મોરબીમાં જીલ્લા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

- text


મોરબી : રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ જેવા વિષયોમાં રસ રુચી વધે તથા વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂ પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું જીલ્લા કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રીમદ રાજચંદ્ર શાળા વિકાસ સંકૂલ, મોરબીના કન્વીનર સંજીવભાઈ જાવિયાના જણાવ્યા મુજબ આ વર્ષના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં જુદા જુદા પાંચ વિભાગ આપવામાં આવ્યા હતા, જે અનુસંધાને તા.૦૫/૦૧/૨૦૨૩થી તા.૦૭/૦૧/૨૦૨૩ ત્રણ દિવસ શ્રીમતી સી.એન.પટેલ વિદ્યાલય, ઘુંટુ ખાતે માધ્યમિક/ઉચ્ચ. માધ્યમિક વિભાગનું જીલ્લા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાંથી કુલ ૨૬ કૃતિઓ – ૫૨ વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવી હતી. દરેક વિભાગમા ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર, શિલ્ડ અને મોમેન્ટો ભેટ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં દરેક વિભાગમાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓની કૃતિ હવે પછી ઝોન કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે. આ પ્રદર્શનમાં ૪ નિવૃત વિજ્ઞાન શિક્ષકો જેમાં અણદાણી, આડેસરા, ઠોરીયા અને ગઢીયા સાહેબે નિર્ણાયક તરીકે કામગીરી કરી હતી.

- text

આ પ્રદર્શન નિહાળવા અલગ અલગ સ્કૂલના અંદાજે ૨૨૦૦ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો આવ્યા હતા. ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ઘૂંટુ ગામના અગ્રણીઓ, સરપંચ, સ્કૂલના ટ્રસ્ટીઓ વગેરે આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ડી ઈ.ઓ. એન.વી રાણીપા તથા ડી.પી.ઈ.ઓ.પ્રવીણભાઈ અંબારીયા અને રાજકોટ ડાયટના વિજ્ઞાન સલાહકાર દિપાલીબેન વડગામા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા શાળાના આચાર્ય વનિતાબેન ધોરિયાણી દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન એસ.વી.એસ. કન્વીનર સંજીવભાઈ જાવિયા અને સહ કન્વીનર ધર્મેન્દ્રભાઈ વિરમગામા દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓએ કૃતિ રજુ કરનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા.

- text