મોરબી જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 40થી વધુ બાળકોને બોલતા સાંભળતા થયા

- text


રૂપિયા 3 કરોડથી વધુના ખર્ચે સર્જરી, હિયરીંગ એઈડ અને સ્પીચ થેરાપી જેવી અદ્યતન સારવારથી બાળકોના જીવનમાં અવાજના સપ્તરંગો ભરવામાં આવ્યા

મોરબી : “હાલ ભુલકાં…..એક મેકને અવાજ આપીએ, ચકલી મેના પોપટને બોલાવીએ. થોડું એ બોલે, થોડું તું બોલે, એમ આખું ફળિયું ગજવીએ”.સૃષ્ટિ પર માણસનું નિર્માણ વિશેષ રીતે થયું છે. માનવ શરીરના પ્રત્યેક અંગ આગવી વિશેષતા ધરાવે છે. એમાંય માણસનો અવાજ સવિશેષ છે કારણ કે, માણસ સિવાય અન્ય કોઈ પ્રાણી પાસે શાબ્દિક ભાષા નથી. જેથી માનવ જીવનમાં અવાજનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે એવા બાળકો કે, જે જન્મથી જ સાંભળી કે બોલી શકતા નથી તેમના માટે આ અવાજની ગુંજતી દુનિયા કલ્પના જ બની રહે છે. આજે ટેકનોલોજીની મદદથી આવા બાળકોને યોગ્ય સારવાર અને થેરાપી આપી બોલતા કે સાંભળતા કરી શકાય છે ત્યારે સરકારના પ્રયાસોથી મોરબી જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 40થી વધુ બાળકોને બોલતા સાંભળતા થયા છે.

સરકાર દ્વારા આવા બાળકો માટે વિશેષ સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારે આવા બાળકોને વિનામુલ્યે કોકહીલર ઈમ્પ્લીમેન્ટ સર્જરી, હિયરીંગ એઈડ અને સ્પીચ થેરાપી સહિતની અદ્યતન સુવિધા આપી બોલતા સાંભળતા કરવાનું સ્વપન સેવ્યું છે. ત્યારે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગે સરકારના આ સ્વપ્નને સાકાર કરવા માટે જિલ્લામાં કોઈ બાળક અવાજની આ સપ્તરંગી દુનિયાથી વંચિત ન રહી જાય તે તરફ કમર કસી છે. મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ૫ વર્ષ દરમિયાન 27 બાળકોની સફળતાપુર્વક કોકહીલર ઈમ્પ્લીમેન્ટ સર્જરી કરાવવામાં આવી છે. કોકહીલર ઈમ્પ્લીમેન્ટ સર્જરી કરાયેલા આ બાળકોને વધુ સારવારમાં સ્પીચ થેરાપી આપવામાં આવી છે. ઉપરાંત 22 બાળકોને હીયરીંગ એઈડ પણ આપવામાં આવી છે. આમ, છેલ્લા 5 વર્ષમાં મોરબીમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 40થી વધુ મુક અને બધીર બાળકોની સારવાર દ્વારા તેમના જીવનમાં અવાજના રંગ ભરી તેમનું જીવન કલરવમયી બનાવવામાં આવ્યું છે.

- text

જિલ્લા આરોગ્ય વિભાગના આર.બી.એસ.કે. મેડિકલ ઓફિસર ડો. વિશાલ તેરૈયા જણાવે છે કે, “આવા દિવ્યાંગ બાળકોને અદ્યતન સારવાર માટે રાજકોટ, અમદાવાદ કે ગાંધીનગર રીફર કરવામાં આવે છે. જ્યાં તેમને કોકહીલર ઈમ્પ્લીમેન્ટ સર્જરીની સારવાર આપવામાં આવે છે. છેલ્લા 5વર્ષમાં મોરબી જિલ્લામાં કોકહીલર ઈમ્પ્લીમેન્ટ સર્જરીની સારવાર માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા3 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે સ્પીચ થેરાપી માટે 30 હજાર જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લામાં રાષ્ટ્ર્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં 17 ટીમો કાર્યરત છે. જે ટીમો દ્વારા શાળાના બાળકો, આંગણવાડીના બાળકો તેમજ નવજાત શીશુઓનું સ્ક્રિનીંગ કરવામાં આવે છે. આ બાળકોમાં કોઈ ખામી જણાય તો બાળકને સારવાર માટે રીફર કરવામાં આવે છે અને તેમની વિનામુલ્યે સારવાર કરવામાં આવે છે.

- text