ટંકારા આવતા દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે : મુખ્યમંત્રી

- text


દેશના 75 વર્ષના ઈતિહાસની આ પહેલી ઘટના છે કે, કોઈ રાષ્ટ્રપતિ ટંકારામાં મહર્ષિ દયાનંદજીને પુષ્પાંજલિ અર્પવા આવ્યા હોય : પદ્મશ્રી પૂનમ સુરીજી

ટંકારા : ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની સ્મૃતિ વંદના કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ અવસરે રાજ્ય સરકાર દ્વારા ટંકારા ખાતે તૈયાર થયેલા એક ઓવરબ્રિજનું નામ ‘મહર્ષિ દયાનંદ ઓવરબ્રિજ’ રાખવાનું નક્કી કરાયું છે. વધુમાં તેમણે ટંકારા ખાતે આવતા દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધતા દાખવી હતી. રાજ્ય સરકારે મહર્ષિ દયાનંદ ટ્રસ્ટને રાજકોટ-મોરબી હાઈ-વે પર જ્ઞાન જ્યોતિ તીર્થ માટે જમીન પણ ફાળવી છે.

મુખ્યમંત્રીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીને સ્મરણ-વંદન કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિએ જ્ઞાન જ્યોતિ પર્વનો નવી દિલ્હી ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો, ત્યારથી સમગ્ર દેશમાં મહર્ષિનો વંદના મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને આજનો આ ઉત્સવ વંદના મહોત્સવનું શિખર છે.

મુખ્યમંત્રીએ દેશ અને દુનિયાભરમાંથી આવેલા આર્ય સમાજીઓ સમક્ષ ગુજરાત અને ટંકારાની પાવનભૂમિનો મહિમા વર્ણવ્યો હતો. તેમણે કહ્યું કે, ગુજરાત પૌરાણિક અને પ્રાચીન કાળથી યુગપુરુષોની પુણ્યભૂમિ છે. ત્રેતાયુગમાં પ્રભુ શ્રી રામના વન વિચરણનો પ્રદેશ દંડકારણ્ય-ડાંગ, દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણના દેહોત્સર્ગના સ્થાન ભાલકા તીર્થનો પુરાણોમાં ઉલ્લેખ છે. આધુનિક યુગમાં ટંકારામાં જેમનો જન્મ થયો છે તેવી મહાન વિભૂતિ મહર્ષિ દયાનંદ સરસ્વતી તથા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજીનું જન્મસ્થળ વવાણિયા પણ ગુજરાતમાં જ છે તેમ જણાવી મુખ્યમંત્રીએ ટંકારાનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. સ્વામી વિવેકાનંદે શિકાગો ધર્મ પરિષદમાં જતા પહેલા ગુજરાતની આ પાવનભૂમિ પર વિચરણ કર્યું હતું. તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આ ગુર્જર ધરાનું સંતાન છે એમ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વ અને દિશાદર્શનમાં સમગ્ર ભારતમાં સાંસ્કૃતિક ધરોહરો અને આધ્યાત્મિક ચેતનાઓ સાથે સંકળાયેલી સંસ્થાઓના પુનરુત્થાનનો એક નવો અધ્યાય શરૂ થયો છે. અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય ઉત્સવ ભારતમાં શરૂ થયેલા સાંસ્કૃતિક નવજાગરણનો માઇલ સ્ટોન છે અને ભારતીય સંસ્કૃતિના નવજાગરણનો આ યુગ મહર્ષિજીએ જોયેલા સપનાઓને પૂરાં થતાં જોવાનો યુગ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મહર્ષિ દયાનંદજીના માર્ગ પર ચાલીને જનકલ્યાણનું અમૃત પીરસી રહ્યાં છે. તેમણે કહ્યું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીએ સમાજમાં કુરિવાજોને દૂર કરી જનકલ્યાણનું અમૃત પીરસ્યું હતું અને લોકોને સાચો માર્ગ ચીંધ્યો હતો એવી જ રીતે વડાપ્રધાન પણ વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ લોકો સુધી પહોંચાડીને જનકલ્યાણનું અમૃત પીરસી રહ્યાં છે. મહર્ષિએ તેમના સમયમાં નારીશક્તિના શિક્ષણ અભિયાનો ચલાવ્યાં હતાં, એવી જ રીતે આજે વડાપ્રધાને પણ કન્યા કેળવણી, મહિલા સશક્તિકરણ અને નારીશક્તિના ઉત્કર્ષને અગ્રતા આપી છે. ગુજરાતે પણ વડાપ્રધાનના કદમ પર ચાલીને કન્યાઓના સ્વાસ્થ્ય-પોષણ અને શિક્ષણ માટે બે નવી યોજનાઓ આ વર્ષના બજેટમાં જાહેર કરી છે તેનો ઉલ્લેખ કર્યો હતો.

- text

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ મંત્રને અનુસરીને જરૂરિયાતમંદ લોકો સુધી આવાસ, આરોગ્ય, આહાર વગેરે સુવિધાઓ પહોચી છે અને વિકાસના અમૃતકાળનો ઉદય થયો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ વેદ-પરંપરા તરફ પાછા વળવાનું આહવાન કર્યું હતું. આજે વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ પોતાની પ્રાચીન પરંપરાઓનું ગૌરવ કરીને “વિકસિત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવન”ના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે. નરેન્‍દ્રભાઈના દિશાદર્શનમાં દેશનો આ અમૃતકાળ વિકાસની સાથે-સાથે સાંસ્કૃતિક નવજાગરણનો પણ સુવર્ણયુગ બને તેવી અપેક્ષા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.

કાર્યક્રમના આરંભમાં દયાનંદ એંગ્લો વૈદિક મેનેજિંગ કમિટીના અધ્યક્ષ પદ્મશ્રી પૂનમ સૂરીજીએ સ્વાગત પ્રવચન કરીને સૌને આવકાર્યા હતા. તેમણે કહ્યું હતું કે, દેશના 75 વર્ષના ઈતિહાસની આ પહેલી ઘટના છે કે, કોઈ રાષ્ટ્રપતિ ટંકારામાં મહર્ષિ દયાનંદજીને પુષ્પાંજલિ અર્પવા આવ્યા હોય. આ અવસરે જ્ઞાનજ્યોતિ મહોત્સવ સમિતિના અધ્યક્ષ સુરેન્દ્ર આર્યએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

રાષ્ટ્રપતિશ્રીનું આગમન થતાં જ લોકોએ ઊભા થઈને તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા. બાદ રાષ્ટ્રગાનની ધૂન સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. આ તકે આર્ય ગુરુકૂળની કન્યાઓએ વેદમંત્રોના ગાન સાથે મહર્ષિ દયાનંદજીની સ્મૃતિવંદના કરી હતી. આ સમયે સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા.

રાષ્ટ્રપતિને રાષ્ટ્રધર્મ અને સનાતન ધર્મની જ્યોતિના પ્રતિક સમાન જ્યોતિ સ્મૃતિચિહ્ન તેમજ દયાનંદજીનું ચિત્ર તથા વેદ-સત્યાર્થ પ્રકાશનું સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ સાથે રાજ્યપાલ તથા મુખ્યમંત્રીને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરાયા હતા.

- text