હળવદ હાઇ-વે પર ટ્રેક્ટરે બાઇકને હડફેટે લેતા એકનું મોત, બેને ઇજા

- text


જેતપર રહેતા એક ભાઈ અને બે બહેન બાઇક ઉપર હળવદના રાણેકપર ગામે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા તે વેળાએ અકસ્માત નડ્યો

હળવદ : આજે રવિવારે પાંચેક વાગ્યાની આસપાસ હળવદ તાલુકાના સુસવાવ ગામના પાટીયા નજીક ટ્રેક્ટર ચાલકે બાઈક પર જઈ રહેલ બે બહેનો અને એક ભાઈને અડફેટે લેતાં એક બહેનનુ ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. જ્યારે બે ને ઇજા પહોંચતા તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

બનાવની જાણ મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા પ્રકાશભાઈ ચંદુભાઈ કોળી ઉંમર વર્ષ 18,હેતલબેન ચંદુભાઈ કોળી ઉમર વર્ષ 23 અને પાયલબેન રાજુભાઈ કોળી ઉંમર વર્ષ 20 આજે બાઈક લઇ મોરબીના જેતપરથી હળવદ તાલુકાના રાણેકપર ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા. લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા બાદ પરત બાઈક લઇ તેઓના ગામ જેતપર જઈ રહ્યા હતા ત્યારે હળવદ હાઇ-વે પર આવેલ સુસવાવ ગામના પાટીયા નજીક સામેથી આવતા ટ્રેક્ટર ચાલકે બાઇકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

- text

અકસ્માતમાં હેતલબેન ચંદુભાઈ કોળી ઉમર વર્ષ 23 નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પાયલબેન રાજુભાઈ કોળી અને પ્રકાશભાઈ ચંદુભાઈ કોળી ને ઇજા પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.

બિજી તરફ બનાવને પગલે ચરાડવા ટાઉન બીટ જમાદાર અજીતસિંહ સિસોદિયા, રણજીતસિંહ, કિરીટભાઈ જાદવ સહિતના પોલીસ જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવી ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

- text