બ્લોક ખુલશે ! ગુજરાતી વિદ્યાર્થીઓ માટે અમેરિકાના રાજદૂતે કરી મહત્વની જાહેરાત

- text


મોરબી : અમેરિકાની કોલેજ, યુનિવર્સિટીમાં મહિનાઓ પહેલા એડમિશન લેનારા અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ હાલ વિઝાની રાહ જોઈ રહ્યા છે. આ સ્થિતિમાં ઘણા વિદ્યાર્થીઓને આખું વર્ષ બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે, તેવામાં અમદાવાદની મુલાકાતે આવેલા અમેરિકાના રાજદૂત એરિક ગારસેટીએ એક મહત્વની જાહેરાત કરી છે. પત્રકારો સાથે વાત કરતા એરિક ગારસેટીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના વિઝા અપોઈન્ટમેન્ટ્સનો હવે પછીનો બ્લોક આવનારા થોડા જ સપ્તાહમાં ખૂલ્લો મૂકવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે દર વર્ષે મોટી સંખ્યામાં ઈન્ડિયન સ્ટૂડન્ટ્સ અમેરિકા ભણવા જતા હોવાથી વિઝા માટે લાંબુ વેઈટિંગ રહે છે, તેમજ દર વર્ષે આ આંકડો વધતો જાય છે. ગયા વર્ષે અમેરિકાએ બીજા કોઈપણ દેશ કરતાં ભારતીય સ્ટૂડન્ટ્સને સૌથી વધારે વિઝા ઈશ્યૂ કર્યા હતા.

આઇએમ ગુજરાતના અહેવાલ મુજબ અમેરિકાના પ્રેસિડન્ટે પણ સ્ટૂડન્ટ્સ, ફર્સ્ટ ટાઈમ વિઝિટર્સ તેમજ અમેરિકા આવવા માગતા અન્ય લોકોને વિઝા માટે ઓછામાં ઓછો સમય રાહ જોવી પડે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હોવાની વાત પણ અમેરિકન રાજદૂતે કરી હતી. આગામી સમયમાં સ્ટૂડન્ટ વિઝાની નવી બેન્ચ ખોલવામાં આવશે. ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીએ વધારે સ્ટૂડન્ટ વિઝા ઈશ્યૂ થશે તેવી પણ આશા તેમણે વ્યક્ત કરી હતી. અમેરિકન એમ્બસી સ્ટૂડન્ટ વિઝાની પ્રોસેસ ઝડપી બનાવવા અને વેઈટિંગ ઘટાડવા માટે કામ કરી રહી છે તેવું પણ તેમણે જણાવ્યું હતું. અમેરિકન રાજદૂતના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર 2022ની સરખામણીએ વિઝા પ્રોસેસિંગનો વેઈટિંગ ટાઈમ 60 ટકા જેટલો ઘટ્યો છે, અને તેમાં હજુય ઘટાડો કરવા પ્રયાસ થઈ રહ્યા છે. જોકે, આ બેકલોગ અઠવાડિયામાં કે પછી મહિનામાં ઘટાડી શકાય તેમ નથી, પરંતુ આગામી વર્ષ સુધીમાં આ વેઈટિંગ ટાઈમ ખૂબ જ ઘટી ગયો હશે તેવું આશ્વાસન પણ તેમણે આપ્યું હતું.

અમેરિકા માટે ઈન્ડિયન સ્ટૂડન્ટ્સ ખૂબ જ મહત્વના છે તેમ કહેતા એરિક ગારસેટીએ જણાવ્યું હતું કે અમેરિકાની ઘણી કંપનીના સીઈઓ ભારતથી આવેલા છે. આ બાબત માત્ર અમેરિકા જ નહીં, પરંતુ ભારતીય અર્થતંત્ર માટે પણ ખૂબ જ સારી કહી શકાય તેમ છે. અમેરિકાના પ્રેસિડન્ટ પણ આ વાતને ખૂબ જ મહત્વ આપે છે, અને તેને અનુલક્ષીને જ વિઝા વેઈટિંગ ટાઈમમાં બને તેટલો ઘટાડો કરવા માટે અમેરિકા કટિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે, હજારો ગુજરાતી સ્ટૂડન્ટ્સ અમેરિકાની કોલેજો અને યુનિવર્સિટીમાં છ-આઠ મહિના પહેલા એડમિશન મેળવી લીધા બાદ પણ વિઝા ના મળી શકવાના કારણે અમેરિકા જઈ પોતાનો અભ્યાસ શરૂ નથી કરી શક્યા, કેટલાકને તો તેના કારણે પોતાનું એડમિશન ડીફર કરાવવાની ફરજ પડી છે, તો અમુક લોકોની સ્થિતિ એવી છે કે તેઓ સપ્ટેમ્બર ઈનટેક માટે વિઝા ના મેળવી શક્યા તો તેમનું આખું વર્ષ ખરાબ જશે.

- text

ગુજરાતી સ્ટૂડન્ટ્સની સમસ્યા એ છે કે જો લાંબો સમય રાહ જોયા બાદ વિઝા અપોઈન્ટમેન્ટ મળી પણ જાય, અને કોઈક કારણોસર વિઝા એપ્લિકેશન રિજેક્ટ થાય તો તેમની સ્થિતિ ના ઘરના કે ના ઘાટના જેવી થઈ શકે છે. જે લોકો આર્થિક રીતે સક્ષમ છે તેઓ વિઝિટર કે પછી સ્ટૂડન્ટ વિઝા માટે થાઈલેન્ડ, શ્રીલંકા કે પછી બીજા કોઈ આસપાસના દેશોમાં આવેલી અમેરિકન એમ્બસીમાં પણ અપોઈન્ટમેન્ટ લઈ રહ્યા છે, આ દેશોમાં ઈન્ડિયાની સરખામણીએ વેઈટિંગ ઓછું છે, પરંતુ ત્યાં જવા-આવવાનો ખર્ચો દરેક લોકોને પોસાય તેમ નથી. આ સ્થિતિમાં ઘણા ગુજરાતી સ્ટૂડન્ટ્સની હાલત એવી છે કે જો કોઈ કારણોસર અમેરિકા જવાનો મેળ ના પડ્યો તો શું કરવું તેનો કોઈ પ્લાન બી પણ તેમની પાસે તૈયાર નથી.

અમેરિકાના વિઝા માટે હાલ ઈન્ડિયામાં ચાલી રહેલા સરેરાશ વેઈટિંગ પર નજર કરીએ તો, વિઝિટર વિઝા માટે સૌથી વધુ 492 દિવસનું વેઈટિંગ ચાલી રહ્યું છે, જ્યારે ઈન્ટર્વ્યુ જરુરી હોય તેવા ટ્રાન્ઝિટ વિઝા માટે 72 દિવસનું વેઈટિંગ છે. આ ઉપરાંત, વર્ક વિઝા માટે 66 દિવસનું વેઈટિંગ ચાલી રહ્યું છે. વિઝિટર વિઝાનું વેઈટિંગ એક સમયે તો બે વર્ષની આસપાસ પહોંચી ગયું હતું, પરંતુ અમેરિકન એમ્બસીના પ્રયાસોને કારણે તેમાં સામાન્ય ઘટાડો થયો છે. એક સમયે આ વેઈટિંગ 1 વર્ષનું થઈ ગયું હતું, પરંતુ હાલ તે ફરી વધીને 490 દિવસ પર પહોંચી ગયું છે. વિઝિટર વિઝા માટે લાંબો સમય રાહ જોવી પડે તેમ હોવાના કારણે ઘણા ગુજરાતીઓ અમેરિકામાં રહેતા પોતાના સ્વજનોને પણ લાંબો સમય નથી મળી શક્યા, તો બીજી તરફ બિઝનેસના કામકાજ માટે અમેરિકા જવા માગતા લોકોના આયોજન પણ અટવાયા છે.

- text