પીપળીયા ચાર રસ્તા નજીક ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપી લેતી એલસીબી પોલીસ

- text


હાઇવે ઉપરથી પસાર થતા ડીઝલ ટેન્કરમાંથી રૂપિયા 50 પ્રતિ લિટરના ભાવે ડીઝલ કાઢવામાં આવતું હતું : બે આરોપી ઝડપાયા, એક ફરાર

મોરબી : માળીયા-જામનગર હાઇવે ઉપર પીપળીયા ચાર રસ્તા નજીક આવેલા એક વરંડામાથી પોલીસે ટેન્કરમાંથી ડીઝલ ચોરવાનું કૌભાંડ ઝડપી લઈ બે શખ્સને રંગેહાથ ઝડપી લઈ ડીઝલ ટેન્કર સહીત કુલ રૂપિયા 39 લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી એક આરોપીને ફરાર દર્શાવી માળીયા મિયાણા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમના પીઆઇ ડી.એમ.ઢોલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.જે.ચૌહાણ, એન.એ.ચુડાસમા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ કાણોતરા, ભરતભાઈ ઝીલરીયા અને દશરથસિંહ પરમારને મળેલી સંયુક્ત બાતમીને આધારે માળીયા-જામનગર હાઇવે ઉપર પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ રામદેવ હોટલની પાછળના વરંડામાં દરોડો પાડી ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવાનું કૌભાંડ ઝડપી લીધું હતું.

વધુમાં એલસીબી ટીમે રામદેવ હોટલની પાછળના વરંડામાં દરોડો પાડી ભારત બેન્ઝ કંપનીનું ટેન્કરમાંથી સીલ તોડી ડીઝલ ચોરી કરનાર હરદેવ ઉર્ફે લાલો પ્રભાતભાઈ બોરીચા, રહે.જશાપર અને ઉત્તરપ્રદેશના ટેન્કર ચાલક વિનોદ મેવાલાલ પટેલ નામના આરોપીઓને ભારત બેન્ઝ કંપનીનું ટેન્કર કિંમત રૂપિયા 15 લાખ, 24 હજાર લીટર ડીઝલનો જથ્થો કિંમત રૂપિયા 23, 79,936, ટેન્કરમાંથી ચોરેલ ડીઝલ ભરેલા કેરબા નંગ 4 અને 110 લીટર ડીઝલ કિંમત રૂપિયા 10,1120, રોકડા રૂપિયા 2,000 અને મોબાઈલ ફોન નંગ -2 કિંમત રૂપિયા 10 હજાર સહિત કુલ રૂપિયા 39,02,056નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- text

વધુમાં પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપી હરદેવ ઉર્ફે લાલો પ્રભાતભાઈ બોરીચાએ કબુલ્યું હતું કે, ટેન્કર ચાલક પાસેથી રૂપિયા 50 પ્રતિ લિટરના ભાવે ટેન્કરમાંથી ડીઝલનો જથ્થો ચોરવામાં આવતો હતો અને બાદમાં આ ચોરાઉ ડીઝલ વરંડાના માલિક એવા કેરાળી ગામના રહેવાસી આરોપી હકા બાબુભાઇ ચાવડાને વેચવામાં આવતો હોવાનું અને આરોપી હકા બાબુભાઇ ચાવડા પોતાના વાહનોમાં આ ચોરીનું ડીઝલ વાપરતો હોવાનું કબુલતા પોલીસે આરોપી હકા બાબુભાઇ ચાવડાને ફરાર દર્શાવી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.

- text