હીરાસર એરપોર્ટ ઉપર કોન્ટ્રાકટના નામે પેટ્રોલપંપના સંચાલકને બે ગઠિયા 12.91 લાખનું બુચ મારી ગયા

- text


ગ્વાલિયરની બંધ થયેલી પેઢીના નામના લેટરપેડ અને ચેક આપી ઉધારમાં 14010 લીટર ડીઝલ લઈ છુમંતર

વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઠીકરિયાળી ગામ પાસે આવેલા પેટ્રોલપંપના સંચાલક સાથે અમારે હીરાસર એરપોર્ટ ઉપર કોન્ટ્રાકટ છે, ઉધારમાં ડીઝલ આપો કહી બે ગઠિયાઓએ બંધ થયેલી પેઢીના લેટર પેડ અને કોરા ચેક આપી રૂ.12.91 લાખનું બુચ મારી દેતા બન્ને ગઠિયાઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

છેતરપિંડીના આ નવતર બનાવ અંગે રાજકોટ માલવીયા નગરમાં રહેતા અને વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઠીકરિયાળી ગામ પાસે પેટ્રોલપંપ ધરાવતા માનવેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી મનીષ શર્મા અને રાજ ઠાકુર તેઓના પેટ્રોલપંપ ઉપર આવ્યા હતા અને મેનેજરને કહ્યું હતું કે, તેઓ હીરાસર એરોપોર્ટ ઉપર માટી ફીલિંગ કરવાનો એક્સવેટર મશીનનો કોન્ટ્રાકટ ધરાવે છે. જેથી દસ દિવસની ઉધારીમાં ડીઝલ જોઈએ છે.

- text

બાદમાં પેટ્રોલપંપના મેનેજરે કોન્ટ્રાકટ ધરાવતી પેઢીના લેટરપેડ, કોરા ચેક, પાનકાર્ડ સહિતની વિગતો આપવા કહેતા બન્ને શખ્સોએ ગ્વાલિયરની રાઈ બિલ્ડર્સ નામની પેઢીનો લેટર પેડ અને ચેક આપ્યા હતા અને કુલ 14010 લિટર ડીઝલ મેળવી સમયસર નાણા ન આપતા ઉધારમાં ડીઝલ આપવાની ના પાડી હતી.

જો કે બન્ને ભેજાબાજ ગાંઠિયાઓએ બે દિવસમાં પૈસા મળી જશે તેવી ખોટી હૈયા ધારણા આપી બાદમાં ફોન બંધ કરી દેતા પેટ્રોલપંપ સંચાલકે ગ્વાલિયર સંબંધી મારફતે તપાસ કરતા આ પેઢી બંધ થઈ ગઈ હોવાનું સામે આવતા હીરાસર એરપોર્ટ અને ડીઝલ લેવા આવતી બોલેરોના ચાલકનો સંપર્ક કરી ગઠિયાનો પતો મેળવવા પ્રયાસ કરતા બન્ને ન મળી આવતા અંતે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બન્ને વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા છેતરપીંડી મામલે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text