શ્રી વલ્લભાચાર્યજીનો આજે ૫૪૭મો પ્રાગટ્ય ઉત્સવ : મહાપ્રભુજીએ મચ્છુ નદીના કાંઠે છોકરના વૃક્ષ હેઠળ શ્રીમદ્ ભાગવતનું પારાયણ કરેલું

- text


પ્રભુ શ્રી કૃષ્ણની કૃપા મેળવવાનો સરળ માર્ગ ‘પુષ્ટિ માર્ગ’ શ્રી વલ્લભે જગતને આપ્યો

મહાપ્રભુજીએ આપેલો ”શ્રી કૃષ્ણ: શરણં મમ્”નો મંત્ર આજે ઘરે-ઘરે ગુંજન કરે છે

નાની વયે ખુલ્લા ચરણારવિંદથી ચાલીને ભારતીય સંસ્કૃતિનું અસ્તિત્વ જાળવવા કઠોર પરિશ્રમ કર્યો

મોરબી : પુષ્ટિ માર્ગના સ્થાપક શ્રી વલ્લભાચાર્યજીનો આજે ૫૪૭મો પ્રાગટ્ય ઉત્સવ છે. વિશ્વને વૈષ્ણવતાનો દિવ્ય સંદેશ આપનાર શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યનો પ્રાક્ટય ઉત્સવ આજે દેશભરમાં ઉજવાશે. તેમનું પાક્ટય વિક્રમ સંવત ૧૫૩૫ ચૈત્ર વદી એકાદશીએ ગુરુવારે હાલના છત્તીસગઢ ચંપારણ્યમાં થયું હતું. આ જ દિવસે શ્રીનાથજીબાવાનું મુખારવિંદ પ્રાક્ટય જતીપુરામાં ગિરિરાજ (ગોવર્ધન પર્વત) ઉપર વ્રજમાં થયું હતું. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી કૃષ્ણની કૃપા મેળવવાનો સરળ માર્ગ શ્રી વલ્લભે જગતને આપ્યો છે. આજે દેશભરમાં કરોડો વૈષ્ણવો પુષ્ટિ માર્ગમાં છે. શ્રી મહાપ્રભુજીએ આપેલો ”શ્રી કૃષ્ણ: શરણં મમ્”નો મંત્ર આજે ઘરે-ઘરે ગુંજન કરે છે.

ભારતીય દર્શન શુદ્ધાદ્વૈતવાદના આધાર પર શ્રી વલ્લભાચાર્યે સ્થાપેલો ભક્તિનો સંપ્રદાય. ‘પુષ્ટિ’ એટલે ‘પોષણ’ અને ‘પોષણ’ એટલે ભગવાનનો અનુગ્રહ, ભગવાનની કૃપા. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો ‘પુષ્ટિ સંપ્રદાય’ વેદાંત-સિદ્ધાંત : ‘અખંડ બ્રહ્મવાદ’ એટલે કે ‘શુદ્ધાદ્વૈત’ પર આધારિત છે. શ્રી વલ્લભાચાર્યજીનો આ માર્ગ, ‘નિ:સાધન માર્ગ’નું અંતિમ લક્ષ્ય દેહાંતે ભગવદ્ લીલાના સાહચર્યનું છે.

શ્રી વલ્લભાચાર્યજીએ પાંચ વર્ષની નાની વયે જ ચાર વેદ, ઉપનિષદ અને છ દર્શનનો અભ્યાસ કર્યો હતો. અગીયાર વર્ષની નાની વયે ખુલ્લા ચરણારવિંદથી ચાલીને દૈવી જીવોનો ઉદ્ધાર અને ભારતીય સંસ્કૃતિનું અસ્તિત્વ જાળવવા કઠોર પરિશ્રમ કર્યો હતો. તે વખતના કાંટાળા રસ્તા, વિકરાળ જંગલ હોવા છતાં પદ યાત્રાઓ કરી હતી. તે એક સાચા સદગુરુનાં દિવ્ય લક્ષણો બતાવે છે.

શ્રી વલ્લભાચાર્યજીએ અમુક પ્રતિજ્ઞાઓ લીધી હતી. જેમાં જીવનભર સીવેલા વસ્ત્ર પહેર્યા નહતા. તેઓ પોતાના શરીર ઉપર ધોતી અને એક ઉપરણું જ ધારણ કરતા. પદયાત્રા દરમિયાન પગમાં પાદુકા પહેર્યા વિના ખુલ્લા ચરણારવિંદથી જ સર્વત્ર ફર્યા હતા. ગામની બહાર જળાશય નદી ઉપર મુકામ કર્યો હતો. તે ઠાકોરજીને પોતાના મસ્તક ઉપર ધારણ કરી યાત્રા કરતા હતા. પોતે જાતે જ રસોઈ બનાવી પ્રસાદ આરોગતા શ્રી વલ્લભે જીવનકાળ દરમિયાન ૮૪ (ચોર્યાસી) સ્થળોએ મુકામ કર્યો. આજે આ જગ્યાઓ પુષ્ટિ માર્ગમાં તિર્થ સ્વરૂપ બેઠકો તરીકે ઓળખાય છે. તેમણે સમાજના પ્રત્યેક વર્ગને પોતાને શરણે લીધા છે.

શ્રી વલ્લભાચાર્યજીએ અનેક ગ્રંથો રચ્યા છે. તેમાં સુબોધિનીજી, તત્વાર્થ નિબંધ ત્રિવિધિ નામાવલી, પત્રવલંબન પોડષગ્રંથો, લખ્યા છે. સુબોધિનીજી માર્ગનો આધાર ગ્રંથ છે. વલ્લભે પોતાની નિત્ય લીલામાં દિવ્ય સંદેશ આપ્યો હતો કે, વૈષ્ણવો તમો સદાય શ્રીજીબાવાનું શરણું સ્વીકારી રાખશો. ભગવાનથી વિમુખ થશો તો કાળરૂપી પ્રવાહ તમોને ખેંચી જશે. ભગવાન કૃષ્ણનો જ આશ્રય રાખશો.

- text

બેઠકજી

બેઠક એ ભારતમાં હિંદુ ધર્મની વૈષ્ણવ પરંપરાના પુષ્ટિ માર્ગ સંપ્રદાયના અનુયાયીઓ માટેનું પવિત્ર યાત્રાસ્થાન ગણાય છે. આ સ્થળો પુષ્ટિ માર્ગનાં સ્થાપક વલ્લભાચાર્ય અને તેના વંશજો સાથે સંલગ્ન છે. આ સ્થાનો આમ તો આખા ભારતમાં ફેલાયેલા છે પણ ઉત્તરપ્રદેશના વ્રજક્ષેત્ર તથા પશ્ચિમી રાજ્ય ગુજરાતમાં વધુ પ્રમાણમાં કેન્દ્રીત થયેલાં છે. ભારતભરમાં વલ્લભાચાર્યજીની ૮૪ અને તેમના પુત્ર વિઠ્ઠલનાથ ગુંસાઈજીની ૨૮ પવિત્ર બેઠકજી બિરાજે છે.

મોરબીના બેઠકજીનો ઈતિહાસ

શ્રી મહાપ્રભુજીના ૫૫માં બેઠકજી મચ્છુ નદીના કાંઠે આવેલા છે. આ બેઠકજીનો એક રસિક ઇતિહાસ છે. એક વખત શ્રી મહાપ્રભુજી મોરબી પહોંચ્યા અને થોડા દિવસ નદીના કિનારે રહ્યા. શ્રી મહાપ્રભુજી અને તેમના સેવક શ્રી કૃષ્ણદાસ મેઘન વચ્ચે સંવાદ થયો કે અતિ પ્રાચીન સમયમાં, આ શહેર મયુરધ્વજ નામના રાજાએ વસાવેલું હોવાથી તેના નામ પરથી શહેરનું નામ પડ્યું છે. આ રાજા અતિ સત્યવાદી હતો તેમજ ભગવદ્દ ભક્ત પણ હતો. આ સ્થળે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન સાથે આવ્યા હતા. તેથી, આવા પવિત્ર સ્થળે આપણે અવશ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ કરીશું.

તેમના રોકાણ દરમિયાન, આ ગામમાં બાલા અને બાદા નામના બે પુષ્કર બ્રાહ્મણ ભાઈઓ રહેતા હતા. તેઓ શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા આવ્યા. તે બંને લીલાના દૈવી જીવો હોવાથી શ્રી મહાપ્રભુજીએ તેમને સાક્ષાત પુર્ણ પુરુષોત્તમ સ્વરૂપ દર્શન આપ્યા. દર્શન પામતા જ તેમની એકાદશ ઇન્દ્રિયો નિર્મળ થઇ ગઈ.

તેઓએ કહ્યું, “મહારાજ, અમે પામર જીવો ઘણા સમયથી આ ભવસાગરમાં ભટકીએ છીએ. આપ કૃપા કરીને, અમારો ઉદ્ધાર કરો.” શ્રી મહાપ્રભુજીએ આ સાંભળીને તેમને સ્નાન કરવાની આજ્ઞા કરી અને  ‘નામનિવેદન મંત્ર’ આપીને તેમને પોતાના સેવક કર્યા. શ્રી મહાપ્રભુજીએ તેમના બંને નામો અનુક્રમે બાલા અને બાદા બદલીને શ્રી બાલકૃષ્ણદાસ અને શ્રી બાદરાયણદાસ રાખ્યા. તેમની વાર્તા ‘84 વૈષ્ણવોની વાર્તા’ પુસ્તકમાં જાણીતી છે. શ્રી મહાપ્રભુજીએ તેમને પુષ્ટિમાર્ગના સર્વ ગ્રંથો શીખવ્યા. તેઓએ આપશ્રીને ઠાકોરજીની સેવા પધરાવી આપવા વિનંતી કરી અને શ્રી મહાપ્રભુજીએ તેમને શ્રી બાલકૃષ્ણલાલજીની સેવા પધરાવી આપી.

ઈ.સ. 1979 માં, મચ્છુ ડેમ તૂટ્યો અને બેઠકજી અને તેની આસપાસની 30-40 કિલોમીટર જમીનમાં પ્રલયકારી પાણીનો પ્રવાહ ફરી વળ્યો. ‘શ્રી વલ્લભ મેમોરિયલ ટ્રસ્ટ’ રચિત ‘શ્રી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંકટ સહાય સમિતિ’ ની સહાયથી ગોસ્વામી બાલકો અને સૌરાષ્ટ્રના વૈષ્ણવો દ્વારા ક્ષતિગ્રસ્ત બેઠકજીનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારે બધી જ નવી સુવિધાઓ સાથે સંપૂર્ણ બેઠકજીનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું. અહીં શ્રી મહાપ્રભુજીએ છોકરના વૃક્ષ હેઠળ શ્રીમદ્ ભાગવતનું પારાયણ કર્યું હતું, તે વૃક્ષ આજે પણ અસ્તિત્વમાં છે.

- text