માળીયાના સરવડ ગામને ખેતી માટે નર્મદાના નીર ન મળતા લોકોની હિજરત

- text


સિંચાઈના અભાવે ગામમાં ખેતી ભાંગી પડી, ખેડૂત પરિવારો શહેર ભણી કરી રહ્યા છે પ્રયાણ

મોરબી : રગેરગમાં ભાજપના રંગે રંગાયેલા માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામના ખેડૂતો દ્વારા વર્ષોથી ખેતી માટે નર્મદા સિંચાઈ યોજનાના પાણીની માંગ કરવામાં આવી રહી છે પરંતુ આજ દિન સુધી ગામને સિંચાઈ માટે નર્મદાનું પાણી ન મળતા ખેતી ભાંગી પડતા લોકો હિજરત કરી રહ્યા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.

સરવડ ગામના હસમુખભાઈ લોદરીયા અને દિલીપભાઈ સુરાણીના જણાવ્યા પ્રમાણે માળીયા મિયાણા તાલુકાના 24 ગામો આજે પણ નર્મદાના નીરના લાભથી વંચિત છે. ગુજરાતમાં ભાજપની સરકાર બની ત્યારથી લઈને આજ દિન સુધી સંપૂર્ણ ગામ ભાજપ સાથે જોડાયેલ છે અને અનેક વખત સરકારમાં રજૂઆતો કરી છે. ધારાસભ્યો અને સાંસદ સભ્યને પણ આ અંગે વખતો વખત રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ આજ દિન સુધી ગામમાં ખેતી ઉપયોગ માટે નર્મદાનું પાણી આવ્યું નથી. પિયત માટે પાણી ન મળતાં ગામના ઘણા ખેડૂતો ખેતી છોડીને શહેર તરફ પ્રયાણ કરી રહ્યા છે.

- text

વધુમાં સરવડ ગામે ફળદ્રુપ જમીન હોવા છતાં પાણી વિના ઉત્પાદન ઘટી રહ્યું છે. ત્યારે ખેતીને બચાવવા ગ્રામજનો અને ખેડૂતો નર્મદા નીર મળે તેવી માંગ કરી રહ્યા છે અને ભાજપ સાથે જોડાયેલ હોવા છતાં અન્યાય શા માટે તેવા પ્રશ્ન ઉઠાવી તાત્કાલિક માળિયાના 24 ગામને સિંચાઈ માટે નર્મદા યોજનના પાણી આપવા માંગ કરી છે.

- text