પાંચ લાખનું મહિને પચાસ હજાર વ્યાજ ! વ્યાજમાં મોડું થાય તો 2 હજાર પેનલ્ટી

- text


વાંકાનેરના મહિકા ગામે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા બે ભાઈઓએ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના મહિકા ગામે રહેતા અને ખેતી કરી ગુજરાન ચલાવતા બે ભાઈઓએ વ્યાજખોર પાસેથી રૂપિયા 5 લાખ વ્યાજે લીધા બાદ દર મહિને 50 હજાર વ્યાજ અને વ્યાજમાં મોડું થાય તો 2 હજારની પેનલ્ટી લેખે અત્યાર સુધીમાં 15 લાખ ચૂકવવા છતાં બે વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી ચાલુ રાખતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં વ્યાજખોર બંધુઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામે રહેતા યાકુબભાઈ મહમદભાઈ બાદી અને તેમના ભાઈ ઉસ્માનભાઈ મહમદભાઈ બાદીએ વર્ષ 2020મા તેમના જ મહિકા ગામના વિજય શિવાભાઈ ચાવડા અને સતીશ શિવાભાઈ ચાવડા નામના આરોપીઓ પાસેથી રૂપિયા 5 લાખ મહિને દસ ટકા વ્યાજે લીધા હતા જે બદલ અત્યાર સુધી બન્ને ભાઈઓ નિયમિત રીતે મહિને 50 હજાર વ્યાજ ચૂકવતા અને વ્યાજ ચુકવવામાં મોડું થાય તો 2 હજારની પેનલ્ટી પણ ચૂકવતા હતા.

- text

વધુમાં વ્યાજખોરોએ બન્ને ભાઈઓ પાસેથી વ્યાજે પૈસા આપી ખેતીની જમીનનું સાટા ખાત કરાવી લેવાની સાથે કોરા ચેક મેળવી લઈને અત્યાર સુધીમાં 15 લાખ જેવી રકમ લઈને ચેક રિટર્નનો કેસ પણ કરી રૂપિયા 10 લાખની પઠાણી ઉઘરાણી કરતા અંતે યાકુબભાઈ મહમદભાઈ બાદીએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી વિજય શિવાભાઈ ચાવડા અને સતીશ શિવાભાઈ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ઉપરાંત વ્યાજખોરી મામલે ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ અન્વયે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text