ચેતજો ! ગઠિયો મોબાઈલ તો ચોરી ગયો… સાથે ફોન પેથી 2.50 લાખ તફડાવ્યા

- text


મોરબીમા મિસ્ત્રીકામ કરતા રાજસ્થાની યુવાનને બેદરકારી ભારે પડી

મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મિસ્ત્રીકામ કરતા રાજસ્થાની યુવાનની રૂમમાંથી ચોર – ગઠિયો મોબાઈલ ફોન ચોરી ગયા બાદ આ ફોનમાં રહેલ ફોન પે એપ્લિકેશનથી રૂપિયા 2.50 લાખ તફડાવી લેતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ સીવીસ માઇક્રોન ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કવટર્સમાં કામ કરતા મૂળ રાજસ્થાનના વતની જોગરામ રામલાલ ચૌધરી પોતાની ઓરડીમાં સુતા હતા ત્યારે કોઈ અજાણ્યો તસ્કર તેમના બે મોબાઈલ ફોન ચોરી ગયો હતો અને મોબાઈલ ફોનમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે જોડાયેલ ફોન પે એકાઉન્ટમાંથી રૂપિયા 2,59,469ની રકમ તફડાવી લીધી હતી.

- text

વધુમાં જોગરામના 15 હજારના બે મોબાઈલ ફોન ઉપરાંત અન્ય શ્રમિકના પણ બે મોબાઈલ ચોરાયા હોય અજાણ્યો તસ્કર 5,500ના મોબાઈલ ફોન, રોકડા રૂપિયા 2200 તેમજ ફોન પેથી રૂપિયા 2,59,469 તફડાવી લેતા કુલ રૂપિયા 2,82,169ની મતાની ચોરી કરતા મોરબી તાલુકા પોલીસે આઇપીસી કલમ 457, 380 તેમજ ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text