વાંકાનેરમાં ખેતમજૂરના રૂપિયા સેરવી લેનાર રાજકોટના બે ગઠિયા ઝડપાયા

- text


બે દિવસ પૂર્વે વાંકાનેર યાર્ડમાં કપાસ વેચી રીક્ષામાં જઈ રહેલા ખેતમજૂરને શિકાર બનાવ્યા હતા

વાંકાનેર : બે દિવસ પૂર્વે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં કપાસ વેચી પરત જઈ રહેલા ખેત મજૂરને નિશાન બનાવી મુસાફરના સ્વાંગમાં ચોરી કરતી ગેંગ દ્વારા રૂપિયા 56,700 સેરવી લેવામાં આવતા આ ચકચારી બનાવનો ભેદ વાંકાનેર સીટી પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી નાખી રાજકોટના બે નામચીન તસ્કર ગઠિયાઓને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીક બનેલા ચોરીના બનાવનો ભેદ ઉકેલવા વાંકાનેર સીટી પીઆઇ કે.એમ છાસીયાની આગેવાનીમાં પોલીસ ટિમ પ્રયત્નશીલ હતી તેવામાં સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ પરમાર, કોન્સ્ટેબલ કૃષ્ણરાજસિંહ ઝાલાને બાતમી મળી હતી કે મુસાફરના સ્વાંગમાં તફડંચી કરતા શખ્સો સીએનજી રીક્ષા લઈ રાજકોટ કુવાડવા તરફથી વાંકાનેર તરફ આવી રહ્યા છે. આ બાતમીને આધારે પોલીસ ટીમે અમરસર ફાટક પાસે વોચ ગોઠવી ઉપરોક્ત વર્ણન વાળી રીક્ષા અટકાવી હતી.

આ રીક્ષામાંથી પોલીસે રાજકોટ હુડકો ચોકડી,રણુજા મંદીરની સામે રહેતા અંકીતભાઈ ઉર્ફે કાંધલ પ્રવિણભાઈ પરમાર અને રાજકોટના નગાગામ આણંદપર, મામાવાડી સાત હનુમાન મંદીર પાસે રહેતા અરવિંદભાઈ ઉર્ફે કની પોલાભાઈ કાંજીયાને અટકાયતમાં લઈ પૂછપરછ કરતા ખેતમજૂરની નજર ચૂકવી નાણાં સેરવી લીધાની કબૂલાત આપતા પોલીસે બન્ને આરોપીઓના કબ્જામાથી રોકડા રૂપિયા 56,700 તેમજ ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલ GJ-03-AW-5985 નંબરની રીક્ષા કિંમત રૂપિયા 50 હજાર કબ્જે કરી હતી.

- text

ઉલ્લેખનીય છે કે વાંકાનેર પોલીસના હાથે પકડાયેલા બન્ને ગઠિયા હાઈવે રોડ તેમજ ગામના અંદરના રસ્તા ઉપર સી.એન.જી રીક્ષા ચલાવી તેમા રાહદારી પેસેન્જરને બેસાડી નજર ચુકવી રોકડા રૂપીયા તેમજ સોના ચાંદીના ઘરેણાં લઈ નાશી જાય છે અને તેમજ ઘરફોડ ચોરી કરવાની ટેવવાળા છે તેમજ ગુન્હો કર્યા બાદ રીક્ષાના કલર તેમજ એસેસરીઝમા ફેરફાર કરી નાખે છે. આ બન્ને આરોપીઓ વિરુદ્ધ રાજકોટમાં છ, હળવદમાં એક અને મોરબીમાં એક મળી અલગ -અલગ આઠ ગુન્હા નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે.

આ સફળ કામગીરી વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેકટર કે.એમ.છાસીયા, પીએસઆઇ ડી.વી.કાનાણી, હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ પરમાર, હરપાલસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા, બળદેવસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણરાજસિંહ ઝાલા, ધર્મરાજભાઈ ગઢવી તથા પ્રતિપાલસિંહ વાળા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- text