હું દેવો રબારી હો ! રૂપિયા આપી દે નહિ તો જીવતો નહિ છોડું

- text


મોરબીમા મોટા ભાઈના ટાઇલ્સના ધંધામાં ચેક રિટર્ન બાદ રૂપિયા આપવા છતાં બે શખ્સોએ નાનાભાઈને મારી, ધમકી આપી

મોરબી : મોરબીમાં મોટાભાઈના ટાઇલ્સના ધંધામા બાકી નાણાંનો ચેક રિટર્ન થયા બાદ નાણાં ચૂકવી દેવા છતાં બે શખ્સોએ પઠાણી ઉઘરાણી કરી હું દેવો રબારી… રૂપિયા આપી દે નહિ તો જીવતો નહિ છોડું તેવી ધમકી આપી નાનાભાઇને માર મારતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજન મોરબીના મહેન્દ્રનગરમા રહેતા અને હાઇડ્રો મશીનનો રિપેરીંગનો ધંધો કરતા સચિન ચંદુલાલ સુરાણીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં લીલાપર રોડ ઉપર રહેતા કેતન મનસુખભાઇ કાલરીયા અને રબારીવાસમાં રહેતા હાર્દિક ઉર્ફે દેવો જીવરાજભાઈ મોરી વિરુદ્ધ જાનથી મારી નાખવા અને માર મારવા અંગે ફરિયાદ નોંધાવી છે.

- text

વધુમાં ફરિયાદમાં જણાવાયું હતું કે, ફરિયાદી સચિનના મોટાભાઈ રવિ મુંબઈ ખાતે ટાઇલ્સનું માર્કેટિંગ કરતા હોય ટાઇલ્સના પૈસા મામલે વૈભવ નામના વ્યક્તિને ચેક આપતા ચેક રિટર્ન થયો હતો બાદમાં વૈભવભાઈને રોકડા નાણાં આપી ખાતામાં પણ પૈસા જમા કરાવી દેવા છતાં ગઈકાલે કેતન કાલરીયા અને હાર્દિક ઉર્ફે દેવો સચિન પાસે રૂપિયાની ઉઘરાણી કરવા આવ્યા હતા. આ વેળાએ સચિને વૈભવભાઈને પૈસા આપી દીધા છે તને તેમની સાથે વાત કરી લો તેમ કહેતા હાર્દીક ઉર્ફે દેવાએ કહ્યું હતું કે મને ઓળખશ ? હું દેવો રબારી, પૈસા તો અત્યારે જ જોશે નહિ તો જીવતો નહીં મુકું કહી બેફામ માર મારતા અન્ય લોકોએ સચિનને છોડાવ્યો હતો.

બાદમાં બનાવ અંગે સચિને મોરબી તાલુકા પોલીસ મથકમાં અરજી આપતા પોલીસે અરજીને આધારે બન્ને માથાભારે શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text