મોરબી જિલ્લામાં ૭૩૬ ખેડૂતોએ ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લીધો

- text


ટ્રેક્ટર ખરીદી પર સરકાર આપી રહી છે 60 હજાર સુધીની સહાય

મોરબી : ખેડૂતો કૃષિ ક્ષેત્રના અદ્યતન જ્ઞાનથી વાકેફ થાય સાથે જ નવીન ટેકનોલોજી અપનાવે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા નવા આયામો ઉભા કરવામાં આવી રહયા છે. જેમાં કૃષિ ક્ષેત્રના અદ્યતન ઓજારો ખરીદવા માટે સહાય આપવામાં આવે છે. સાથે જ ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવાની પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ સાકાર કરવા તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોના ઉત્કર્ષ માટે કટીબદ્ધતા દાખવી ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે.

ખેતી કરવા માટે પહેલા બળદ રાખવામાં આવતા હવે ટ્રેક્ટર દ્વારા ખેતી કરવી સરળ બની છે અને તેમાં પણ આધુનિક ખેતી માટે ટ્રેક્ટર આવશ્યક હોવાથી ટ્રેક્ટર ખરીદવા સરકાર દ્વારા સહાય અપાઈ રહી છે. ગુજરાત સરકાર ટ્રેક્ટર ખરીદી પર રૂ. ૬૦,૦૦૦ સુધીની સહાય આપે છે. ખાસ કરીને ખેડૂતો અદ્યતન કૃષિ સાધનો મેળવી સરળતાથી ખેતી કાર્ય કરી શકે તે માટે વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. પરિણામે આજે ખેડુતોનો શ્રમ ઓછો થવાની સાથે ખેતી ખર્ચમાં પણ ઘટાડો થયો છે.

ટ્રેક્ટરની અગત્યતાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારશ્રીની ફાર્મ મિકેનાઇઝેશન વધારવાની કટીબદ્ધતા અને ખેડૂત સમાજ તરફથી માંગને પહોંચી વળવા રાજ્યની પ્લાન યોજના હેઠળ એજીઆર-૫૦ ટ્રેક્ટર સહાય યોજના શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારશ્રીએ ટ્રેક્ટરનું જે તે મોડેલ સમગ્ર રાજ્યમાં એક જ કિંમતે અને સ્પર્ધાત્મક ભાવો સાથે તમામ ખેડૂતોને ઉપલબ્ધ બને તે માટે વર્ષ ૨૦૧૪-૧૫ થી ટ્રેક્ટરની કંપનીઓના મોડેલને એમ્પેનલમેન્ટ કરવામાં આવ્યું.

મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકાર હંમેશા ખેડૂતોના હિતમાં ખેતી લક્ષી યોજનાઓને અમલી બનાવી ખેડૂતોને આર્થિક મદદ કરી રહી છે. ખેડૂતોને ખેતી ખર્ચમાં ઘટાડો થાય તે માટે રાજ્ય સરકાર ટ્રેક્ટર ખરીદી પર રૂ. ૬૦,૦૦૦ સુધીની સહાય આપી રહી છે. ખાસ કરીને સીમાંત ખેડૂતો અને નાના ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાથી તેઓને આર્થિક સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે . મહિલા ખેડૂતો પણ અદ્યતન કૃષિ સાધનો મેળવી સરળતાથી ખેતી કાર્ય કરી શકે તે માટે વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે.

ખેડૂતોને કૃષિલક્ષી કલ્યાણકારી યોજનાનો પુરતો લાભ આપવામાં આવી રહ્યો છે. આજે ખેડૂતોને શ્રમ ઓછો થવાની સાથે તેમનો ખેતી ખર્ચ પણ ઘટ્યો છે. મોરબી જિલ્લાના ખેડૂતો રાજ્ય સરકારની કલ્યાણકારી કૃષિ યોજનામાં ટ્રેક્ટર ખરીદવા મળતી સહાયનો લાભ લઈ રહ્યા છે. ગત વર્ષ ૨૦૨૨-૨૩ માં મોરબી જિલ્લાના કુલ ૭૩૬ ખેડૂતોને રૂ.૩૭૦.૫૦ લાખની એ.જી.આર. ૫૦ હેઠળ ટ્રેક્ટરની ખરીદી પર સહાયની રકમ ચૂકવવામાં આવી છે. જેમાં ૯૯ સીમાંત ખેડૂતોને રૂ.૫૦.૫૦ લાખ અને ૨૪૩ નાના ખેડૂતોને રૂ.૧૨૦.૩૦ લાખ અને ૩૯૪ મોટા ખેડૂતોને રૂ.૧૯૯.૬૫ લાખની સહાય ચૂકવવામાં આવી છે. કુલ ૭૩૬ ખેડૂતો પૈકી ૧૦૩ મહિલા ખેડૂતોને રૂ.૫૨.૯૫ લાખની સહાય ચૂકવવામાં આવી છે.

- text

મોરબી જિલ્લામાં તાલુકા કક્ષાએ નજર કરીએ તો ૭૩૬ ખેડૂતો પૈકી ટંકારાના ૧૨૫, વાંકાનેરના ૧૪૭, હળવદના ૨૩૮, માળીયાના ૯૭ અને મોરબીના ૧૨૯ ખેડૂતોએ આ ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લીધો છે. તેમજ એજીઆર-૫૦ યોજના હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩ માં ૪૭૪ ખેડૂતોને રૂ. ૪૫,૦૦૦ની સહાય પેટે રૂ. ૨૧૩.૩૦ લાખ અને ૨૬૨ ખેડૂતોને રૂ. ૬૦,૦૦૦ ની સહાય પેટે રૂ. ૧૫૭.૨૦ લાખ આમ કુલ ૭૩૬ ખેડૂતોને રૂ. ૩૭૦.૫૦ લાખની ચુકવણી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત સરકારશ્રી દ્વારા મોરબી જિલ્લાને એજીઆર-૫૦ ટ્રેક્ટર સહાય યોજના હેઠળ ૧૭૧૦ લાભાર્થી ખેડુતોનો લક્ષ્યાંક આપવામાં આવેલ છે.

ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા માટેના જરૂરી દસ્તાવેજો

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે આઇ ખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જેની માટે જરૂરી દસ્તાવેજોમાં ખેડૂત લાભાર્થીએ આઇ ખેડુત પોર્ટલ પર જમીનની વિગત દાખલ કરવાની રહેશે, લાભાર્થી ખેડૂતની આધાર કાર્ડની નકલ, જો લાભાર્થી ખેડૂત અથવા SC અને ST જાતિમાં આવતા હોય તો તે જાતિનું સર્ટિફિકેટ લાગુ પડતું હોય તો તે આપવાનું રહે છે, રાશનકાર્ડની નકલ, ટ્રાયબલ વિસ્તારના ખેડૂતોને જો લાગુ પડતું હોય તો વન અધિકારી પ્રમાણેની નકલ, લાભાર્થી ખેડૂત દિવ્યાંગ અથવા દિવ્યાંગ પ્રમાણપત્ર ધરાવતો હોય તો તેનું પ્રમાણપત્ર, ખેડૂતની જમીન અને સંયુક્ત ભાગીદારીમાં હોય તો ૭-૧૨ અને ૮ અ જમીનના અન્ય ખેડૂતોની સંમતિ પત્ર, બેન્ક પાસબુકની ઝેરોક્ષ વગેરે સહિતના આધાર પુરાવા રજૂ કરવાના હોય છે.

એજીઆર-૫૦ યોજના હેઠળ ખેડૂતોને મળતી સહાય રાજ્ય સરકારની એ. જી. આર. ૫૦ યોજના હેઠળ ટ્રેક્ટર સહાય યોજનામાં મળવા પાત્ર સહાય અંતર્ગત ૪૦ પી.ટી.ઓ હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર માટે ૨૫% અથવા રૂ. ૪૫,૦૦૦ ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે સરકાર માન્ય મોડલ ખાતા દીઠ વધુમાં વધુ એક માટે મળી શકશે. ૪૦ પી.ટી.ઓ હોર્સ પાવર થી વધુના ટ્રેક્ટર માટે ખર્ચના ૨૫ % અથવા રૂ. ૬૦,૦૦૦ સુધીની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે સરકાર માન્ય મોડલ ખાતા દીઠ વધુમાં વધુ એક માટે મળી શકશે.

- text