આફરીન ! દિલ્હીના રંગમંચ ઉપર “જસમા ઓડણ” નાટક રજૂ કરતું ખાખરાળાંનું ભવાઈ મંડળ

- text


ઇન્ટરનેશનલ થિએટર ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયામાં મોરબી જિલ્લાનો ડંકો : કલાકારોને ચોતરફથી શુભકામના

મોરબી : આજના આધુનિક યુગમાં પણ મોરબી જિલ્લાના ગામડે-ગામડે નાટ્ય કલા જીવંત છે અને નવરાત્રી તેમજ દિવાળીના તહેવારમાં નાટક ભજવવાની પરંપરા જળવાઈ રહેલી છે. ખાસ કરીને મોરબી અને માળીયા પંથકમાં લુપ્ત થતી ભવાઈ કલાને જીવંત રાખવા કલાકારો અથાગ મહેનત કરી રહ્યા છે ત્યારે તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ થિએટર ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયા 2023 ભારત રંગ મહોત્સવમાં ખાખરાળાના કલાકારોએ ગુજરાતનું સુપ્રસિદ્ધ નાટક “જસમા ઓડણ” રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાં દ્વારા તા.14થી 26 ફેબ્રુઆરી દરમિયાન દિલ્હી ખાતે ભારત રંગ મહોત્સવ શીર્ષક હેઠળ ઇન્ટરનેશનલ થિએટર ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયા 2023નું આયોજન કર્યું છે. જેમાં મોરબીના ખાખરાળા ગામના પ્રખ્યાત ભવાઈ મંડળ, સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ ખાખરાળાએ ગુજરાતના સુપ્રસિદ્ધ એવા 40 વર્ષ જુનું “જસમા ઓડણ” નાટક રજૂ કરી દિલ્હી મુકામે ડંકો વગાડ્યો હતો.

નોંધનીય છે કે, આજના આધુનિક સમયમાં ભવાઈ કલા લુપ્ત થવાના આરે ઉભી છે ત્યારે મોરબી જિલ્લામાં હજુ પણ ભવાઈ કલાકારો દ્વારા લોકકલાને જીવંત રાખવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ખાસ કરીને દિલ્હી ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ થિએટર ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયા 2023 ભારત રંગ મહોત્સવમાં ખાખરાળાના કલાકારોએ “જસમા ઓડણ” રજૂ કરી ગુજરાતી લોક કલાનું ગૌરવ વધાર્યું હતું. અદભુત નાટ્ય શો નિહાળી દિલ્હીમાં દર્શકો મંત્રમુગ્ધ બન્યા હતા. નાટકના ડિરેકટર પ્રાણભાઈ બાબુભાઇ પૈજાના નેજા હેઠળ તમામ પૈજા પરિવારના કલાકારોએ સમગ્ર મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિનું ગૌરવ વધારતા ચોતરફથી શુભકામનાઓ મળી રહી છે.

- text

- text