મોરબીમાં હિન્દુજા ફાયનાન્સના સીઝરનો આંતક ! લોનનો હપ્તો ચૂકી જતા સંજયભાઈને ફટકાર્યા 

- text


જિલ્લા પંચાયતના કોન્ટ્રાકટ બેઇઝ ડ્રાઇવરનું અપહરણ કરી સીઝર ટોળકીએ બેફામ માર મારતા પોલીસ ફરિયાદ 

મોરબી : રિઝર્વ બેન્કના કાયદા મુજબ સીઝરોની ગુંડાગીરી માફિયાગીરી ઉપર લગામ કસવામાં આવી હોવા છતાં મોરબીની ખાનગી હિન્દુજા ફાયનાન્સ કંપનીની સીઝર ટોળકીએ મકાનની લોનનો એક હપ્તો ચૂકી જનાર સંજયભાઈ નામના યુવાનનું અપહરણ કરી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી પ્લાસ્ટિકના પાઇપ વડે બેફામ માર મારતા કાયદાનું વસ્ત્રાહરણ કરનાર સીઝર ટોળકી વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ આ ચોંકાવનારા બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સ્કાય મોલ સામે પી.જી.ક્લોક લીમડા પાનવાળી શેરીમાં રહેતા અને જિલ્લા પંચાયત કચેરીમાં પશુપાલન વિભાગમાં ગાડી ભાડે આપી ચલાવતા સંજયભાઇ ધનજીભાઇ વિડજાએ પીપળી રોડ ઉપર આવેલ વૃંદાવન સોસાયટીમાં મકાન ખરીદવા માટે રવાપર રોડ ઉપર આવેલી હિન્દુજા ફાયનાન્સ કંપનીમાંથી રૂપિયા 8.30 લાખની લોન લીધી હતી અને લોન પેટે દર મહિને રૂપિયા 10,700નો હપ્તો નિયમિત ચુકવતા હતા. પરંતુ ચાલુ મહિનામાં નાણાકીય અગવડતાને કારણે લોનનો એક હપ્તો ચુકી ગયા હતા.

- text

દરમિયાન તા.20ના રોજ રાત્રીના સમયે સંજયભાઇ ધનજીભાઇ વિડજા મહેન્દ્રનગર પોતાના સસરાને ત્યાંથી પરત ઘેર આવતા હતા ત્યારે રવાપર રોડ ઉપર આનંદ સ્ટેશનરી સામે તેમની કાર આડે સફેદ કલરની કાર આડી નાખી મૂળ ધુળકોટ, હળવદના અને હાલમાં મોરબી રહેતા હિન્દુજા ફાયનાન્સના રિકવરી એજન્ટ ઋતુરાજસિંહ અને તેના ત્રણ મળતિયાઓએ સંજયભાઈને કારમાંથી નીચે ઉતારી મુંઢમાર મારી બળજબરી પુર્વક પોતાની કારમાં બેસાડી લઈ અપહરણ કરી શહેરમાં અલગ અલગ સ્થળે ફેરવી કામધેનુ પાર્ટી પ્લોટના મેદાનમાં લઈ જઈ પ્લાસ્ટિકના પાઇપ વડે બેફામ માર મારવાનું શરૂ કર્યું હતું. સાથે જ સીઝર ઋતુરાજસિંહે સંજયભાઈને ધમકી આપી મકાનની લોનનો હપ્તો ન ભરે તો ટાંટીયા ભાંગી નાખશું તેમ કહી મોઢા ઉપર તેમની કારની ચાવી ફેંકી હતી.

બીજી તરફ રિકવરી એજન્ટોના બેફામ મારને કારણે સંજયભાઈને ઈજાઓ પહોંચતા મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં હિન્દુજા ફાયનાન્સ કંપનીના માફિયા રિકવરી એજન્ટ ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે માફિયાગીરી આચરનાર રિકવરી એજન્ટ ઋતુરાજસિંહ અને ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ આઇપીસી કલમ ૩૪૧,૩૬૫,૩૨૩,૫૦૪,૫૦૬,૧૧૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text