મોરબીમાં સીટી બસ બાદ કચરા કલેક્શન બંધ ! ઠેર-ઠેર કચરાના ગંજ, જન આરોગ્ય ઉપર જોખમ

- text


કોન્ટ્રકટર કહે છે કે બિલ પાસ ન થતા કામ બંધ કયું, ચીફ ઓફિસર કહે છે કે, હવે પાલિકા દ્વારા કચરા કલેક્શનની કામગીરી કરાશે

મોરબી : મોરબીમાં કચરા કલેક્શનની કામગીરી ડખ્ખે ચડી છે. કોન્ટ્રાકટરે કચરા કલેક્શનની કામગીરી બંધ કરી દેતા કચરાની સમસ્યા વધી છે. મોરબીમાં ઠેરઠેર કચરાના ગંજ ખડકાયા છે. જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા જોવા મળતા બેસુમાર ગંદકી ફેલાય રહી છે. જેથી જન આરોગ્ય ઉપર જોખમ ઉભું થયું છે.

મોરબી નગરપાલિકાની કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં કોઈને કોઈ બાબતે વાંધો યા ગજગ્રાહ થાય જ છે. કોઈપણ કોન્ટ્રાકટ હોય એમાં કોન્ટ્રાકટરની મનમાની તેમજ નગરપાલિકાની બેદરકારીને કારણે વગર વાંકે પ્રાથમિક સુવિધાના કામો અટકી જતા લોકોને સહન કરવું પડે છે. જેમાં થોડા સમય અગાઉ નગરપાલિકાની સીટી બસના કોન્ટ્રાકટરે સીટી બસ બંધ કરી દેતા થોડો સમય આ સીટી બસ સેવા ઠપ્પ થઈ ગઈ હતી. હવે કચરા કલેક્શનમાં પણ આવી નોબત આવી છે. જેમાં હાલ મોરબીના મોટાભાગના વિસ્તારોમાં કચરાના ગંજ ખડકાયા છે. ઠેરઠેર કચરાના ઢગલા થવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. કચરા કલેક્શનની કામગીરી બંધ પડી હોવાથી આ સમસ્યા ઉદભવી છે. જેમાં કચરા કલેક્શનના કોન્ટ્રાક્ટરે કચરો ઉપડવાનું આજથી કામ બંધ કરી દીધું છે.

અત્યાર સુધી કોન્ટ્રાક્ટર દ્વારા 76 હજાર ઘરોમાં અને 250થી વધુ સ્થળે એકત્ર થતા કચરાનું કલેક્શન કરવામાં આવતું હતું. હવે કચરાનું કામ બંધ કરીને કોન્ટ્રાક્ટરે પાંચ મહિનાથી બિલ પાસ ન થયું હોવાથી આ કામ બંધ કર્યાનું કારણ આપ્યું છે. સામે ચીફ ઓફિસર ડી.સી.પરમારે જણાવ્યું હતું કે, ઘણી જગ્યાએ કચરા ઉપડતા ન હોવાથી આ અંગે કોન્ટ્રાકટરને નોટિસ ફટકારી હતી. પરંતુ કોન્ટ્રાક્ટરે અચાનક જ લેટર લખીને કામ બંધ કરી દીધાનું જણાવ્યું છે. આથી હવે આ કામગીરી પાલિકા હસ્તક થશે. જેમાં બંધ હાલતમાં રહેલા 30 જેટલા વાહનો રીપેર કરી ચાલુ કરીને ફરીથી પાલિકા દ્વારા કચરા કલેક્શનની કામગીરી શરુ કરી દેવામાં આવી છે.

- text

- text