જીગરી દોસ્તોની અણધારી વિદાયથી જવાહર સોસાયટી શોકમગ્ન

- text


સચિન અને મેહુલ રાત્રે ચાલતા ચાલતા જતા હતા ત્યારે ગુડ્સટ્રેન કાળ બનીને આવ્યાનું અનુમાન

મોરબી : મોરબીના ભડીયાદ નજીક આવેલ જવાહર સોસાયટીમાં રહેતા બે જીગરી દોસ્તો ગતરાત્રીના રેલવે ટ્રેક ઉપર ગુડ્સ ટ્રેન હડફેટે ચડી જતા મૃત્યુ પામ્યાની ઘટનાથી ભડીયાદ વિસ્તાર શોકમગ્ન બન્યો છે, બન્ને મિત્રો રેલવે ટ્રેક પાસે પગપાળા જતા હતા ત્યારે દુર્ઘટના ઘટ્યાનું અનુમાન લગાવાઈ રહ્યું છે, આજે સવારે બન્ને મિત્રોની એક સાથે અંતિમ યાત્રા નીકળતા જવાહર સોસાયટી હીબકે ચડી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ રફાળેશ્વર નજીક બુધવારે મોડીરાત્રે માળીયા તરફથી આવતી ગુડ્સ ટ્રેન હડફેટે આવી જતા ભડીયાદ નજીક આવેલ જવાહર સોસાયટીમાં રહેતા સચીન હિતેશભાઈ ચૌહાણ, ઉ.17 અને મેહુલ મનસુખભાઈ મકવાણા, ઉ.18નું મૃત્યુ નીપજ્યું હતું.આજુબાજુના વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ સચિન અને મેહુલ જીગરી દોસ્ત હતા ગતરાત્રીના બન્ને મિત્રો ચાલીને જતા હોય ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું મનાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, મૃતક સચીન હિતેશભાઈ ચૌહાણ ભડિયાદ પંચાયતના ભૂતપૂર્વ સરપંચ મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણના દિયરનો દીકરો હોવાનું અને તાજેતરમાં જ ધોરણ -12ની પરીક્ષા આપી હોવાનું તેમજ મૃતકના પિતા હિતેષભાઇ સિરામિકમાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે. જયારે મેહુલ મનસુખભાઈ મકવાણાના પિતા મનસુખભાઇ મકવાણા પ્લમ્બિંગ કામ કરતા હોવાનું અને મેહુલ પણ તેના પિતા સાથે કામ કરવા જતો હોવાનું જાણવા મળ્યું છે.

- text

બીજી તરફ ગઈકાલે ગતરાત્રીના બબ્બે આશાસ્પદ યુવાનોના મૃત્યુની ઘટનાને પગલે જવાહર સોસાયટીમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને આજે સવારે બન્ને જીગરી દોસ્તની એક સાથે સ્મશાનયાત્રા નીકળતા જવાહર સોસાયટી હીબકે ચડી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

- text