યા દેવી સર્વ ભુતેષુ…. આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ

- text


જાણો ચૈત્રી નવરાત્રિનું મહત્વ અને આ વર્ષે શું બની રહ્યા છે શુભ યોગ

મોરબી : આજથી એટલે કે 22 માર્ચથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. જગતજનની માતાજીની આરાધના માટેના આ 9 દિવસ લોકો ભક્તિભાવથી ઉજવતા હોય છે. ચૈત્રી નવરાત્રિનું પૌરાણિક મહત્વ પણ ઘણું છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રિ 22 માર્ચથી 30 માર્ચ સુધી ચાલશે. આજે ચૈત્રી નવરાત્રિના પ્રારંભની સાથે સાથે ચેટી ચાંદ અને ગુડી પડવાનો પણ અવસર છે. માનવામાં આવે છે કે નવ દિવસ સુધી મા દુર્ગા ધરતી પર રહે છે. આ નવ દિવસો દરમિયાન મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. પ્રથમ દિવસે ઘટ સ્થાપન કર્યા બાદ પૂજાની શરૂઆત થાય છે.

આ વખતે ચૈત્રી નવરાત્રી પંચકમાં શરૂ થઈ રહી છે. પંચક 19મી માર્ચથી શરૂ થયું છે અને તે 23મી માર્ચે સમાપ્ત થશે. હિન્દુ ધર્મ અને જ્યોતિષમાં પંચક કાળને શુભ માનવામાં આવતો નથી. પરંતુ આ વખતે પંચકની શરૂઆત ઘણા શુભ યોગો સાથે થઈ છે. કારણ કે આ દિવસે ચાર ગ્રહ સંયોગથી મીન રાશિમાં ગોચર કરશે. ગજકેસરી યોગ, બુધાદિત્ય યોગ, હંસ યોગ, શશ યોગ, ધર્માત્મા અને રાજ લક્ષણ જેવા શુભ યોગો નવરાત્રી દરમિયાન જ સર્જાશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ શુભ યોગોના કારણે પંચકમાં નવરાત્રિની પૂજા કરી શકાય છે. તેની કોઈ અશુભ અસર નહીં થાય.

પ્રાકૃતિક મહત્વ

ચૈત્રી નવરાત્રિ સમયે ઋતુ પરિવર્તન થતું હોય છે. ગરમી અને ઠંડીની મોસમના પ્રારંભ પહેલા પ્રકૃતિમાં મોટો બદલાવ થતો હોય છે. માનવામાં આવે છે કે પ્રકૃતિ માતાની આ શક્તિના ઉત્સવને આધાર માનીને નવરાત્રિનો પર્વ હર્ષ, આસ્થા અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવે છે. એવી પ્રતીતી થાય છે કે સ્વયં પ્રકૃતિ પણ આ તહેવાર ઉજવવા જાણે તૈયાર બેઠી હોય. ચૈત્રી નવરાત્રિ દરમિયાન વાતાવરણમાં ગરમી પણ વધુ નથી હોતી અને ઠંડી પણ વધુ નથી હોતી. વાતાવરણ ખુશનુમા હોય છે.

ભૌગોલિક મહત્વ

ભૌગોલિક કારણની વાત કરીએ તો માર્ચ અને એપ્રિલ મહિનામાં દિવસ અને રાત સમાન હોય છે. તેથી આ સમયગાળામાં નવરાત્રિ મનાવવામાં આવે છે. પ્રકૃતિમાં આવતા આ બદલાવના કારણે આપણા મગજમાં પણ પરિવર્તન થતું હોય છે. તેથી નવરાત્રિ દરમિયાન વ્રત રાખીને માતાજીની પૂજા કરવાથી શારીરિક અને માનસિક સંતુલન બનેલું રહે છે.

આધ્યાત્મિક મહત્વ

વર્ષમાં બે વખત મુખ્ય રીતે નવરાત્રિ મનાવવામાં આવે છે. આની પાછળનું આધ્યાત્મિક મહત્વ પર નજર કરીએ તો ચૈત્ર મહિનામાં ગરમીની શરૂઆત થતી હોય છે. ગરમીની આ મોસમમાંથી આવતી સૌર ઉર્જાથી આપણે વધુ પ્રભાવિત થતા હોઈએ છીએ કેમ કે આ સમયગાળો ખેતરમાં વાવેલા ધાન પાકવાનો સમયગાળો છે. આવા કાર્ય પૂર્ણ થયા બાદ માતાજીની આરાધના કરવાનો આ ઉત્તમ સમય માનવામાં આવે છે.

આયુર્વેદિક દ્રષ્ટિએ મહત્ત્વ

ચૈત્રી નવરાત્રિ વિશે આરોગ્‍ય અને આયુર્વેદને ધ્‍યાનમાં રાખીએ તો, આખા વર્ષનું સ્‍વાસ્‍થ્‍ય જાળવવા માટે, કફ, જ્‍વર, ફ્‍લુનો પ્રકોપ ઓછો કરવા ચૈત્ર મહિનામાં કડવા લીમડાનું ઘણું મહત્ત્વ છે. કડવા લીમડાનો મોર ખાઇ શકાય. કૂણા પાનનો રસ ચારથી પાંચ ચમચી લઇ શકાય. આ નવ દિવસમાં ઘણાં લોકો અલૂણું કરે છે. એટલે કે મીઠું લેતાં નથ, કારણ કે આ સમય દરમિયાન લવણ રસ, ખારાશને કારણે કફ વધે છે.

- text

આ ઋતુ કફપ્રકોપની છે. કફ વધે નહીં એ માટે અલૂણાનું મહત્ત્વ છે. એ જ રીતે આ સિઝનમાં પરસેવો વધારે થાય છે. મીઠાને કારણે પરસેવો વધારે થાય, શોષ પડે. આમ ન થાય તે માટે પણ મીઠું ઓછું ખાવું જોઇએ. ગળ્‍યો, ખાટો અને ખારો રસ કફવર્ધક છે તેથી તેવો ખોરાક આ ઋતુમાં ન લેવો. આપણી ભારતીય સંસ્‍કૃતિ અને ધર્મોને નામે ગોઠવેલા આવા ઋતુઓ પ્રમાણેના રિવાજ આરોગ્‍યને ધ્‍યાનમાં રાખીને ગોઠવાયા હોય એમ લાગે છે.

પૌરાણિક મહત્વ

નવરાત્રી પાછળની પૌરાણિક કથા લંકા યુદ્ધ વખતે ભગવાન રામે બ્રહ્મા પાસે રાવણથી યુદ્ધ જીતવા માટેની યુક્તિ પુછી ત્યારે બ્રહ્માજીએ રામને કહ્યું, કે માં ચંડીને પ્રસન્ન કરવાથી રાવણને મારી શકાય છે. માં ચંડીને પ્રસન્ન કરવા ભગવાન રામે દુર્લભ 108 નીલ કમળની વ્યવસ્થા કરી. બીજી બાજુ રાવણે પણ વિજય અને અમર થવા માટે ચંડીનો પાઠ કરવાનો શરૂ કર્યો. આ વાત ઇન્દ્રે પવન દેવના માધ્યમથી શ્રી રામ સુધી પહોંચાડી અને કહ્યુ કે ચંડી પાઠ પૂરો થવા દેવો. આ તરફ રાવણની માયાથી રામની સામગ્રીમાંથી એક નીલ કમળ ગાયબ થઈ ગયુ અને રામને તેમનો સંકલ્પ તૂટતો જણાવા લાગ્યો. દુર્લભ નીલકમળની તત્કાળ વ્યવસ્થા થઈ શકે તેમ ન્હોતુ. ત્યારે રામને યાદ આવ્યુ કે લોકો મને કમળ નયન નવકંચલોચન કહે છે. તો કેમ નહિં સંકલ્પ માટે એક નેત્ર અર્પિત કરી દેવામાં આવે. જ્યાં રામે તીરથી પોતાનું નેત્ર કાઢવા પ્રયત્ન કર્યો ત્યાંરે માં ચંડી પ્રકટ થયા અને બોલ્યા રામ તમારાથી પ્રસન્ન થઈ હું તમને વિજયી થવાનો આશીર્વાદ આપું છું. હનુમાનજીએ બાળકનું રૂપ ધારણ કર્યુ ત્યાં જ રાવણના ચંડી પાઠમાં યજ્ઞ કરી રહેલા બ્રાહ્મણોની સેવા માટે હનુમાન બાળકનું રૂપ ધારણ કરી તેમની સેવા કરવા લાગ્યા. નિઃસ્વાર્થ સેવા જોઈ બ્રાહ્મણોએ હનુમાનને વરદાન માંગવા કહ્યું. ત્યારે હનુમાને વિનમ્રતાથી કહ્યુ કે, બ્રાહ્મણ દેવતા તમે જે મંત્રથી હવન કરી રહ્યા છો તેમાંનો એક શબ્દ બદલી દો. બ્રાહ્મણ આ રહસ્યને સમજી ન શક્યા અને તથાસ્તુ કહી દીધુ. મંત્રમાં જયાદેવી ભર્તિહરીણીમાં ‘હ’ ને સ્થાને ‘ક’ નું ઉચ્ચારણ કરવાનું વચન માંગ્યુ. ભર્તિહરીણી એટલે પ્રાણીઓની રક્ષા કરનારી ભર્તિહરીણી એટલે પ્રાણીઓની રક્ષા કરનારી અને કરિણીનો અર્થ થયો પ્રાણીઓને પીડિત કરનારી, જેનાથી દેવી રિસાઈ રાવણનો સર્વનાશ કરવા પ્રતિબદ્ધ થઈ. હનુમાનજીએ પોતાની ચતુરતાથી ‘હ’ ને સ્થાને ‘ક’ નું ઉચ્ચારણ કરાવી રાવણનો સર્વનાશ કરાવી દીધો. સૌ પહેલા ભગવાન રામે શારદીય નવરાત્રીની પૂજા સમુદ્ર કિનારે તટ પર શરૂ કરી દશમાં દિવસે લંકા પર પ્રસ્થાન કરી વિજય મેળવ્યો.

- text