“બડે બે આબરૂ હો કે..” મોરબી પાલિકાની કંગાળ સ્થિત અને વિવિધ પ્રશ્ને ધારાસભ્યે લીધો ઉધડો

- text


 

4 કરોડ લાઈટના બાકી…પેટ્રોલ પંપના 34 લાખ બાકી કોઈ ઉધાર દેવા તૈયાર ન હોવાનું કબુલતા ઇન્ચાર્જ ચીફ ઓફિસર 

મોરબી : જાણીતી ગઝલ બડે બે આબરૂ હો કે નીકલે તેરે દર સે સનમ….ની પંક્તિઓ મોરબી નગરપાલિકા માટે બિલકુલ બંધ બેસી રહી છે, આજે મોરબી – માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાની અધ્યક્ષતામાં મળેલ મોરબી નગરપાલિકાની ખાસ બેઠકમાં પાલિકાની હાલત અત્યંત કંગાળ હોવાનું અને ગામમાં કોઈ એક રૂપિયાની પણ ઉધારી દેવા તૈયાર ન હોવાનું ઇન્ચાર્જ ચીફ ઓફિસરે કબુલવાની સાથે લાઈટ બિલના બાકી નીકળતા 4 કરોડ જો સમયસર ન ચૂકવાય તો મોરબીમાં અંધારપટ્ટ છવાઈ જવાની દહેશત વ્યક્ત કરવામાં આવી હતી.જો કે ગંભીર સ્થિતિ મામલે ધારાસભ્યે અધિકારીઓ અને ચૂંટાયેલ સભ્યોનો ઉધડો લીધો હતો.

કેન્દ્ર રાજ્યમાં ભાજપ સરકારની સાથે મોરબી નગરપાલિકાની તમામ બાવને બાવન બેઠક ઉપર ભાજપના નગરસેવકો ચૂંટાઈ આવતા મોરબીમાં ડબલ નહીં પણ ત્રિપલ એન્જીનની સરકાર હોવાનું કેન્દ્રીય કૃષિમંત્રી પરસોતમ રૂપાલા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ વિધાનસભા ચૂંટણી વખતે કહી ગયા હતા પરંતુ આ ત્રિપલ એન્જીનવાળી સરકારમાં હાલમાં મોરબી નગરપાલિકા પાસે ફળિયું ન હોવાથી પાકિસ્તાનની જેમ કંગાળ હાલતમાં હોવાનું અને લાઈટબિલના 4 કરોડ રૂપિયા ચૂકવવા માટે પણ કોઈ વિકલ્પ ન હોવાનું આજે મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાના વડપણ હેઠળ યોજાયેલ મિટિંગમાં બહાર આવ્યું છે.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરાયા બાદ મોરબી નગરપાલિકા મૂર્છિત જેવી સ્થિતિમાં મુકાઈ ગઈ હોય આજે મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાના અધ્યક્ષસ્થાને ખાસ વિકાસકામો માટે મહત્વની બેઠક મળી હતી જેમાં મોરબી પાલિકાની દયનિય અને કંગાળ સ્થિતિ ઉજાગર થઈ હતી, મોરબી પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરે તો ત્યાં સુધી સુધી જણાવ્યું હતું કે મોરબી પાલિકાની આબરૂ તો એવી છે કે કોઈ વ્યાપારી કે પેઢી મોરબી પાલિકાને 1 રૂપિયાની ઉધારી આપવા તૈયાર નથી !!! આ ઉપરાંત મોરબી શહેરમાં સ્ટ્રીટ લાઈટના બિલના 4 કરોડ બાકી હોય ક્યારે લાઈટ કપાઈ જાય તે પણ નક્કી ન હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.ઉપરાંત પમ્પના 34 લાખ બાકી હોવાનું સામે આવ્યું છે.આ ગંભીર સ્થિતિ મામલે ધારાસભ્યે અધિકારીઓ અને ચૂંટાયેલ સભ્યોનો ઉધડો લીધો હતો.

- text

બીજી તરફ સ્ટ્રીટ લાઈટ ખરીદીમાં થયેલ કૌભાંડની ગુંજ પણ આ બેઠકમાં રીતસરની સંભળાઈ હતી, જો કે મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, મોરબીના લોકોએ ભાજપ ઉપર ભરોસો મૂકી 52-52 બેઠકો ભાજપને સુપરત કરી છે ત્યારે સત્વરે આ પરિસ્થિતિમાંથી બહાર આવી મોરબી નગરપાલિકાના તમામ સદસ્યો વિખવાદ ભૂલી પ્રજાજનોને સારામાં સારી સુવિધા મળે તે માટે પ્રયત્નશીલ બને તે માટે કામે લાગી જાય તેવી હાંકલ કરી મોરબી પાલિકાને સત્વરે આ સ્થિતિમાંથી ભાર લાવવા કોશિશ કરવામાં આવશે તે બાબત ઉપર ભાર મુક્યો હતો.

- text