મોરબીમાં તલાટી મંત્રીની પરીક્ષાના પ્રારંભ : માનવતા મહેકી

- text


પરિક્ષાર્થીઓને મદદરૂપ થવા યંગ ઇન્ડિયા ગ્રુપ, સામાજિક કાર્યકરો, નગરપાલિકાના પૂર્વ સત્તાધીશો અને પોલીસ સ્ટાફ આગળ આવ્યા : અધવચ્ચે ફસાયેલા ચાર ઉમેદવારોને પોલીસે પ્રાઇવેટ ગાડી કરીને હળવદ પરીક્ષા કેન્દ્રમાં પહોંચાડ્યા

મોરબી : મોરબી જિલ્લામાં આજે શાંતિપૂર્ણ માહોલમાં તલાટી મંત્રીની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. જો કે, પરિક્ષાર્થીઓને મદદરૂપ થવા યંગ ઇન્ડિયા ગ્રુપ, સામાજિક કાર્યકરો, નગરપાલિકાના પૂર્વ સત્તાધીશો અને પોલીસ સ્ટાફ આગળ આવ્યા હતા અને અધવચ્ચે ફસાયેલા ચાર ઉમેદવારોને પોલીસે પ્રાઇવેટ ગાડી કરીને હળવદ પરીક્ષા કેન્દ્રમાં પહોંચાડી મદદરૂપ બની માનવતા મહેકાવી હતી.

મોરબીમાં પ્રશાસન અને પોલીસની સાથે સંસ્થા તેમજ સામાજિક કાર્યકરો પણ તલાટી મંત્રીની પરીક્ષામાં ઉમેદવારોને મદદરૂપ થવા ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યા છે. દરમિયાન મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે બે વિધાર્થીઓને પોણા બાર વાગ્યે હળવદ પરીક્ષા કેન્દ્રમાં પહોંચવાનું હતું પણ પોણા અગિયાર મોરબીમાં થઈ ગયા હોય સમયસર તલાટી મંત્રીની પરીક્ષામાં હળવદ પહોંચી શકશે કે કેમ તેવો સવાલ ઉઠ્યો હતો. તે સમયે પોલીસમેન ભાનુંભાઈ બાલાસરા સહિતના પોલીસ સ્ટાફ અને નગરપાલિકાના પૂર્વ ચેરમેન પ્રભુભાઈ ભૂત તેમની મદદે આવ્યા હતા અને આ બે વિધાર્થીઓ નવા બસ સ્ટેન્ડ પાસેથી અને બીજા બે વિદ્યાર્થીઓને મહેન્દ્રનગર ખાતેથી ભાનુંભાઈ બાલાસરા અને પ્રભુભાઈ ભુતે પોતાના ખર્ચે ખાનગી ગાડી કરીને આ ચારેયને સમયસર હળવદ પરીક્ષા કેન્દ્રમાં પહોંચાડ્યા હતા. આ તલાટી મંત્રીની પરીક્ષામાં ઉમેદવારોને મદદરૂપ થવા તંત્ર, પોલીસની સાથે સેવાભાવીઓ પણ યથાયોગ્ય મહેનત કરી હતી.

તલાટી મંત્રીની પરીક્ષા આપવા માટે કચ્છ સહિતના બહારગામના ઉમેદવારો બસ સ્ટેન્ડે ઉતર્યા હતા આથી પોલીસ જવાનો ત્યાં તૈનાત રહ્યા હતા. બહારગામના ઉમેદવારોને બસ સ્ટેન્ડમાંથી તેમના પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવા માટે પોલીસે સરાહનીય કામગીરી કરી હતી. કોઈપણ ઉમેદવાર અધવચ્ચે ફસાઈ જાય અને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે એમ ન હોય ત્યારે દરેક પોઇન્ટ ઉપર તૈનાત પોલીસ જવાનો એને મદદરૂપ બનીને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યા હતા. આ ઉપરાંત રીક્ષા ચાલકોને પણ ખાસ પરિક્ષાર્થીઓ માટે સામાન્ય ભાડું લેવાની તાકીદ કરી હતી. રીક્ષા ચાલકોએ પણ નવા બસ સ્ટેન્ડેથી સામાન્ય ભાડાંમાં પરિક્ષાર્થીઓને તેમના પરીક્ષા સ્થળ ઉપર પહોંચાડ્યા હતા. તેમ છતાં પણ પોલીસે મદદરૂપ થવા છ બાઈક અને ચાર ફોર વિહિલ ખડેપગે રાખ્યા છે.

જ્યારે રાષ્ટ્પ્રેમને વરેલા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તલાટી મંત્રીની પરીક્ષાના ઉમેદવારોને મદદરૂપ થવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં બહારગામના 1500 જેટલા ઉમેદવારો તેમના વાલીઓ, સબંધીઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા કરી હતી. બહારગામથી આ લોકો મોરબી આવે ત્યારે તેમને લઈ આવવાની, રહેવાની પાછા પરીક્ષા સ્થળે હળવદ, ટંકારા, મોરબી શહેરમાં અન્ય વિસ્તારોમાં પરીક્ષા સ્થળે પહોંચાડવાની વાહન વ્યવસ્થા કરી હતી. તેમજ પરત લઈ આવી જમાડવાની પણ વ્યવસ્થા કરી હતી. આ રીતે યંગ ઇન્ડિયા ગ્રુપના કાર્યકરોએ મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને મોરબી નગરપાલિકાના સહયોગથી પરિક્ષાર્થીઓને બનતી તમામ મદદ કરી હતી. જેમાં અનેક ઉમેદવારોને એક દિવસ રહેવા તેમજ સ્વાદિષ્ટ જમવાની વ્યવસ્થા કરી હતી. સાથેસાથે ઉમેદવારોને તેમના પરીક્ષા સ્થળે પણ પહોંચાડ્યા હતા તેમ યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું.

- text

- text