાં આવે છે.

- text

ભારતમાં નાટ્ય પરંપરા

ભારતમાં પ્રાચીનકાળથી જ નાટ્ય પરંપરા રહી છે. ભારતના વિવિધ ભાષાપ્રેમીઓ પોતાની માતૃભાષામાં નાટ્ય પ્રસ્તુતિઓ કરતા આવ્યા છે. હિન્દી ઉપરાંત ભારતમાં ગુજરાતી, મરાઠી, બંગાળી, ઉડિયા, ભોજપુરી, સંસ્કૃત, અંગ્રેજી જેવી અનેક ભાષાના નાટકોનો એક ગૌરવશાળી ઈતિહાસ રહ્યો છે. રંગભૂમિનો ઇતિહાસ 2000 વર્ષ કરતા પણ પૌરાણિક હોવાનું મનાઈ રહ્યું છે. વિલિયમ્સ સેક્સપિયરના મતે સમગ્ર વિશ્વ એક રંગમંચ છે અને આપણે બધા રંગમંચના અદાકાર. આ શક્તિ રંગમંચની છે, જે આજે પણ જોવા મળે છે.

રંગભૂમિ – સંદેશા પહોંચાડવાનું મજબૂત માધ્યમ

રંગભૂમિ એવું સબળ અને મજબૂત માધ્યમ છે કે, તે સીધું લોકોના માનસપટ પર અસરકારક રીતે કોઈ પણ સંદેશાને પહોંચાડતું હોય છે. ફિલ્મ, ટી.વી., રેડિયો અને આધુનિક સમયમાં ઓ.ટી.ટી. પ્લેટફોર્મ, જે સફળતા તરફ આગળ વધી રહ્યા છે, તેમાં રંગભૂમિનો સિંહફાળો જોવા મળે છે. વિશ્વના અદના કલાકારો તરીકે જેમની ગણના થાય છે, તેવા મોટાભાગના અદાકારો રંગભૂમિ થકી અભિનયના ક્ષેત્રમાં આગળ વધ્યા અને નામનાપાત્ર કલાકારો બની રહ્યા છે.

સમાજ સુધારાની સાથે સામાજિક ચળવળો માટે પણ રંગભૂમિ ખૂબ જ મહત્વનું પ્લેટફોર્મ બની રહ્યું છે. રંગલો અને રંગલી આ પાત્ર આજે પણ આપણને હસાવી જાય છે. રંગલો અને રંગલી આપણી વચ્ચે રંગમંચના માધ્યમ થકી પહોંચ્યા છે અને આજે પણ રંગલો અને રંગલીનું પાત્ર સૌ કોઈને સમાજ સુધારાની સાથે માનસિક રીતે હળવા કરી શકાય, તે પ્રકારનો હાસ્ય પ્રેરિત પ્રસંગો પણ આપણને સમજાવી જાય છે. રંગભૂમિને લોકોની જીવંત લાગણીઓ સાથે આજે પણ જોડીને જોવામાં આવે છે, જે આધુનિક સમયમાં પણ રંગમંચની મહત્તા સાબિત કરે છે.

- text