તારો સાળો મારી દીકરીને લઈ ગયો છે કહી એમપીના શખ્સોએ વાંકાનેર આવી બે યુવાનના અપહરણ કર્યા

- text


ઇકો ગાડીમાં આવેલ 8 શખ્સોએ અપહરણ બાદ ખંડણી માંગતા ફરિયાદ

વાંકાનેર : વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક ફેકટરીમાં કામ કરતા મધ્યપ્રદેશના યુવાનના સાળાએ પોતાની દીકરીનું અપહરણ કર્યું હોવાનું કહી ફેક્ટરીની બહાર બોલાવી એમપીના આઠ શખ્સોએ બે યુવાનના અપહરણ કરી મધ્યપ્રદેશ લઈ જઈ ઢોર માર મારી ખંડણી માંગતા સમગ્ર બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

આ ચકચારી ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના રહેવાસી વિકાસ ગુડ્ડા બારેલા ઉ.22નામના યુવાને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા જાહેર કર્યું હતું કે, ગત તા.25માર્ચના રોજ આરોપી રણજીત દોલા વસુનિયાએ વિકાસને ફોન કરીને કહ્યું હતું કે, તારા સાળાએ મારી દીકરી આશાનું અપહરણ કર્યું છે અને તે મળી ગયો છે, માટે તું બહાર આવ તેમ કહેતા વિકાસ અને સાહેદ સોનુ સરતાનપર રોડ ઉપર આવેલ લેન્ડ ગ્રીસ ટાઇલ્સ ફેકટરીના ગેઇટ બહાર રસ્તા ઉપર જતા આરોપી રણજીત દોલા વસુનિયા, સંગ્રામ છગન કટારા, લવકુશ રામા મેડા અને રામકીશન નામાલૂમ તેમજ અન્ય ચાર અજાણ્યા આરોપીઓએ બળજબરી કરી વિકાસ તથા સોનુને ઇકો ગાડીમાં બેસાડી અપહરણ કરી તેમના ગામ લઈ ગયા હતા.

- text

જે બાદ આરોપીઓએ બન્નેને બંધક બનાવી લાકડી, લોખંડના સળિયા તથા ઢીકા પાટુનો માર મારી વિકાસના ફોનમાંથી તેના પરિવારજનોને ફોન કરાવી પૈસાની માંગણી કરી હતી અને જો પૈસા ન આપે તો જાનથી મારી નાખવા ધમકી આપતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text