હાઈ વોલ્ટેજ અને ટ્રીપિંગથી કંટાળી મિતાણાના 100થી વધુ ઉદ્યોગકારો દ્વારા વીજ તંત્ર સામે મોરચો

- text


વીજ સમસ્યા હલ નહિ થાય તો વીજ બિલ ભરવા ઇન્કાર, વીજ તંત્ર દોડતું

મોરબી : ટંકારા તાલુકાના મિતાણા – પડધરી રોડ ઉપર આવેલ પોલીપેક, પેપરમિલ, સ્પીનિંગ ઉદ્યોગને લાંબા સમયથી હાઈ વોલ્ટેજ અને ટ્રીપિંગની સમસ્યાને કારણે પારાવાર નુકશાન જતું હોય આજે પડધરી વીજ કચેરી સામે અંદાજે 100 જેટલા ઉદ્યોગકારોએ શ્રમિકો સાથે મોરચો માંડી સમસ્યા હલ કરવા માંગ ઉઠાવી હતી અન્યથા આગામી માસથી વીજ બિલ ભરવાનો ઇન્કાર કરતા વીજ તંત્ર દોડતું થયું હતું.

મોરબી જિલ્લામાં પોલીપેક, સ્પીનિંગ અને પેપરમિલ સહિતના ઉદ્યોગો આપબળે ખૂબ જ વિકસિત થયા છે ત્યારે હાલમાં પોલીપેક ઇન્ડસ્ટ્રીઝનું હબ ગણાતા ટંકારા તાલુકાના મિતાણા – પડધરી રોડ ઉપર આવેલ ઉદ્યોગોને વીજ તંત્ર દ્વારા નિયમિત વીજ પુરવઠો આપવાને બદલે સતત ટ્રીપિંગ આવતું હોવાની સાથે હાઈ વોલ્ટેજની સમસ્યા લાંબા સમયથી ઉભી થતા ઉદ્યોગકારોને દૈનિક લાખો રૂપિયાની ખોટ જવાની સાથે મોંઘા વીજ ઉપકરણો બળી જતા હોય નુકશાન સહન કરવું પડી રહ્યું છે.

- text

બીજી તરફ વીજ તંત્રના કમાઉ દીકરા જેવા પોલીપેક, સ્પીનિંગ, પેપરમિલ સહિતના ઉદ્યોગો દરરોજ એક કરોડ એટલે કે મહિને અંદાજે 30 કરોડ રૂપિયા બિલ ભરતા હોવાની સાથે ઉદ્યોગકારો દ્વારા કરોડો રૂપિયાની ડિપોઝીટ જમા કરાવી હોવા છતાં વીજ સમસ્યા ઉકેલી નિરંતર વીજ પુરવઠો આપવામાં ન આવતા ઉદ્યોગકારો આજે રોષે ભરાયા હતા અને કારખાનાના શ્રમિકોને મોટી સંખ્યામાં સાથે રાખી પડધરી પીજીવીસીએલ કચેરી સામે મોરચો માંડતા વીજ તંત્ર પણ દોડતું થયું છે. આજે ઉદ્યોગકારોએ હવે સમસ્યા હલ નહિ થાય તો બિલ નહિ ભરવાની સાથે સામૂહિક શટડાઉન કરી નાખવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

- text