કાનાભાઈના ક્લાસમાં નગરસેવકો નાપાસ ! મોરબી નગરપાલિકા ઠનઠન ગોપાલ

- text


આવક મીંડું અને મહિને બે કરોડનો ખર્ચ, ત્રણ વર્ષથી મોબાઈલ ટાવરનો ટેક્સ નથી આવતો ! પાલિકા પાસે કેટલું સ્વ ભંડોળ ? કોઈને ખબર નથી!

ત્રણ વર્ષમાં તૂટેલા રસ્તા કોન્ટ્રાકટરના ખર્ચે રીપેર કરાવાશે : પાલિકાના હોર્ડિંગ બોર્ડમાં ખોટનો ધંધો, વીજબીલ પણ નથી ચુકવાતું : ગેરકાયદે બિલ્ડીંગોનું કામ બંધ કરવાશે

મોરબી : મોરબી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં પ્રજાએ ભાજપ ઉપર વિશ્વાસ મૂકી વિકાસને મત આપ્યા તે એળે ગયા હોવાની છાપ ઉપસી છે, આજે મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ ગાઢ નિંદ્રામાં પોઢેલી નગર પાલિકાને ઢંઢોળવા હાથ ધારેલા પ્રયાસમાં પાલિકામાં અંધેર નગરી અને ગંડુ રાજા વાર્તાને પણ સારી કહેવડાવે તેવી સ્થિતિ હોવાનું જાહેર થયું હતું. મહિને 2 કરોડના પગાર સહિતના ખર્ચ કરવામાં પાવરધી પાલિકા [પાસે હાલમાં ફળિયું પણ ન હોવાનું અને છેલ્લા ત્રણ વર્ષથી પેઘી ગયેલા મોબાઈલ ટાવરના કોન્ટ્રાક્ટરોએ પાલિકાને ટેક્સ જ ચુકવ્યો ન હોવાનું કાનાભાઇના ક્લાસમાં બહાર આવ્યું છે. જો કે આજની બેઠકમાં કાનાભાઇએ તમામ નગરસેવકો અને અધિકારી કર્મચારીઓના કાન આમળી લાલિયાવાળી બંધ કરી કામે લાગી જવા તાકીદ કરી શહેરમાં ગેરકાયદે બાંધકામો તાકીદે બંધ કરવવા કડક સૂચના આપી હતી.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ ચીફ ઓફિસર સસ્પેંડ થતા મોરબી નગરપાલિકા ધણીધોરી વગરની બની છે ત્યારે પાલિકા તંત્ર ઇન્ચાર્જ ચીફ ઓફિસરના રાજમાં દિશાહીન બનતા ગઈકાલે મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ તમામ નગરસેવકો અને અધિકારીઓની મિટિંગ બોલાવી નગરપાલિકા તંત્રને રીતસર ઢંઢોળ્યું હતું. રાજકારણની સાથે પ્રજાના કામ માટે સદાય જાગૃત રહેતા કાનભાઈએ આ બેઠકમાં પ્રમુખ, ઉપ પ્રમુખ કે કારોબારી સમિતિના ચેરમને અત્યાર સુધી ક્યારેય વિચારી ન હોય તેવી સર્વાંગી બાબતો નો કલાકો માં જ ક્યાસ કાઢી લઈ અધિકારીઓને રીતસર તતડાવી નાખી પાઇ-પાઈનો હિસાબ રજૂ કરવા પણ તાકીદ કરી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે મોરબી નગર પાલિકા પાસે સ્વભંડોળના નામે મીંડું જ છે અને મિલ્કત વેરો, પાણી વેરો, હોર્ડિંગ્સની આવક, મોબાઈલ ટાવરના ટેક્સની આવકના સ્ત્રોત હોવા છતાં આ દિશામાં નક્કર ઉઘરાણી કરવામાં આવતી ન હોવાનું સ્પષ્ટ થવાની સાથે મોબાઈલ ટાવરનો ટેક્સ ત્રણ વર્ષથી કોઈપણ પાર્ટીએ ભર્યો જ ન હોવાનું કાનભાઈની તફતીસમાં બહાર આવતા મોરબી પાલિકાના ક્હેવાતા શાસકો કેવા કામઢા છે તેની પોલ છતી થઇ ગઈ હતી. બીજી તરફ મોરબી નગરપાલિકા પાસે સફાઈ કામગીરી માટેની 50 લાખ રૂપિયાની ગાડી ડ્રાઇવર વાંકે ધૂળ ખાઈ રહી હોવાનું પણ અધિકારીઓએ બેશરમ બનીને સ્વીકારતા કાનભાઈએ તાકીદે જાહેરાત આપી વાહન ચાલકની ભરતી કરવા સૂચના આપી હતી.

- text

બીજી તરફ કેન્દ્ર-રાજ્યમાં અને મોરબી નગરપાલિકામાં ભાજપની સરકાર છે ત્યારે મોસાળે જમણ અને માં પીરસનાર હોવા છતાં પાલિકાની ચૂંટાયેલી પાંખ લોકાભિમુખ શાસન આપવામાં નિષ્ફળ નીવડી હોવાની છાપ વચ્ચે દરમહિને 2 કરોડના પગાર ભથ્થાના ખર્ચ કરવા છતાં લોકોને સુખાકારી મેળવી તો ઠીક પાલિકા પોતાના વહીવટી કામો પણ કરી શક્તિ ન હોવાનું કાનભાઈની મિટિંગમાં સ્પષ્ટ બન્યું હતું.શર્મનાક બાબત તો એ છે કે મોરબીમાં પાલિકા દ્વારા કોન્ટ્રાકટર પાસે બનાવડાવેલ ગેરંટી વાળા રસ્તા તૂટીને ધૂળધાણી થયા હોવા છતાં અધિકારીઓ કે પદાધિકારીઓ હર્ફ સુધ્ધાં ઉચ્ચારતા ન હોય જાગૃત ધારાસભ્ય કાનભાઈએ છેલ્લા ત્રણવર્ષમાં બનેલા અને તૂટી ગયેલા તમામ રસ્તાઓનું લિસ્ટ કરી કોન્ટ્રાકટરના ખર્ચે આવા રોડ રસ્તા તત્કાલ રીપેર કરાવવા તાકીદ કરી હતી.

એક વાત તો સ્પષ્ટ છે કે લોકોએ જેમના ઉપર ભરોસો મૂકી આગામી પાંચ વર્ષ માટે મોરબીની વિકાસધુરા જેમને સોંપી છે તેવા ભાજપી નગર સેવકો પ્રજાના કામ માટે નિરુત્સાહ હોવાનું અથવા તો વહીવટી રીતે અજ્ઞાન હોવાનું ગઈકાલે કાનભાઈએ લીધેલી મિટિંગમાં સ્પષ્ટ બન્યું છે, આ સંજોગોમાં લોકલાડીલા નેતા કાનાભાઇ મોરબી નગરપાલિકાની ગાડી કેટલા સમયમાં પાટે ચડાવે છે તે આવનાર સમય જ બતાવશે.

- text