કોર્ટની પરવાનગી વગર ભારત નહીં છોડવાની શરતે જયસુખભાઇ પટેલને રેગ્યુલર જામીન 

સુપ્રિમકોર્ટે શરતી જામીન આપ્યા બાદ જયસુખ પટેલ મોરબી કોર્ટ સમક્ષ હાજર થતા બન્ને પક્ષે ધારદાર દલીલો બાદ એક લાખના જામીન સહિતની શરતે જામીન મળ્યા 

મોરબી : મોરબી ઝૂલતાપુલ કેસ મામલે સુપ્રિમકોર્ટે મુખ્ય આરોપી જયસુખભાઈ પટેલને શરતી જામીન આપવા હુકમ કર્યા બાદ આજે રેગ્યુલર જામીન અરજીની શરતો નક્કી કરવા મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી જેમાં સરકાર અને બચાવપક્ષે ધારદાર દલીલો બાદ નામદાર કોર્ટે એક લાખના જામીન તેમજ કોર્ટની પરવાનગી વગર વિદેશ નહીં જવાની શરતો ઉપરાંત કોર્ટ કેસ ચાલે ત્યાં સુધી મોરબીમાં નહીં પ્રવેશવાની શરતે જામીન આપ્યા હોવાનું તેઓના વકીલ અનિલભાઈ દેસાઈએ જણાવ્યું હતું.

મંગળવારેO ઉઘડતી અદાલતે નામદાર મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં ઝૂલતાપૂલ દુર્ઘટના કેસના મુખ્ય આરોપી જયસુખભાઈ પટેલની રેગ્યુલર જામીન અરજીની શરતો નક્કી કરવા ટ્રાયલ ચાલતા સરકારી વકીલ સંજયભાઈ સી.જાનીએ નામદાર કોર્ટ સમક્ષ સમગ્ર ઘટનાક્રમ વર્ણવી આરોપી ત્રણ મહિના ફરાર રહ્યા હોવાનું અને તેમના વિરુદ્ધ કલમ 70 મુજબનું વોરંટ અને લુકઆઉટ નોટિસ ઇશ્યુ થઈ હોવાનું જણાવી આરોપી મોરબી સીટી વિસ્તારમાં ન પ્રવેશે અને પાસપોર્ટ કોર્ટમાંઆ જમા લેવા અને જરૂરત પડ્યે પાસપોર્ટ આપવા જણાવ્યું હતું.

જ્યારે બચાવપક્ષે જયસુખભાઈ પટેલના એડવોકેટ અનિલભાઈ દેસાઈએ દલીલ કરતા જણાવ્યું હતું કે, અરજદાર આરોપી ઇન્ડસ્ટ્રીયલીસ્ટ છે તેમને કલોક, કેલ્ક્યુલેટર, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, ઇ બાઈક અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટનો બિઝનેશ છે. સાથે જ કોર્ટ કહે તે શરતો મંજુર હોવાનું જણાવી નામદાર કોર્ટ સમગ્ર મામલે વ્યાજબી શરતો મૂકે તેવી દલીલ કરી હતી. જે બાદ, નામદાર કોર્ટ જયસુખભાઇ પટેલને એક લાખના જામીન, કેસ ચાલે ત્યાં સુધી મોરબી જિલ્લામાં પ્રવેશ ન કરવો, સાક્ષીઓ તેમજ પુરાવાઓ સાથે ચેડાં ન કરવા અને પાસપોર્ટ જમા કરાવવાની શરત ઉપરાંત કોર્ટની પરવાનગી વગર વિદેશ ન જવાની શરતે જામીન મંજુર કર્યાનું તેઓના વકીલ અનિલભાઈ દેસાઈએ જણાવ્યું હતું. જ્યારે કોર્ટના આદેશ બાદ આજે જયસુખ પટેલને મોરબી કોર્ટમાંથી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.