સ્કૂલ ચલે હમ… મોરબી જિલ્લામાં આજથી બાળકોના કિલકીલાટ સાથે શાળા શરૂ

- text


પહેલા ધોરણમાં દાખલ થયેલા નવા બાળકોએ શિક્ષકોને જોતા જ ભેકડો તાણ્યો

મોરબી : સ્કૂલ ચલે હમ… મોરબી સહિત રાજયભરમાં આજથી તમામ શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે. ઉનાળુ વેકેશન પૂરું થતા આજથી તમામ શાળાઓ ખુલી ગઈ છે અને બાળકોના કિલકીલાટ સાથે નવા સત્રના શૈક્ષણિક કાર્યનો શુભારંભ થયો છે. જ્યારે પહેલા ધોરણમાં દાખલ થયેલા નવા બાળકોએ શિક્ષકોને જોતા જ ભેકડો તાણ્યો હતો.

મોરબી જિલ્લામાં આજથી તમામ પ્રાથમિક, માધ્યમિક ઉચ્ચ માધ્યમિક અને કોલેજો શરૂ થઈ ગઈ છે. ઉનાળુ વેકેશન મોટું હોવાથી ખાસ કરીને નાના બાળકોએ પરિવાર સાથે બહારગામ પર્યટન સ્થળ કે યાત્રાધામ તેમજ મામાના ઘરે જઈને વેકેશનનો ભરપૂર આનંદ ઉઠાવ્યો હતો. જ્યારે સામાન્ય વર્ગના બાળકોએ બાગ બગીચા કે શેરી ગલીમાં શેરી રમતો રમીને વેકેશનને પોતાની રીતે મનાવ્યું હતું. જ્યારે ઉચ્ચ માધ્યમિક અને કોલેજના અમુક સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓએ ક્યાંક ને ક્યાંક જોબ કરીને આગામી વર્ષની ફી સહિતના શૈક્ષણિક ખર્ચ માટે રકમ એકઠી કરી હતી. આ રીતે બધાએ વેકેશનનો પોતાની રીતે આનંદ ઉઠાવ્યો હતો. વેકેશન પૂરું થવાનું હોય એના થોડા દિવસો પહેલા જ બહારગામ ગયેલા તમામ બાળકો મોરબી પોતાના ઘરે પરત ફર્યા હતા અને તમામ બાળકો સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ નવા શૈક્ષણિક વર્ષ માટેની તૈયારીમાં લાગી ગયા હતા અને સ્ટેશનરીની દુકાનોમાં સ્કૂલ બેગ, યુનિફોર્મ, નોટબુક, ચોપડા સહિતની ખીરીદી માટે ભીડ વધી હતી. આ વખતે શૈક્ષણિક વસ્તુઓમાં થોડો ભાવવધારો થતા સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને આર્થિક માર પડ્યો હતો. જો કે આજથી સ્કૂલ શરૂ થવાની હોવાથી તમામ મમ્મીઓની વહેલી સવારથી કરસત શરૂ થઈ ગઈ હતી. પહેલા મમ્મીઓએ વહેલા ઉઠી બાળકોને જગાડી નવડાવી ધોવડાવી સહિતની રોજની દિનચર્યા કરીને બાળકો માટે લંચ બોક્સ તૈયાર કરી નવા સ્કૂલ યુનિફોર્મ પહેરાવી સ્કૂલ બેગ સાથે સવારે સાત અને સાડા સાતની વચ્ચે બાળકોને તેડવા આવતી સ્કૂલ બસમાં પોતાના બાળકોને શાળાએ ભણવા માટે રવાના કર્યા હતા અને સ્કૂલ શરૂ થતાં જ મોટાભાગના બાળકો વર્ગખંડમાં હાજર થઈ ગયા હતા. પ્રથમ દિવસે શિક્ષકોએ બધા બાળકોને પ્રેમથી વેકેશન ક્યાં ગાળ્યું તેની પૂછપરછ કરી ભાર વગરના ભણતરની જેમ શિક્ષણ કાર્ય શરૂ કર્યું હતું. જો કે ઘણા બાળકો 1લા ધોરણમાં દાખલ થયા હતા. આથી આવા બાળકોએ શિક્ષકોને જોઈને ભેકડો તાણ્યો હતો.

- text

- text