મોરબી જિલ્લામાં ઓગસ્ટ બાદ અડધો સપ્ટેમ્બર કોરો જતા પાક ઉપર માઠી અસર

- text


સીઝનમાં સૌથી ઓછો માળીયામાં 11 અને વાંકાનેરમાં 14 ઈંચ વરસાદ : ત્રણ ડેમો ઓવરફ્લો થયા પણ વપરાશથી પાણીની ટકાવારી ઘટી

મોરબી : મોરબી જિલ્લામાં વરસાદની સિઝનની શરૂઆતથી મેઘરાજાએ સટાસટી બોલાવતા 2019નો રેકોર્ડ બ્રેક વરસાદનો પણ આ વખતે રેકોર્ડ તૂટી જાય એવું ઉજળું ચિત્ર સામે આવ્યું હતું. મોરબી જિલ્લામાં જુલાઈ સુધીમાં 60 ટકાથી ઉપર વરસાદ પડી ગયો હતો. ઉપરવાસમાં પણ સારો વરસાદ પડતાં મોરબીની જીવાદોરી ગણાતા મચ્છુ -2 ડેમ 80 ટકા ઉપર ભરાય ગયો હતો. તેમજ વાંકાનેરની જીવાદોરી મચ્છુ 1 ડેમ પણ ઓવરફ્લો થયો છે. પણ ઓગસ્ટ અને અડધો સપ્ટેમ્બર મહિનો કોરોકટ્ટ ગયો છે. વરસાદ ખેંચાયો છે. એટલે ડેમોમાંથી પાણીનો વપરાશ વધતા ડેમમાં પાણીની ટકાવારી ઘટી છે. જો કે માળીયા અને વાંકાનેરમાં ઓછો વરસાદ પડ્યો હોય અને ઉપરથી દોઢ મહિના કરતા વધુ સમયથી વરસાદ ખેંચાતા પાકની સ્થિતિ ખરાબ છે. એટલે ભાદરવો બાકી હોય હવે વરસાદની તાતી જરૂરિયાત છે.

મોરબી જિલ્લામાં જુલાઈ સુધીમાં પડેલા વરસાદના સતાવાર આંકડા જોઈએ તો મોરબીમાં 572 મિમી એટલે 23 ઈંચ, ટંકારામાં 512 મિમી એટલે 20 ઈંચ કરતા વધુ, માળીયામાં 283 મિમી એટલે 11 ઇંચથી વધુ, વાંકાનેરમાં 357 મિમી એટલે 14 ઈંચથી વધુ અને હળવદમાં 418 મિમી એટલે 16 ઇંચથી વધુ વરસાદ પડી ગયો છે. જો કે વર્ષ 2019થી ગત વર્ષ સુધી જિલ્લામાં વરસાદમાં ટંકારા મોખરે રહ્યું છે. પણ આ વખતે મોરબીએ ટંકારાને પાછળ છોડી દીધું છે અને મોરબી વરસાદમાં ટોપ લેવલે આવી ગયું છે. જ્યારે ટંકારા બીજા ક્રમે આવી ગયું છે.

જિલ્લા સિંચાઈ વિભાગના જણાવ્યા મુજબ જિલ્લાના 10 ડેમોની હાલની સ્થિતિ જોઈએ તો મચ્છુ -1 ડેમ 79.93 ટકા, મચ્છુ-2 ડેમ-73.47 ટકા, ડેમી-1 ડેમ 31.02, ઘોડાધ્રોઈ ડેમ 67.17 ટકા, બંગાવડી-1 ડેમ 45.58 ટકા, બ્રાહ્મણી-1 ડેમ 42.31 ટકા, બ્રાહ્મણી-2 ડેમ 36.96 ટકા, મચ્છુ-3 ડેમ 69.94 ટકા, ડેમી-3 ડેમ 27.81 ટકા અને ડેમી-2 ડેમ 28.81 ટકા ભરેલો છે. જો કે જુલાઈ સુધીમાં ઉપરવાસમાં સારા વરસાદથી વાંકાનેરનો મચ્છુ 1 ડેમ, મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ ઓવરફ્લો થયો હતો અને મોરબીનો મચ્છુ -2 ડેમ પણ 80 ટકાથી વધુ ભરાયો હતો. તેમજ હળવદનો બ્રાહ્મણી ડેમ પણ 50 ટકાથી ઉપર ભરાયેલો હતો. પણ ડેમની હાલની ટકાવારી જોતો પાણી ઘટ્યું છે. એનું કારણ એ છે કે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના 15 દિવસ એટલે દોઢ મહિના વધુ સમયથી વરસાદ પડ્યો નથી એટલે પીવાનું પાણી અને અમુક ગામોમાં સિંચાઈનું પાણી આપવામાં આવ્યું એના કારણે ડેમોમાં પાણીની ટકાવારી ઘટી છે. જ્યારે પાંચ કરતા વધુ ડેમ અત્યારે 50 ટકાથી ઓછા ભરેલા છે. એટલે ડેમોમાં પાણીની સ્થિતિ પણ ખરાબ છે.

- text

મોરબી પંથકના ખેડૂતો જીલુંભાઈ ડાંગર અને મનસુખભાઇ સવસણી જણાવે છે કે, ખેતરોમાં પાક લહેરાય છે. પાણીની સખત જરૂરિયાત છે. જો કે વરસાદ સારો થયો હોવાથી મોરબી પંથકના મોટાભાગના ખેડૂતોને બોરમાંથી સિંચાઈ સુવિધાઓ પુરી થઈ જાય છે. ખરીફ પાકમાં વાંધો નહિ આવે પણ વરસાદ નહીં પડે તો રવીપાકની સ્થિતિ ચિંતાજનક રહેશે. જ્યારે માળીયા અને વાંકાનેરના ખેડૂતો કહે છે કે, પાકની સ્થિતિ અત્યારે કઠિન છે. ખેતરોમાં પાક ઉભો છે અને પાણીની જરૂર છે એવા ટાણે મેઘરાજાએ રૂસણાં લીધા છે. પાણીની બીજી કોઈ સગવડ નથી. જો કે હાલ તો વરસાદ ઉપર જ ખેતીનો સમગ્ર મદાર છે. એટલે વરસાદ હજુ પડી જાય તો પાકને જીવતદાન મળશે

.

- text