રફાળેશ્વર નજીક નવનિર્મિત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીનું લોકાર્પણ કરાયું 

- text


રૂ.2.20 કરોડના ખર્ચે નિર્મિત જીપીસીબીની પ્રાદેશિક કચેરીનું લોકાપર્ણ કરતા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા

મોરબી : મોરબી જિલ્લામાં રફાળેશ્વર જી.આઈ.ડી.સી. પાસે અંદાજીત ૨.૧૧ કરોડના ખર્ચે જી.પી.સી.બી.(ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ)ની અદ્યતન પ્રાદેશિક કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના વરદ્ હસ્તે રીબીન કાપી તેમજ તખ્તીનું અનાવરણ કરી લોકર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત આજે વિશ્વભરમાં ક્લાયમેટ ચેન્જના પડકારો અંગે યોગ્ય પગલાં લેવામાં અગ્રેસર રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યમાં પર્યાવરણીય સુરક્ષાની સાથે સસ્ટેનેબલ ડેવલોપમેન્ટને ધ્યાને લઈ પર્યાવરણની સુરક્ષા માટેના ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભા કરવા તથા નવીનત્તમ ટેકનોલોજીના વપરાશ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પર્યાવરણ સંરક્ષણ સાથે ઔદ્યોગિક વિકાસ માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. આજે જ્યારે વિશ્વ પર્યાવરણ સંરક્ષણના સઘન પ્રશ્નો તથા પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે મોરબી ખાતે નવા બિલ્ડીંગનો શુભારંભ આ વિસ્તારના પર્યાવરણીય લક્ષ્યાંકોને હાંસલ કરવા, પર્યાવરણીય સુરક્ષા, સક્ષમ મોનીટરીંગ સાથે ઔદ્યોગિક વિકાસ માટે માઇલસ્ટોન સાબિત થશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મકકમ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા નવીનત્તમ ટેકનોલોજી થકી પ્રદૂષણ નિયંત્રણ માટે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે. મોરબી સિરામિક ઉદ્યોગનું હબ છે અને વિશ્વમાં પણ આગવી ઓળખ ધરાવે છે ત્યારે મોરબી ખાતે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીના નવા બિલ્ડીંગથી બોર્ડની કામગીરી વધુ કાર્યક્ષમ કરવા સારી સુવિધા ઉપ્લબ્ધ થશે”. વધુમાં મંત્રીશ્રીએ સૌને અપીલ કરતા જણાવ્યું હતું કે, “આવો, આપણે સૌ સાથે મળીને આપણા વિસ્તારની પર્યાવરણની જાળવણી માટે સંયુક્ત પ્રયાસો કરીએ તથા આગામી પેઢીને ક્લીન, ગ્રીન તથા સેફ એન્વાયરમેન્ટની ભેટ આપીએ”.

સ્વાગત પ્રવચનમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ આર.બી. બારડએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં ઉદ્યોગો આવેલા છે ત્યારે જિલ્લા માટે સુસજ્જ તથા આધુનિક પ્રાદેશિક કચેરીની પણ ખૂબ જ જરૂરીયાત હતી. ત્યારે આજે અંદાજીત ૨.૨૦ કરોડમાં તૈયાર થયેલ પ્રાદેશિક કચેરીનું લોકાર્પણ થતા હર્ષની લાગણી અનુભવીએ છીએ. કાર્યક્રમની આભારવિધિ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવ ડી.એમ. ઠાકરે કરી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન વિશાલ ચાવડાએ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં રફાળેશ્વર જી.આઇ.ડી.સી. પાસે પ્લોટ નંબર ૧૧૬ માં ૨.૨૦ કરોડના ખર્ચે ૧૧૪૭ ચોરસ મીટર પ્લોટ એરિયામાં ૩૬૮ ચોરસ મીટર વિસ્તારમાં ગ્રાઉન્ડ ફ્લોર, ૩૩૭ ચોરસ મીટર વિસ્તારમાં પહેલો માળ, ૩૦૭ ચોરસ મીટર વિસ્તારમાં બીજો માળ, ૪૮ ચોરસ મીટર વિસ્તારમાં ત્રીજો માળ અને ૧૪.૪૦ ચોરસ મીટર વિસ્તારમાં મશીન રૂમ મળી કુલ ૧૦૭૪.૪૦ ચોરસ મીટર એરિયામાં અદ્યતન કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.

કચેરીના લોકાપર્ણ પ્રસંગે મંત્રી સાથે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, કાલાવડ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, કલેક્ટર જી.ટી. પંડ્યા, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, અગ્રણી રણછોડ ભાઈ દલવાડી, કે.એસ.અમૃતિયા, જેઠાભાઈ મયાત્રા, વિવિધ ઔદ્યોગિક એસોસિએશનના પ્રમુખ-સભ્યો જિલ્લાના ઉદ્યોગપતિઓ, અધિકારી, કર્મચારીઓ તેમજ નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text