હળવદના નવા દેવળીયામાં ભંગાર વાડા જેવી આંગણવાડીમાં ભણતા બાળકો

- text


બાળકના વાલી દ્વારા અનેક ફરિયાદ છતાં જર્જરિત બાલ આંગણવાડી અન્યત્ર ન ખસેડાતા બાળકો માટે જોખમ

હળવદ : ભણશે ગુજરાત…. રમશે ગુજરાતની વાતો વચ્ચે મોરબી જિલ્લામાં અનેક આંગણવાડી બિલ્ડીંગો જર્જરિત હોવા છતાં આવા બિલ્ડિંગમાં બેસાડી બાળકોને ભણાવવામાં આવી રહ્યા હોવાના કિસ્સા વચ્ચે હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે ભંગારવાડા જેવા જર્જરિત બિલ્ડિંગમાં બાળકોને બેસાડી એકડા ઘૂંટાવવામાં આવી રહ્યા હોય બાળકોના વાલીઓ ચિંતિત બની આંગણવાડી અન્યત્ર ખસેડવા માંગ કરી છે છતાં પણ બિલ્ડીંગ ન બદલવામાં આવતા બાળકો ઉપર જોખમ ઉભું થયું છે.

હળવદ તાલુકાના નવા દેવળીયા ખાતે વર્ષો જુના જર્જરિત થઈ ગયેલા પંચાયત ઘરમાં આંગણવાડી ચાલી રહી છે, બાલ આંગણવાડીના વર્કર પ્રજ્ઞાબેનના જણાવ્યા મુજબ હાલમાં આ આંગણવાડીમાં 23 બાળકો ભણવા માટે આવે છે, જો કે બિલ્ડીંગ ખખડધજ હોવાનું તેમને પણ સ્વીકાર્યું હતું. આ મામલે આંગણવાડીમાં અભ્યાસ કરતા બે બાળકોના વાલી મનોહરસિંહ પરમારે ફરિયાદ સાથે જણાવ્યું હતું કે, બિલ્ડિંગમાં બાજુમાં જ ખંઢેર આવેલું છે અને અહીંથી જીવજંતુઓ આવવાનો ડર સેવાઈ રહ્યો છે.

- text

વધુમાં મનોહરસિંહ પરમારે જણાવ્યું હતું કે આંગણવાડીનું ખખડધજ બિલ્ડીંગ બદલવા અંગે અગાઉ બેથી ત્રણ વખત ફરિયાદ કરવા છતાં પણ સરકારી અધિકારીઓ દ્વારા કોઈ જ પગલાં ન લેવાતા અમારા બાળકો માટે જોખમ ઉભું થયું છે, વધુમાં આંગણવાડીમાં લટકતો પંખો પણ ગમે ત્યારે ખાબકે તેમ હોવા ઉપરાંત આંગણવાડીમાં ભંગારની જેમ સામાન પડેલો હોય સત્વરે ભારતના ભાવિ સમાન બાળકોની ચિંતા કરી આ જોખમી અને ભંગારવાડા જેવી બાલ આંગણવાડી અન્યત્ર ખસેડવા માંગ ઉઠાવી છે.

- text