બિમાર માતાની સેવા અને સંઘર્ષ કરી સામાન્ય પરિવારની દીકરીએ જ્વલંત સિદ્ધિ મેળવી

- text


સામાન્ય આર્થિક સ્થિતિ, નાનું ઘર તેમજ સંયુક્ત પરિવાર હોય વાંચવાની અલાયદી જગ્યા ન મળે તો પણ અપેક્ષાએ વગર ટ્યુશને સરકારી શાળામાં ભણી એવન ગ્રેડ મેળવ્યો 

મોરબી : પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોય અને ઘરમાં કોઈ સ્વજન બીમાર હોય તો ઘણા સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ નાસીપાસ થઈને અધવચ્ચેથી અભ્યાસ છોડીને પરિવારને મદદરૂપ થવા કામધંધે લાગી જતા હોય છે. પણ આવા નાસીપાસ થઈને અધવચ્ચેથી અભ્યાસ છોડી દેતા વિદ્યાર્થીઓને ભણવાની પ્રેરણા પુરી પાડે તેવો કિસ્સો મોરબીમાં બન્યો છે. મજૂરી કામ કરતા પિતાની સીમિત આવક અને ઉપરથી બીમાર માતા જેમની સતત સેવાચકરી કરવી, નાનું ઘર અને એમાં પણ દસ બાર સભ્યોનો સયુંકત પરિવાર રહેતો હોય ત્યારે એ પરિવારની દીકરીને અભ્યાસ માટે અલગ રૂમ ક્યાંથી હોય… આવી સ્થિતિમાં ખાનગી સ્કૂલ અને ટ્યુશનની તો કલ્પના જ ન કરી શકાય, આવી બધી કપરી પરિસ્થિતિ વચ્ચે પણ મોરબીના ઘુંટુ ગામની દીકરીએ કપરો સંઘર્ષ વેઠી કઠોર મહેનત કરીને ધો. 12 સામાન્ય પ્રવાહમાં એવન ગ્રેડ સાથે જ્વલંત સિદ્ધિ મેળવતા દીકરીના પરિવારની છાતી ગજ ગજ ફૂલી ગઈ હતી.

મોરબીના ઘુંટુ ગામે રહેતી સાવ સાધારણ પરિવારની દીકરી અપેક્ષાબેન જીતેન્દ્રભાઈ ચૌહાણએ ધો. 12 કોમર્સમાં 92 ટકા, 99.86 પીઆર સાથે એવન ગ્રેડ મેળવ્યો છે. આ દીકરીને 700 માંથી 644 ગુણ મેળવ્યા એ કઈ નાની સુની સિદ્ધિ નથી. આટલું શ્રેષ્ઠ પરિણામ કઠોર મહેનતથી જ લાવી શકાય, અપેક્ષાએ કઠોર પરિશ્રમ તો કર્યો હતો પણ ઘરની ઘણી બધી પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે તેને કપરો સંઘર્ષ કરવો પડ્યો. તેના માટે ઘરની કપરી સ્થિતિ વચ્ચે આટલું શ્રેષ્ઠ પરિણામ લાવવું અઘરું જ નહીં પણ બહુ કઠિન હતું. કારણ કે પિતા સામાન્ય મજૂરી કામ કરે એટલે પરિવારની આર્થિક સ્થિતિ સાવ સામાન્ય ઉપરથી માતા અસહ્ય બીમારીમાં સપડાઈ, માતા ઉપર અનેક જટિલ ઓપરેશન થયા, એટલે સાધારણ આવક ધરાવતો પરિવાર પણ ભાંગી પડે આથી ખાનગી સ્કૂલમાં ભણવું અને ટ્યુશન રાખવું એ કોઈ કાળે પોસાય એમ ન હતું. જેથી અપેક્ષાને સરકારી સ્કૂલમાં ભણવું પડ્યું.

- text

મોરબી સ.વ.પ.કન્યા છાત્રાલયમાં ભણતી અપેક્ષાને ઘરથી શાળા ઘણી જ દૂર પડતી અને દરરોજ અપડાઉન કરવું પડે અને બીમાર માતાની સતત સેવાચકરી કરવાની ફરજ પણ પૂરેપૂરી નિભાવતી હતી. ઘર નાનું ઉપરથી સયુંકત પરિવાર એટલે વાંચવા માટે અલગ જગ્યા ન મળે, સાથે-સાથે માતા બીમાર એટલે બધું ઘરનું કામ જાતે જ કરવું પડે, દિવસની આટલી બધી જંજાળ માથે હોય એમાં અભ્યાસનો ટાઈમ ક્યાંથી કાઢવો ? પણ આ દીકરીને ભણવાની ઘણી જ હોશ હતી એટલે રાત્રે અભ્યાસ માટે પુષ્કળ સમય કાઢી રાતભર અભ્યાસ કરીને એને પોતાનું સ્વપ્ન સાકાર કર્યું છે.

અપેક્ષા કહે છે કે, મારે માટે આવું પરિણામ લાવવું સરળ ન હતું. જો કે એમાં માતાપિતા સહિત પરિવારજનો અને સ્કૂલના શિક્ષકો સહિતનો લોકોનો પણ સારો સહયોગ અપેક્ષાનવા મળ્યો હતો, અપેક્ષા કહે છે કે,મને ભણવામાં ઘણી ધગશ હતી. એટલે આપમેળે કુદરતી બક્ષિસ હોય એમ ઘરકામ અને માતાની સેવામાંથી ફુરસદ મળે કે તરત જ ભણવા તરફ મન લલચાતું અને ભણવામાં આપોઆપ ધ્યાન કેન્દ્રિત થઈ જતું. ભણવા માટે મેં સંઘર્ષ કર્યો એ મને ક્યારેય કપરો લાગ્યો નથી હમેશા ભણવામાં મને મહેનત કરવી ગમતી અને એટલે જ હું ભણવામાં હોશિયાર છું. જો કે આવી બધી પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે હું ધો.11 ની સ્કૂલની છ માસિક પરીક્ષામાં ફેલ થઈ હતી. તેમ છતાં હું હિંમત હારી ન હતી અને નિરાશ પણ થઈ ન હતી, મેં બેવડા જોશથી પ્રયત્નો કર્યા અને આજે પરિણામ તમારી સામે છે.

જે લોકો ઘરની આર્થિક સ્થિતિ નબળી હોય કે ઘરના સભ્યની બીમારીનું કહીને અભ્યાસ છોડી દેતા હોય એ એની બહાનાબાજી કહેવાય. કારણ કે મન હોય તો માળવે જવાય તેમ જણાવી અપેક્ષાએ ખાનગી શાળા, ટ્યુશનનો છેદ ઉડાવી દઈ ઉચ્ચતમ પરિણામ મેળવી શકાતું હોવાનું સાબિત કરી બતાવ્યું છે.

- text