ફરિયાદ કરતા નહિ હો ! મોરબીમાં કુતરા પકડવાની કોઈ વ્યવસ્થા જ નથી

- text


છેલ્લા એક દાયકાથી મોરબી પાલિકા દ્વારા શ્વાન ખસીકરણ કે પકડવા માટે કોઈ કાર્યવાહી નથી કરી

મોરબી : સીરામીક ઉદ્યોગ થકી વિશ્વભરમાં ડંકો વગાડનાર મોરબીના લલાટે કાયમી હેરાનગતિ જ લખી હોય તેવી સ્થિતિમાં શહેરમાં વિકરાળ ટ્રાફિક સમસ્યા વચ્ચે રસ્તે રઝળતા આખલા અને શેરીએ શેરીએ બચકા ભરતા કૂતરાઓની ભરમાર હોવા છતાં સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી પાલીકા પાસે લોકોને કનડતી આ સમસ્યાના ઉકેલ માટે કોઈ જ વ્યવસ્થા ન હોય દહાડે દિવસે કુતરા કરડવાના બનાવો માઝા મૂકી રહ્યા છે તાજા ભૂતકાળમાં સામાકાંઠે એક સામટા 20 લોકોને કૂતરાએ બચકા ભર્યા બાદ ગુરુવારે રવાપર રોડ વિસ્તારમાં ત્રણ લોકોને કૂતરું કરડી જતા પાલિકાની પોલ છતી થઇ છે.

સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી મોરબી નગર પાલિકાને ટૂંક સમયમાં જ મહાનગર પાલિકાનો દરજ્જો મળવા જઈ રહ્યો છે પરંતુ તે પહેલાની સ્થિતિ જોતા પાલિકા પાસે પંચાયત જેવું પણ સંચાલન માળખું પણ ન હોવાનું સામે આવ્યું છે, ઉભરાતી ગટરો, કચરાનો નિકાલ નહીં, સફાઈમાં અનિયમિતતા, પાણી વિતરણમાં ધાંધિયા વચ્ચે લોકોને સૌથી વધુ કનડતો મુદ્દો રસ્તે રખડતા ઢોરનો છે સાથે જ છેલ્લા મહિનાઓમાં મોરબીમાં ડાઘીયા કૂતરાઓનો ત્રાસ લોકોને ડરાવી રહ્યો છે.

મોરબી શહેરનો કોઈ વિસ્તાર એવો નથી કે જ્યાં ઘુરકીયા કરતા શ્વાનનો વસવાટ ન હોય, પાલિકા કચેરીથી લઈ મોરબીની અગ્નિશમન સેવા જ્યાંથી અપાઈ છે તેવી સુધારાશેરીમાં તો જેવા તેવા લોકો પ્રવેશી શકતા નથી અહીં નજીકમાં જ સ્કૂલ આવેલી હોય છાસવારે સ્કૂલે જતા બાળકોને કુતરા કરડવાની ઘટના બને છે સાથે જ તાજા ભૂતકાળમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં એક સાથે 20 લોકોને ડાઘીયાએ બચકા ભર્યાની ઘટના બની હતી તેવામાં ગઈકાલે રવાપર રોડ ઉપર હડકાયા કૂતરાએ એક સાથે ત્રણ ત્રણ જણાને બચકા ભરી લેતા લોકો રીતસર ડઘાઈ ગયા છે પરંતુ આ સ્થિતિનો કોઈ ઉકેલ જ ન હોવાનું ખુદ પાલિકા કર્મચારીઓ જણાવી રહ્યા છે.

- text

દાયકા પહેલા સેનીટેશન વિભાગ કુતરા પકડવાની કામગીરી કરતો

મોરબીમાં શેરીએ ગલીએ દિવસેને દિવસે શ્વાનનબી વસ્તી ચિંતાજનક રીતે વધી રહી છે અને લોકોને કુતરા કરડવાના બનાવ વધી રહ્યા છે ત્યારે મોરબી પાલિકાના કર્મચારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે, પાલિકા પાસે હાલમાં કુતરા પકડવાની કામગીરી માટે કોઈ વિભાગ કે સ્ટાફ જ નથી અગાઉ દાયકા પહેલા સેનીટેશન વિભાગ મારફતે આ કામગીરી થતી પરંતુ હાલમાં લોક ફરિયાદ હોવા છતાં પાલિકા આ ગંભીર બાબતે કોઈ જ પગલાં ભરતી ન હોવાનું જણાવ્યું હતું.

ચીફ ઓફિસર પાસે મોબાઈલ ફોન ઉપાડવા માટે સમય નથી !

ધણી ધોરી વગરની મોરબી નગર પાલિકા હાલમાં ઇન્ચાર્જના હવાલે ચલૈં રહી છે હાલમાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરનો ચાર્જ હળવદ પ્રાંત ધાર્મિક ડોબરિયાને સોંપવામાં આવ્યો છે, શહેરમાં કૂતરાની રંઝાડ અંગે કોઈ પગલાં લેવાશે કે કેમ તે બાબતે ચીફ ઓફિસરનો તેમના મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરવા પ્રયત્નો કરવા છતાં તેઓનો ફોન નો રીપ્લાય થયો હતો.

- text