ડાઘીયા કુતરાઓના હુમલાથી ઘાયલ થયેલ રાષ્ટ્રીય પક્ષીને બચાવતા વાડી માલિક

- text


હળવદના સરભંડા ગામે બનેલી ઘટનામાં વાડી માલિકે કૂતરાઓના પંજામાંથી મુક્ત કરી ઘવાયેલા મોરને સારવાર અર્થે વન વિભાગને સોંપી દીધો

હળવદ : હળવદના સરભંડા ગામે આવેલી વાડીના બગીચામાં ગઈકાલે ચણી રહેલા રાષ્ટ્રીય પક્ષી મોર ઉપર અચાનક કૂતરાઓ હુમલો કર્યો હતો અને કુતરાઓથી બચવા માટે ટહુકા કરીને તરફડીયા મારતા વાડી માલિકે તુરંત જ કુતરાઓને દૂર કરીને મોરને બચાવી લીધો હતો અને કૂતરાઓના પંજામાંથી મુક્ત કરી ઘવાયેલા મોરને સારવાર અર્થે વન વિભાગને સોંપી દીધો છે.

હળવદ સરભંડા ગામે મનસુખભાઇ જગાભાઈ સારલાની વાડીએ આવેલા લિબુના બગીચામાં ગઈકાલે સાંજે રાષ્ટ્રીય પક્ષી મોર ચણવા માટે આવ્યો હતો. મોર ચણી રહ્યો હતો. ત્યારે અચાનક જ આ મોર ઉપર કૂતરાઓનું ઝુંડ ત્રાટક્યું હતું. કૂતરાઓ મોરને ઘેરી વળી મોર પર હુમલો કરી બચકા ભરતા મોર બચવા માટે સતત ટહુકાઓ કરતા આ આવાજ સાંભળીને મનસુખભાઇના પુત્ર ગૌતમભાઈ સારલાએ તાકીદે દોડી જઈને કુતરાઓને ભગાડી મોરને બચાવી લીધો હતો. પણ મોરને ગંભીર ઇજા થઇ હોય આ બનાવની જાણ કરાતા હળવદ ફોરેસ્ટ વિભાગના વિપુલભાઈ ગોહિલ સહિતના સ્ટાફે દોડી જઇ મોરને તાત્કાલિક હળવદના પશુ દવાખાનામાં ખસેડયો હતો અને સારવાર અપાવી મોરને હાલ હળવદ ફોરેસ્ટ ઓફિસે રાખવામાં આવ્યો છે અને સાજો થતા તેને છોડી મુકવામાં આવશે.

- text

- text