શનાળા નજીક બનશે નવી મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ, પાયાનું કામ શરૂ થયું

- text


કતીરા કન્ટ્રકશને 499 કરોડમાં આ પ્રોજેક્ટની કામગીરી સોંપાઇ : 20થી 25 દિવસમાં ડિઝાઇન ફાઇનલ થયા બાદ કામગીરીનો ધમધમાટ : મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના પાયાનું કામ શરૂ

મોરબી : મોરબી માટે મંજુર થયેલી મેડિકલ કોલેજ અને નવી સિવિલ હોસ્પિટલનું કામ પુરપાટ ગતિએ આગળ ધપી રહ્યું છે, રાજ્ય સરકાર દ્વારા મોરબી-રાજકોટ હાઇવે ઉપર રૂપિયા 527 કરોડના ખર્ચે મેડિકલ કોલેજ – સિવિલ હોસ્પિટલ પ્રોજેક્ટ માટે ટેન્ડર આમંત્રિત કર્યા બાદ નીચા ભાવ ભરનાર કતીરા કન્ટ્રકશને 499 કરોડમાં આ પ્રોજેક્ટની કામગીરી સોંપાતા હાલમાં મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના પાયા ખોદવાનું કામ તેમજ કમ્પાઉન્ડ વોલ માટેની કામગીરી શરૂ થવા પામી છે.

મોરબી જિલ્લો બન્યા બાદ એક બાદ એક સુવિધાઓ મળવાનું શરૂ થયું છે ત્યારે નવી મેડિકલ કોલેજ મંજુર થતા હાલમાં ગીબશન સ્કૂલ ખાતે કાર્યકારી મેડિકલ કોલેજ શરૂ કરી દેવામાં આવી છે.બીજી તરફ સિવિલ હોસ્પિટલ સલંગ્ન મેડિકલ કોલેજ માટે મોરબી – રાજકોટ હાઇવે ઉપર શનાળાથી આગળ જતા 20 એકર જમીનની ફાળવણી કરાયા બાદ સરકાર દ્વારા વધુ 10 એકર જમીન ફાળવવામાં આવતા હાલના તબક્કે 450 બેડની અદ્યતન સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ માટે ડિઝાઇન – પ્લાન મંજૂરી અર્થે મોકલી દેવાયો છે જે સંભવતઃ આગામી 20 કે 25 દિવસમાં એપ્રુવ થયા બાદ ફૂલ ફલેન્જમાં મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલની કામ શરૂ થઈ જશે.

- text

મોરબી મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ પ્રોજેક્ટની કામગીરી સાંભળી રહેલ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ આરોગ્ય વિભાગ રાજકોટના અધિકારી નાથાણીના જણાવ્યા મુજબ નવી મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ પ્રોજેક્ટ અંતર્ગત વિશાળ 30 એકર જગ્યામાં મેડિકલ કોલેજ કેમ્પસ, 450 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ ઉપરાંત મેડિકલ કોલેજના ડીન માટે બંગલો, યુજી અને પીજી સ્ટુડન્ટ માટે હોસ્ટેલ, ક્લાસ-1, ક્લાસ-2 અને ક્લાસ-3 અધિકારીઓ માટે આવાસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવશે.

હાલમાં મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ પ્રોજેક્ટ અંતર્ગત લેબર કોલોની કાર્યરત બની છે અને વધારાની 10 એકર જમીન મળતા નવી ડિઝાઇન સાથેના પ્રોજેક્ટ ઉપર કામગીરી ચાલી રહી છે સંભવત જાન્યુઆરી માસના અંતિમભાગમાં મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ પ્રોજેક્ટ પુરપાટ ઝડપે દોડવા લાગે તેમ હોવાના સંકેત હાલમાં મળી રહ્યા છે.

- text