મોરબી કોર્ટના બેલીફને દમદાટી મારનાર સુખદેવ પટેલ પોલીસ પકડથી દૂર 

- text


અગાઉ સિરામીક એસોસીએશનના પ્રમુખ પદે રહી ચૂકેલ સુખદેવ પટેલને ફરજમાં રૂકાવટ કરવી વસમી પડશે 

મોરબી : નામદાર મોરબી કોર્ટના મિલ્કત જપ્તી વોરંટની બજવણી કરવા ગયેલા કોર્ટના બેલીફ સાથે ઝપાઝપી કરી દમદાટી મારનાર મેકસ ગ્રેનાઇટો કારખાનાના સુખદેવ પટેલ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ કાયદો હાથમાં લેનાર સુખદેવ પટેલ પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એડી.સિવિલ કોર્ટના જજ ચુનૌતી સાહેબની કોર્ટમાં ચાલતા કેસમાં કોર્ટના દીવાની દરખાસ્ત નંબર-20/2023ની તા.15 – 6-2023ની મુદતના મિલકત જપ્તીના વોરંટની બજવણી કરવા ગયેલા કોર્ટના બેલીફ ભગીરથભાઇ વીરજીભાઇ પાંચોટીયા સાથે આરોપી સુખદેવ પટેલે જાંબુડીયા ગામે આવેલ મેકસ ગ્રેનાઇટો કારખાનાની ઓફીસમાં કોર્ટનું અસ્સલ જપ્તી વોરંટ ઝૂંટવી લઈ ફાડી નાખી કેસના વાદી કનકરાય બી.શેઠ તથા પંચ દેવભાઇ ભાવેશભાઇ શેઠની હાજરીમાં ફરિયાદી ભગીરથભાઇ વીરજીભાઇ પાંચોટીયા રાજ્ય સેવક હોવાનું જાણતા હોવા છતાં સુખદેવ પટેલે ઇરાદા પૂર્વક અપમાન જનક અપશબ્દો તેમજ ભુંડાબોલી ગાળો આપી ભગીરથભાઈનો કાઠલો પકડી ઝપાઝપી કરી ટાંટીયા ભાંગી નાંખવાની ધમકી આપતા આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

- text

ઉલ્લેખનીય છે કે, અગાઉ મોરબી સિરામીક એસોસીએશનના પ્રમુખ પદે રહેનાર સુખદેવ પટેલે નામદાર કોર્ટના બેલીફને દમદાટી મારી ફરજમાં રુકાવટ કરતા હાલ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે પરંતુ હજુ સુધી સુખદેવ પટેલ પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળે છે. જો કે, આ ગંભીર બનાવમાં સુખદેવ પટેલને કાયદો હાથમાં લઈ કાયદાના સેવક સાથે દમદાટી મારવી અને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપવી વસમી પડી શકે તેમ હોવાના અણસાર મળી રહ્યા છે.

- text