કોઈ ભી ધંધા છોટા નહિ હોતા…! મોરબીમાં શાકભાજીની લારી ચલાવતો ગ્રેજ્યુએટ યુવાન

- text


યુવાન સવારે શેરીએ શેરીએ ફરી શાકભાજી વેચે છે અને બપોરે નામાં લેખા લખે છે 

મોરબી : આજના સમયમાં મોટા ભાગના યુવાનો પોતાના પિતાના પૈસે લીલા લહેર કરતા જોવા મળે છે. અત્યારના ક્રેઝ પ્રમાણે સોશિયલ મીડિયામાં,ફિલ્મમાં અને ક્રિકેટમાં જ રચ્યા પચ્યા રહે છે અને પછી પોતાના માટે વ્હાઈટ કોલર જોબ,નોકરી શોધતા હોય છે. આજના સમયમાં દરેકે દરેક વ્યક્તિને પોતાના પરંપરાગત વ્યવસાય નથી કરવા, ખેડૂતના દિકરાને ખેતી નથી કરવી, બ્રાહ્મણના દિકરાને કર્મકાંડ નથી કરવા,સુથારના દિકરાને સુથારી કામ નથી કરવું.કારણ કે એમાં ખુબજ મહેનત કરવી પડે છે. શ્રમ કરવો પડે છે. પરસેવો પાડવો પડે છે.

- text

જેથી જ 2100 જેટલી નોકરીની ખાલી જગ્યાઓ માટે 21 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપે છે. કારણ કે બધાને નોકરી જોઈએ છે. કારણ કે નોકરી મળ્યા પછી ખુરશી પર બિરાજમાન થઈને એ.સી. ઓફિસમાં બેસીને કામ કરવાનું હોય છે,ત્યારે મોરબીનો જગદીશ દિનેશભાઈ ડાભી નામનો યુવાન બી.કોમ.નો અભ્યાસ કરી સવારમાં શેરીએ શેરીએ ઘરે ઘરે ફરી શાકભાજી અને ફળોની લારી ચલાવવામાં જરાય નાનપ કે ગ્લાનિ નથી અનુભવતો. પિતાજીની છત્રછાયા ગુમાવી હોવા છતાં જીવનના ઝંઝાવાતોને જીલીને પણ હોંશભેર પોતાનું કામ કરીને મહેનત કરીને બે પૈસા કમાય છે. અને બપોરે નામાં લેખા લખવા જાય છે,આમ આ યુવાન અછતમાં અને અભાવમાં ઉછરી સ્વબળે આગળ વધી પરિશ્રમને જ પારસમણિ ગણી કોઈપણ કામને નાનું ન ગણીને પોતાનું કાર્ય કરી અન્ય યુવાનો માટે પ્રેરણા પુરી પાડી રહ્યો છે.

- text