વ્યાજખોરોના પાપે યુવાન ખેડૂતે ગળેફાંસો ખાધો 

- text


હળવદ તાલુકાના પ્રતાપગઢ ગામમાં બનેલો બનાવ : વ્યાજખોરોના કારણે યુવાને જીવન ટૂંકાવ્યું હોવાનો પરિવારનો આક્ષેપ

હળવદ : હળવદ તાલુકાના પ્રતાપગઢ ગામે રહેતા યુવાન ખેડૂતે આજે સવારના 9:00 વાગ્યા પહેલા કોઈપણ સમયે વાડીએ બાવળના વૃક્ષ સાથે દોરડા વડે ગળે ફાંસો ખાઈ લય જીવન ટૂંકાવી દીધું હતું.આ બનાવની જાણ પરિવારજનોને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવવામાં આવી હતી જોકે પરિવારજનો જણાવી રહ્યા છે કે વ્યાજખોર પિતા-પુત્રના ત્રાસના કારણે યુવાને ગળાફાંસો ખાઈ લીધો છે જેથી પોલીસ તેઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરે.

બનાવાની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રણછોડગઢ ગામના અને હાલ પ્રતાપગઢ ગામે રહેતા ઉમેશભાઈ લાભુભાઈ ઠાકોર ઉંમર વર્ષ 37 ગતરાત્રિના 10:00 વાગ્યે ઘરે થી જમીને વાડીએ જવા નીકળ્યા હતા જોકે આજે નવ વાગ્યે પરિવારજનોને જાણ થઈ કે ઉમેશભાઈ ખેતરે બાવળના ઝાડ સાથે દોરડા વડે ગળે ફાંસો ખાઈ લીધેલી હાલતમાં લટકી રહ્યા છે.જેથી પરિવારજનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને બનાવની જાણ હળવદ પોલીસને પણ કરાઈ હતી. મૃતક ઉમેશ ની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવી પીએમ કરવામાં આવ્યું હતું.

- text

જોકે ઉમેશના પિતા લાભુભાઈ અને તેમના પરિવારજનો દ્વારા જણાવ્યું હતું કે ઉમેશને તેમજ તેઓને હળવદ તાલુકાના સુરવદર ગામના વ્યાજખોર પિતા-પુત્ર અવારનવાર અગાઉ લીધેલા પૈસાની ઉઘરાણી કરતા હતા. વ્યાજ પણ ટાઈમે આપી દેતા હોવા છતાં પણ અમારી જમીન લખી દેવા દબાણ કરતા હોય તેમજ ગઈકાલે ઉમેશને ખેતરે કપાસ ન વાવવાનું કઈ હવે અહીં આવ્યો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હોય તેમજ અમારા ઘરે આવીને પણ ધાકધમકી આપતા હોય સાથે જ ફોનમાં પણ અવારનવાર ઉઘરાણી કરતા હોય જેના કારણે ઉમેશે આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. જેથી હાલ હળવદ પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોના નિવેદન લઈ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

- text