હળવદ પંથકના લોકોને પુસ્તકો વાંચતા કરવા માટે તાલુકા પંચાયતનો નવતર અભિગમ, ડીઝીટલ લાઈબ્રેરી શરૂ

તાલુકા પંચાયતમાં આવતા અરજદારો અધિકારીઓ કે કર્મચારીઓ વ્યસ્ત હોય તો નવરઘુપ ન રહે તે માટે લાઈબ્રેરી શરૂ કરી, યુવાનો અને અન્ય લોકો પણ વાંચી શકે તે માટે ડીઝીટલ કોડ સિસ્ટમ કાર્યરત કરી, લાઈબ્રેરીમાં વૈવિધ્યસભર પુસ્તકો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો પણ ઉપલબ્ધ

હળવદ : હળવદ તાલુકા પંચાયતે લોકો પુસ્તકો વાંચતા થાય તે માટે નવતર અભિગમ અપનાવ્યો છે. ખાસ કરીને તાલુકા પંચાયતમાં ઘણી વખત અધિકારીઓ કે કર્મચારીઓ કામમાં હોય ત્યારે અરજદારો નવરઘુપ બનીને જ્યાં ત્યાં ન બેસે અને સમયનો સદુપયોગ કરે તે માટે તાલુકા પંચાયતમાં લાઈબ્રેરી શરૂ કરી છે. અરજદારોની સાથે યુવાનો અને અન્ય લોકો પણ વાંચી શકે તે માટે ડીઝીટલ કોડ સિસ્ટમ કાર્યરત કરી છે. આ લાઈબ્રેરીમાં વૈવિધ્યસભર પુસ્તકો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો પણ ઉપલબ્ધ છે.

હળવદ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી મેહુલ સિંધવએ જણાવ્યું હતું કે, તાલુકા પંચાયત કચેરીએ ઘણા અરજદારો વિવિધ કામગીરી માટે આવે છે. પણ ઘણીવાર ભીડ હોય તો કામમાં વાર લાગે કે અધિકારીઓ તેમજ કર્મચારીઓ કામમાં વ્યસ્ત હોય તો અરજદારો જ્યાં ત્યાં બેસીને કે આંટાફેરા કરીને સમય પસાર કરતા હોય છે. આવા અરજદારો સમયનો સદુપયોગ કરે તેમજ પુસ્તકો વાંચવા પ્રેરાય તે માટે તાલુકા પંચાયતના પ્રતીક્ષા ખંડમાં લાઈબ્રેરી શરૂ કરી છે. જેમાં અલગ અલગ વિભાગો છે. મેગેજીન વિભાગમાં સરકાર અને સંસ્થાઓના મેગેજીનો છે. તેમજ આ લાઈબેરી એકદમ ડિજિટલ છે. બાર કોડેડ સાથે લીક સિસ્ટમ હોય આ લાઈબેરીમાં રહેલા તમામ પુસ્તકો વાંચી શકે છે. આ લાઈબેરીમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ઉર્દુ સહિતની ભાષાના તમામ પુસ્તકો છે. એટલું જ નહીં સ્પર્ધાત્મક પરીક્ષાના પણ પુસ્તકો છે. એટલે પુસ્તકો માત્ર અરજદારો જ નહીં, હળવદ પંથકના કોઈપણ યુવાનો અને લોકો વાંચી શકશે. લોકો પોતાના સૂચનો પણ રજૂ કરી શકશે. તેથી તેમણે હળવદ પંથકના લોકોને આ લાઈબેરીનો લાભ લેવા જણાવ્યું છે.