આતે ડામર કે ગારો ! ચરાડવાથી સુરવદર સુધી બનતા રોડની પોલ છતી

- text


 

તાલુકા પંચાયતના સદસ્ય અને ગામ લોકોએ કોન્ટ્રાક્ટરનો ભાંડો ફોડ્યો

હળવદ : હળવદ પંથકમાં જિલ્લા પંચાયતના અધિકારીઓ અને પદાધિકારીઓની મહેરબાનીથી કોન્ટ્રાક્ટરો નવા રોડ બનાવવામાં લોટ, પાણીને લાકડા જેવી નીતિ અપનાવી રહયા હોય તેવી સ્થિતિ વચ્ચે ચરાડવા થી સુરવદર સુધી ડામર ને બદલે ગારાથી રોડ બનાવાયો હોય તેવી હાલત જોવા મળતા તાલુકા પંચાયતના સદસ્ય અને ગામ લોકોએ કોન્ટ્રાક્ટરનો ભાંડો ફોડતા ચકચાર જાગી છે.સાથે જ કામ પણ હાલ અટકાવ્યું છે

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ચરાડવાથી સુરવદર વચ્ચે નવો રોડ મંજુર થતા હાલમાં રોડનું કામ ચાલી રહ્યું છે. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા નવા રોડના કામમાં અત્યંત હલકી ગુણવત્તાનો ડામર વપરાશ કરવામાં આવતા હાલમાં આ ડામર રોડ આંગળીના જોરે ઉખડી રહ્યો છે.

વધુમાં ડામર રોડના નબળા કામ અંગે દેવળીયાના ગામ લોકોને જાણ થતા તાલુકા પંચાયતના સદસ્ય મનસુખભાઈ પટેલ,તાલુકા ભાજપના ઉપપ્રમુખ લાલાભાઇ પટેલ દ્વારા ગ્રામજનોને સાથે રાખી આ નબળા રોડની પોલ છતી કરવામાં આવી હતી.આ નબળા રોડ અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના પ્રામાણિક ગણાતા ચેરમેન અને ડીડીઓ આ મામલે કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.

- text

વધુમાં તાલુકા પંચાયતના સદસ્ય મનસુખભાઈ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષથી આ રોડ મંજૂર થઈ ગયો છે ત્યારે અગાઉ જે પુલિયા અને નાળા બનાયા છે તે પણ હવે તૂટી રહ્યા છે હાલ અત્યારે ડામરનું કામ ચાલુ છે તે સાવ બોગસ કરવામાં આવી રહ્યું છે અમે અનેક વાર રજૂઆતો પણ કરી છે પરંતુ બળુકા અધિકારીઓ કોઈનું ગાંઠતા નથી સાથે તેઓએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો દિવસ પાંચમા આની યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો અમે પાંચ ગામના લોકો જિલ્લા કલેકટર કચેરી ખાતે રજૂઆત કરી ભૂખ હડતાલ પર ઉતરીશું અને આ રોડની કામગીરી ત્યાં સુધી ચાલુ નહીં થવા દઈએ.

- text