મોરબી જિલ્લામાં ક્યાં ક્યાં એમડી ડ્રગ્સ વેચ્યું ? પોલીસ તપાસ શરૂ

- text


એમડી ડ્રગ્સ સાથે પકડાયેલો આરોપી 6 દિવસના રિમાન્ડ પર

મોરબી : વાંકાનેર નજીક એક ફેક્ટરીમાંથી થોડા સમય પહેલા એલસીબીએ દરોડો પાડી હાઈ પ્રોફાઈલ ગણાતા એમડી ડ્રગ્સ સાથે રાજસ્થાનના શખ્સને દબોચી લીધા બાદ આ શખ્સ કેમિકલનું વેચાણના નામે કારખાનામાં ઓરડી ભાડે રાખી નશાનો વેપલો કરતો હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસ દ્વારા ક્યાં ક્યાં એમડી ડ્રગ્સ વેચાતું હતું તે સહિતની બાબતે વધુ તપાસ માટે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

- text

મોરબી એલસીબી પીઆઇ ઢોલ સહિતના સ્ટાફને ખાનગીરાહે થોડા દિવસો પહેલા ચોક્કસ બાતમી મળી હતી કે, વાંકાનેરના ભાયાતી જાબુડિયા ગામે આવેલ આદિત્યરાજ નામની ફેક્ટરીમાં એક ઇસમ બહારથી નશીલા દ્રવ્યો લાવીને નશાનો કાળો કારોબાર ચલાવે છે. આ પ્રકારની બાતમી મળતા તુરંત જ એલસીબી સ્ટાફે વાંકાનેરના ભાયાતી જાબુડિયા ગામે આવેલ આદિત્યરાજ નામની ફેક્ટરીમાં દરોડો પાડી ઓમપ્રકાશ હનુંમાન રામ ચૌધરી રહે મૂળ રાજસ્થાનવાળાને રૂ.13 લાખથી વધુની કિંમતના 136.20 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. જો કે પોલીસની તપાસમાં આરોપીનો ગુનાહિત ઇતિહાસ બહાર આવ્યો નથી. પરંતુ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર આ શખ્સ રાજસ્થાનથી એમડી ડ્રગ્સ લઈ આવ્યો હતો અને આ ફેક્ટરીમાં ઓરડી ભાડે રાખી કોઈ કેમિકલના નામે આ માદક દ્રવ્યોનો વેપલો કરતો હતો. એમડી ડ્રગ્સ હાઈ પ્રોફાઈલ હોય અગાઉ આ ડ્રગ્સનો હાઈ પ્રોફાઈલ લોકો જ ઉપયોગ કરતા હોય ત્યારે વાંકાનેરમાં પકડાયેલો આ એમડી ડ્રગ્સની ઘણી ગંભીરતા વધી જાય છે અને આ એમડી ડ્રગ્સનો મોરબીમાં ક્યાં ક્યાં કાળો કારોબાર થાય અને કેટલા લોકો ઉપયોગ કરતા તેમજ આ આરોપીએ કોને કોને ડ્રગ્સ સપ્લાય કર્યો તેની વિગતો બહાર લાવવા માટે આરોપીને 14 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આ આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે રિમાન્ડ દરમિયાન તેના નેટવર્ક વિશે વધુ સઘન પૂછપરછ કરાશે તેવું તપાસનીશ અધિકારી એસઓજી પીઆઈ એમ.પી.પંડ્યાએ જણાવ્યું હતું.

 

- text