મોરબીમાં સીટ કાર્યરત બને તે પહેલા જ રૂ.376 કરોડનું ફ્રોડ લિસ્ટ તૈયાર

ગૃહમંત્રીની જાહેરાતના પાંચ દિવસ વીત્યા બાદ હજુ સીટના સ્ટાફની નિમણુંક બાકી, હજુ એક પણ ફરિયાદ નથી નોંધાઈ

મોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ઉધારીનો ધંધો ખોટનો ધંધો સાબિત થયો હોય સિરામિક ઉદ્યોગપતિ, સાંસદ અને ધારાસભ્યની સતત રજુઆત બાદ ગુજરાત સરકાર દ્વારા સિરામિક ઉદ્યોગના ફસાયેલા નાણાં પરત કઢાવવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે સીટની રચના કરવાની રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોરબી આવી જાહેરાત કર્યાને પાંચ દિવસનો સમયગાળો વીત્યા બાદ પણ હજુ સુધી સીટની ટીમની રચના થઈ નથી કે એક પણ સતાવાર ફરિયાદ પણ નોંધાઇ નથી.

ચીન સાથે સીધી ટક્કર લઇ મોરબીના સિરામિક ઉધોગે વિશ્વમા બીજા નંબરનું સ્થાન તો મેળવી લીધું છે પરંતુ આ બીજા નંબર ઉપર પહોંચીને પણ ગેસના ભાવ વધારા, મંદી, રો – મટીરીયલનો ભાવવધારો સહિતના અનેક પડકારોનો મોરબીના સિરામિક ઉદ્યોગને સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ખાસ કરીને દેશના જુદા જુદા રાજ્યોમાં વેપારીઓ દ્વારા મોરબીના ઉદ્યોગપતિ પાસેથી ઉધારમાં માલ ખરીદી બાદમાં નાણા ચુકવવામાં હાથ ઊંચા કરી દેવાનું પ્રમાણ વધતા મોરબીના ધારાસભ્ય, સાંસદ અને સિરામિક સંગઠન દ્વારા રાજ્યના ગૃહમંત્રીની મળી આવા ફસાયેલા નાણાં કઢાવવા માટે અન્ય રાજ્યની જેમ સીટની રચના કરવા માંગ ઉઠાવી હતી.

બીજી તરફ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં મોરબી નવા બસસ્ટેન્ડના લોકાર્પણ સમારોહ બાદ સિરામિક ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી સિરામિક ઉદ્યોગકારોના ફસાયેલ એક એક પાઈ પરત મેળવવામાં આવશે તેવું આશ્વાસન આપી એસઆઈટીની રચના કરવાની જાહેરાત કરી હતી.

જો કે સિરામિક ઉદ્યોગના ફસાયેલ નાણાં માટે રચવામાં આવેલી ખાસ એસઆઈટી હજુ અસ્તિત્વમાં નથી આવી. આ અંગે હાલમાં સ્ટાફની નિમણૂક ચાલુ હોવાનું અને હજુ સુધી સતાવાર રીતે એક પણ ફરિયાદ નોંધવામાં આવી ન હોવાનું મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું.

વિવિધ રાજ્યોમાં 376 કરોડ ફસાયા છે : સિરામીક પ્રમુખ

મોરબી સિરામિક એસોશિએશન પ્રમુખ મુકેશ કુંડારીયાએ જણાવ્યું હતું કે ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં સિરામિક ઉદ્યોગકારોના અંદાજે 376 કરોડ રૂપિયા ફસાયેલ હોવાના પ્રાથમિક આંકડા હજુ સુધીમાં સામે આવ્યા છે જેમ જેમ ઉદ્યોગકારોની ફરિયાદ મળતી જશે તેમ તેમ સીટ સમક્ષ આકડો રજૂ કરાશે અને આવતીકાલે પોલીસ સાથે સિરામિક ઉદ્યોગ સંગઠનની બેઠક યોજનાર હોવાનું તેમને જણાવ્યું હતું.

પહેલા એડવાન્સ નાણા ચૂકવી માલ ખરીદ કર્યા બાદ ધુમ્બો !

મોરબીના મોટાભાગના સિરામિક એકમોને ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બંગાળ, દક્ષિણના રાજ્યોના વેપારીઓ દ્વારા પ્રથમ વિશ્વાસ સંપાદન કરવા માટે રોકડા કે એડવાન્સ પેમેન્ટ ચૂકવી બાદમાં ઉદ્યોગકાર સાથે ભરોસો કેળવી ઉધારીમાં બિઝનેશ શરૂ કરવામાં આવે છે જેમાં પણ શરૂઆતના તબક્કે નિયમિત પેમેન્ટ ચૂકવી બાદમાં મોટી રકમનો ધુમ્બો મારી દેવામાં આવતો હોવાની મોટાભાગના રાજ્યોના વેપારીઓની મોડેસ ઓપરેન્ડી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

2000 કરોડના ફ્રોડની જાહેરાત બાદ હાલમાં 376 કરોડના ફ્રોડનું લીસ્ટ બન્યું

મોરબી સિરામિક ઉદ્યોગના ફસાયેલ નાણાં અંગે સીટની રચના પેહલા ધારાસભ્ય દ્વારા જાહેરાત કરવામાં આવી ત્યારે 10 હજાર કરોડ ફસાયા હોવાનું જાહેર થયું હતું. બાદમાં જ્યારે એસોસીએસન પ્રમુખે 2000 કરોડનો આંકડો જાહેર કર્યો હતો. જ્યારે આજે સિરામિક એસોસિએશન પ્રમુખે અત્યાર સુધીમાં 376 કરોડ રૂપિયાના ફ્રોડનું લિસ્ટ તૈયાર થયું હોવાનું જાહેર કર્યું હતું. અને હજુ આ આંકડો વધશે તેમ જણાવ્યું હતું.