આમા પર્યાવરણ કેમ સુધરે ! મોરબી જિલ્લામાં 20 ટકાને બદલે 8 ટકા જ વૃક્ષો

- text


મોરબીના મકનસર ખાતે 74માં વન મહોત્સવની ઉજવણી દરમિયાન ધારાસભ્ય અમૃતિયાનું વક્તવ્ય કાપી નાખતા ધુવાપુઆ થઈ ગયા બાદ વક્તવ્ય આપ્યું

મોરબી : મોરબીના મકનસર ખાતે આવેલ પોલીસ હેડ ક્વાર્ટરમાં 74માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મોરબી જિલ્લામાં વૃક્ષોનો વિસ્તાર ઉધોગોના પ્રદુષણ નિયત્રણ માટે 20 ટકા હોવા જોઈએ. એના બદલે જિલ્લામાં 8 ટકા જ વૃક્ષોનો વિસ્તાર છે. આથી વધુને વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરાયો હતો. જ્યારે પ્રોટોકોલ મુજબ આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્યનું પહેલા વક્તવ્ય બાદ બન્ને સાંસદોનું વક્તવ્ય થવું જોઈએ. એના બદલે ધારાસભ્ય અમૃતિયાનું પ્રવચન કાપી નાખતા તેઓ સ્ટેજ ઉપર ધુવાપુઆ થઈ ગયા હતા. આથી પછીથી તેમનું વક્તવ્ય લેવામાં આવ્યું હતું.

વન મહોત્સવની ઉજવણી દરમિયાન નાયબ દંડક ગુજરાત વિધાનસભાના જગદીશ મકવાણા, યદુ ભારદ્વાજ(સિનિયર ડિવિજનલ મેનેજર , રાજ્ય વન વિકાસ નિગમ, વડોદરા), સાંસદ કેશરીદેવીસિંહ ઝાલા, મોહન કુંડારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઇ દેથરીયા, એસપી રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, અરવિંદ વાસદડિયા,જીપીસીબી અધિકારી સોની, મામલતદાર નિખિલ મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 74માં વન મહોત્સવની ઉજવણીમાં મોરબીના હેડ ક્વાર્ટર ખાતે 27 હજાર જેટલા અગાઉ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આથી આજે 2 હેકટર જમીનમાં 20 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.અત્યાર સુધામાં જિલ્લામાં 6 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. 4 લાખ જંગલ વિસ્તારમાં વૃક્ષોનું વાવેતર કરાયું છે. આ વર્ષે 14.30 લાખના રોપાના લક્ષ્યાંકમાંથી 10.30 લાખ રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે.જેમાં મોરબીમાં 2.41 લાખ, માળીયામાં 76 હજાર, વાંકાનેરમાં 2.56 લાખ, હળવદમાં 2.11 લાખ, ટંકારામાં 2.46 લાખ રોપાનું વિતરણ કરાયું છે.

નાયબ દંડક ગુજરાત વિધાનસભાના જગદીશ મકવાણાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, પહેલા વન મહોત્સવ ગાંધીનગરમાં જ યોજાતા પણ હવે નરેન્દ્રભાઈ મોદીના કુશળ શાસનમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વન મહોત્સવ યોજાઈ છે. વૃક્ષો આપણા પૂર્વજોની યાદમાં દરેકે એક એક વૃક્ષ વાવી તેનું જતન કરવું જોઈએ. જ્યારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, પાંજરાપોળમાં 8 વર્ષ પહેલાં 1100 વિઘા જમીનમાં 1 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઉધોગોને કારણે મોરબીમાં વૃક્ષો વાવવાની ખૂબ જ જરૂરિયાત છે.

સાંસદ મોહન કુંડારિયાએ કહ્યું હતું કે, વૃક્ષો વધુ વાવવા જોઈએ. જેથી પક્ષીઓનું અસ્તિત્વ જળવાઈ રહે અને એના રહેઠાણ તેમજ ચણની વ્યવસ્થા થઈ શકે છે.મહારાજા કેસરીદેવસિંહે પણ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં વન વિભાગનો વિસ્તાર મોટો છે. જિલ્લામાં દરિયાકાંઠો અને રણપ્રદેશ તેમજ પશુસંવર્ધન ભવિષ્યની પેઢીને પ્રદુષણ મુક્ત બનાવવા વધુને વધુ વૃક્ષો વાવવાની જરૂરિયાત છે. જ્યારે મેદની ભેગી કરવા માટે શાળાના બાળકોને ફરજિયાત બેસાડવામાં આવ્યા હતા. ચિરાગ અમીને જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં વૃક્ષો વાવેલા હોય એવો 20 ટકા વિસ્તાર હોવા જોઈએ તો જ પ્રદુષણની સમતુલા જળવાઈ રહે એની સામે જિલ્લામાં વૃક્ષોનો વિસ્તાર માત્ર 8 ટકા જ છે. એટલે હજુ વધુને વધુ વૃક્ષો વાવવાની જરૂરિયાત છે.

- text

- text