હળવદમાં કોંઢ ગામના ખંડણીખોરે ફરી લખણ ઝળકાવી પરિવારને પતાવી દેવા ધમકી આપી 

- text


દોઢેક વર્ષ અગાઉ ખંડણીખોર વિરુદ્ધ કરેલી ફરિયાદને પગલે ધનાળા ગામે વાડીએ ધસી જઈ યુવાનના પિતાને કેસ પરત ખેંચવા ધમકી આપી 

હળવદ : હળવદ તાલુકાના રાયસંગપુર ગામના વતની અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવતા વેપારી યુવાન પાસેથી દોઢેક વર્ષ પૂર્વે સુરેન્દ્રનગરના કોંઢ ગામના શખ્સે ખંડણી માંગી જાનથી મારી નાખવા ધમકી આપતા કોર્ટમાં અલગ -અલગ બે કેસ ચાલી રહ્યા હોય આ માથાભારે ઝનૂની શખ્સે અલ્ટોકારમાં યુવાનની ધનાળા ગામે આવેલ વાડીએ ધસી જઈ કોર્ટ કેસ પરત ખેંચી લેજો નહિતર લાશ પણ નહીં મળે તેવી ધમકી આપતા ગભરાયેલા દલવાડી પરિવારે હળવદ પોલીસ મથકમાં ખંડણીખોર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રાયસંગપુર ગામના વતની અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવતા જનકભાઈ ઘનશ્યામભાઇ ચૌહાણને આંતરી આજથી દોઢેક વર્ષ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના જશપાલસિંહ નિર્મળસિંહ ઝાલાએ ખંડણી માંગી જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે હાલમાં કોર્ટ કેસ ચાલી રહ્યા છે.

- text

દરમિયાન ગઈકાલે બપોરે અચાનક જ ખંડણીખોર જશપાલસિંહ નિર્મળસિંહ ઝાલા ધનાળા ગામની સીમમાં આવેલ જનકભાઈની વાડીએ અલ્ટોકારમાં ધસી ગયો હતો જ્યાં હાજર જનકભાઈના પિતા ઘનશ્યામભાઇ સવજીભાઇ ચૌહાણને તમારા દીકરાએ કરેલા કેસ પાછા ખેંચી લેજો નહીં તો ઉપાડી લઈશ અને લાશ પણ શોધી નહીં મળે તેવી ધમકી આપી પરિવારને જાનથી મારી નાખવા ધમકી આપી ચાલ્યો જતા આ મામલે ગભરાયેલા દલવાડી પરિવારે હળવદ પોલીસ મથકમાં આરોપી જશપાલસિંહ નિર્મળસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

- text