આક્રોશ : ગેસના ભાવના માત્ર 3 જ રૂપિયા ઘટાડી સિરામિક ઉદ્યોગની મશ્કરી કરતું ગુજરાત ગેસ

- text


સિરામિક ઉદ્યોગકારો લડી લેવાના મૂડમાં ! સિરામિક એસોસીએશન દ્વારા 8થી 10 રૂપિયા ઘટાડવા કરી હતી માંગ

મોરબી : આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ તળિયે હોવા છતાં ગુજરાત ગેસ કંપનીએ આઠથી દસ રૂપિયાને બદલે ગેસના ભાવમાં માત્ર 3 રૂપિયા ઘટાડી સિરામિક ઉદ્યોગની મશ્કરી કરતા મોરબીના સિરામિક ઉદ્યોગકારોમા રોષ ફાટી નીકળ્યો છે અને કેટલાક ઉદ્યોગકારોતો હવે ગુજરાત ગેસનો વપરાશ જ બંધ કરી પ્રોપેન એલપીજી તરફ વળવા પ્રયાણ કરવા નક્કી કર્યું છે.

હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ ચાર વર્ષની નીચી સપાટી હોય તાકીદે ભાવ ઘટાડવા માટે ગઈકાલે બુધવારે ગુજરાત ગેસના એમડી મિલીન તોરવણે સમક્ષ ભાવ ઘટાડવા માંગ કરી રૂબરૂ મુલાકાત કરી હતી જેને પગલે આજે ગુરુવારે ગુજરાત ગેસ દ્વારા ગેસના ભાવમાં માત્ર ત્રણ રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો છે.

- text

ગેસના ભાવમાં માત્ર ત્રણ જ રૂપિયાનો ઘટાડો કરવા અંગે સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા જણાવ્યું હતું કે, ઉદ્યોગકારોએ વર્તમાન પરિસ્થિતિમાં ગેસના ભાવમાં 8 થી 10 રૂપિયા ભાવ ઘટાડો કરવા માંગ કરી હતી પરંતુ કંપનીએ માત્ર ત્રણ રૂપિયા જ ભાવમાં ઘટાડો કરતા ઉદ્યોગકારોમાં ભારે નારાજગી છે. વધુમાં તેઓએ આરોપ લગાવતા જણાવ્યું હતું કે હાલમાં પ્રોપેન ગેસનો ભાવ વધુ છે ત્યારે ગુજરાત ગેસ પણ સિરામિક ઉદ્યોગની મજબૂરીનો લાભ ઉઠાવી ભાવ ઘટાડતું ન હોવાનું જણાવ્યું હતું.

વધુમાં મુકેશભાઈએ ઉમેર્યું હતું કે, હાલમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ મંદીના અજગર ભરડામાં છે. ડોમેસ્ટિક માર્કેટમાં ડિમાન્ડ તળિયે છે તે જ રીતે એક્સપોર્ટમાં પણ લાલ સમુદ્રમાં ચાંચિયાઓના ત્રાસને કારણે ભાડા વધી જતા હાલમાં સિરામિક ઉદ્યોગ એક્સપોર્ટમાં પણ મંદીનો સામનો કરી રહ્યું છે. આ સંજોગોમાં ગેસના ભાવ મુદ્દે હવે ગુજરાત ગેસ કંપનીને વધુ એક વખત રજુઆત કરી નારાજગી વ્યક્ત કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.

- text